બોર્ડ પેપર ચેક કરવામાં શિક્ષકોનાં ગલ્લાં તલ્લાં:ચકાસણી પહેલાં 1500થી વધુ શિક્ષકોની ‘તબિયત’ બગડી, ‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ જેવાં કારણ પેપર ચકાસણીથી મુક્તિ માટે ધર્યાં

By Abhishek Raghuvanshi
3 Min Read
  • રાજ્યના 37 હજાર શિક્ષક 1 એપ્રિલથી પેપર તપાસવાની કામગીરી શરૂ કરશે

રાજ્યમાં પહેલી એપ્રિલથી ધોરણ 10, 12 બોર્ડની પરીક્ષાનાં પેપર ચકાસણીનો કાર્યક્રમ શરૂ થશે. આ વર્ષે રાજ્યના 1500થી વધારે શિક્ષકોએ બોર્ડનાં પેપરની ચકાસણી કામગીરીમાંથી મુક્તિ આપવાની અરજી કરી હતી, જેમાં મોટા ભાગના શિક્ષકોએ સ્વાસ્થ્ય સંબંધિત કારણો રજૂ કરી પપેર ચકાસણી કાર્યક્રમમાંથી મુક્તિ આપવા અરજી કરી હતી. અંદાજે 15થી 20 ટકા શિક્ષકોને તેમની અરજી અને કારણો સંબંધિત દસ્તાવેજોને આધારે પેપર ચકાસણીમાંથી મુક્તિ અપાઈ છે.

શિક્ષકોને પેપર ચકાસણીમાંથી મુક્તિ અપાઈ
શિક્ષકોનાં મુખ્ય કારણ હતાં કે, ‘હું બીમાર છું, મારા સસરા બીમાર છે, ઘરની એક વ્યક્તિ બીમાર છે, નાનું બાળક છે, બીમારીમાંથી હજુ હમણાં જ સાજો થયો છું એટલે લાંબો સમય બેસી શકું તેવી સ્થિતિમાં નથી. એક શિક્ષકે ઓપરેશન કરાવ્યું હોવાથી પેપર ચકાસણીમાં નહીં જોડાઈ શકું તેવી અરજી કરી છે.

સ્કૂલ સંચાલકોએ શિક્ષકોને મોકલવા ફરજિયાત રહેશે
બોર્ડે શિક્ષકોએ આપેલાં કારણો સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી, જેમાં યોગ્ય જણાય તે શિક્ષકોને મુક્તિ આપી છે, પરંતુ આ પહેલાંનાં વર્ષોમાં પેપર તપાસનો આદેશ થયો હોવા છતાં પણ ખાનગી સ્કૂલોના ઘણા શિક્ષકો પરીક્ષાનાં પેપર જોવાની કામગીરીથી દૂર રહેતા હતા, જેઓને સામાન્ય દંડ કરાતો હતો, પરંતુ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાતાં ન હતાં. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોમાં જ વિરોધ જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે ખાનગી સ્કૂલોના શિક્ષકો વધારે સંખ્યામાં પેપર ચકાસણી કાર્યક્રમમાં જોડાય તે માટે નવો પ્રયોગ કર્યો છે. બોર્ડે પહેલી વાર શિક્ષકોનાં પેપર ચકાસણીના ઓર્ડર સ્કૂલને જ ઓનલાઇન મોકલ્યા છે. આથી સ્કૂલ સંચાલકોએ શિક્ષકોને મોકલવા ફરજિયાત રહેશે.

શહેરના 63 શિક્ષકે મુક્તિ માગી, 20ને મંજૂરી
અમદાવાદ શહેરના ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 46 શિક્ષકે પેપર ચકાસણીની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી, જેમાં 15 શિક્ષકોને બોર્ડે મુક્તિ આપી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17 શિક્ષકે અરજી કરી હતી, જેમાંથી 5 શિક્ષકને જ પેપર ચકાસણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

- Advertisement -

રાજીનામું આપનારા શિક્ષકોની સ્કૂલની તપાસ થશે
પરીક્ષાનાં પેપરોની ચકાસણી સમયે જ સ્કૂલમાંથી રાજીનામું આપનારા શિક્ષકોની સ્કૂલની તપાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. બોર્ડ શંકાસ્પદ શિક્ષકો અને સ્કૂલની તપાસ કરશે, જેમાં શિક્ષકે આ પહેલાં કેટલી વાર રાજીનામંુ આપ્યું છે, કેટલી વાર ફરી સ્કૂલમાં નોકરીમાં જોડાયા છે વગેરેની તપાસ કરાશે. જો સ્કૂલની કોઈ ગેરરીતિ હોવાનું જાણવા મળશે તો બોર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પરિણામ નક્કી કરેલા સમયે જાહેર થવાની સંભાવના
આ‌ વર્ષે બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ પેપર ચકાસણીની શરૂઆત થશે. આ પહેલાં પરીક્ષાના દિવસો દરમિયાન જ પેપર ચકાસણીની પણ શરૂઆત થઈ જતી હતી. પેપર ચકાસણી મોડી શરૂ થઈ હોવા છતાં પણ બોર્ડને આશા છે કે પરિણામ જાહેર થવામાં વિલંબ થશે નહીં.

Exit mobile version