
તલાટીની પરીક્ષા આપી અંદાજે 51 હજાર જેટલા પરીક્ષાર્થી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સયાજીગંજ તેમજ શાસ્ત્રી બ્રિજથી અટલ બ્રિજ વચ્ચે ચક્કાજામનો માહોલ સર્જાયો હતો. સયાજીગંજ વિસ્તારમાં એક તબક્કે પોલીસે ભરબપોરે ટ્રાફિક બંધ કરાવી સયાજીગંજથી વિદ્યાર્થીઓને ચાલતા મોકલવા પડ્યા હતા. બીજી તરફ ટ્રાફિક ડાઇવર્ટ કરાતાં પંડ્યા બ્રિજ, કાલાઘોડા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતાં લોકો પરેશાન થયા હતા. અંદાજે 25 હજાર ઉપરાંત વાહનોને ટ્રાફિક જામમાં અટવાવું પડ્યું હતું. પંડ્યા બ્રિજ પર બસમાં બેઠેલા મુસાફરોનો 1 કલાક જેટલો સમય બગડ્યો હતો.
એસટી ડેપો ખાતે બપોરે 2 વાગ્યાથી બસનો ટ્રાફિક જામ થતાં ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે દોડી આવી ડેપોમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ સમયે વિદ્યાર્થીઓ જંગી માત્રામાં રેલવે સ્ટેશન અને ડેપો પર આવવાનું શરૂ થતાં સયાજીગંજમાં જૂના સિટી બસ સ્ટેન્ડ પાસેથી ટ્રાફિક બંધ કરાયો હતો. જેથી વિદ્યાર્થીઓને ભરતડકે ચાલતાં ડેપો સુધી જવું પડ્યું હતું.
સયાજીગંજ પોલીસ અને ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરાતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. જ્યારે વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી. અંદાજે 4:30 વાગ્યાની આસપાસ સ્થિતિ થાળે પડી હતી. વિદ્યાર્થીઓ સિવાયના મુસાફરોને પણ સ્ટેશન અને ડેપો સુધી પહોંચવામાં હેરાનગતિ વેઠવી પડી હતી. આયોજન વગર પોલીસે અણીના સમયે કામગીરી શરૂ કરતાં બપોરે 2 કલાક નાગરિકો અને વિદ્યાર્થી હેરાન થયા હતા.
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે ધક્કા મુક્કી 250થી વધુ પરીક્ષાર્થીઓની કતારો લાગી
તલાટીની પરીક્ષા આપી પરત ઘરે જવા સ્ટેશન પર વિદ્યાર્થીઓની જંગી મેદનીને વ્યવસ્થાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટેશન પર જનરલ ટિકિટ મેળવવા એટીવીએમ તેમજ બુકિંગ વિન્ડો પર ધસારો થતાં ફ્રી નો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આરપીએફ કે અન્ય પોલીસ પણ સ્થળ પર હાજર ન હોવાને કારણે વ્યવસ્થા ગોઠવવામાં રેલવેના મહિલા કર્મચારીને પણ મુશ્કેલી પડતાં તેઓ દોડતા થયા હતા. ખાસ કરીને સુરત જવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ટિકિટ કરાવવા ઊભા રહેતા 250 લોકોની લાઈન લાગી હતી.
વડોદરા એસટી વિભાગ દ્વારા 21 બસોની 24 ટ્રીપનું સંચાલન કરાયું
તલાટીની પરીક્ષા માટે વડોદરા લાવવા તેમજ પરત લઈ જવા એસટી વિભાગે વધારાની બસ મૂકી હતી. 20 બસ દ્વારા પરીક્ષાર્થીને લવાયા હતા, જ્યારે 21 બસ દ્વારા 24 ટ્રીપ કરી વિદ્યાર્થીને પરત મૂકવાની વ્યવસ્થા કરી હતી. એસટી વિભાગે જણાવ્યા મુજબ દાહોદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર અને ખાસ કરીને સૌથી વધુ સુરત માટે વિદ્યાર્થી આવ્યા હતા.
નવાપુરા પોલીસના જવાને અમદાવાદના વિદ્યાર્થીના ફોનમાંથી પ્રિન્ટ કરાવી આપી
નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરોડા સ્કૂલ ખાતે કેયુર કિરીટભાઇ અમદાવાદથી પરીક્ષા આપવા આવ્યાે હતાે. તેમની પાસે પ્રમાણપત્રો ન હોવાથી સેન્ટર પર ગભરાઈ ગયો હતો. પોલીસે પૂછતાં તેણે કહ્યું કે, પ્રવેશ માટે અસર ડોક્યુમેન્ટ્સ નથી. નવાપુરા પોલીસ જવાનોએ ફોનમાંથી કલર પ્રિન્ટ કાઢી લેેિમનેશન કરાવી આપ્યું હતું.
