જીવના જોખમે મુસાફરીનો વીડિયો વાઇરલ:સુરતમાં સિટી બસના દરવાજામાં લટકી યુવાનો જિંદગીને દાવ પર મૂકી મુસાફરી કરતા જોવા મળ્યા

By Abhishek Raghuvanshi
2 Min Read

સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન થકી લોકોની સુવિધા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તેની સામે અનેક પડકાર પણ ઊભા થઈ રહ્યા છે. મોટાભાગના રૂટો ઉપર મોટી સંખ્યામાં લોકો સિટી બસ અને બીઆરટીએસનો ઉપયોગ કરી રહ્યા છે. સમયાંતરે જીવના જોખમ મુસાફરી કરતા મુસાફરોના વીડિયો વાઇરલ થતા જોવા મળે છે. ત્યારે જીવના જોખમે મુસાફરી કરતા મુસાફરોનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં બસના દરવાજા પર લટકી યુવાનો જિંદગીને દાવ પર મૂકી મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

વાઇરલ વીડિયો મજુરાગેટથી સ્ટેશન જતા રૂટનો છે
સુરતમાં એક સ્થળેથી બીજા સ્થળે ધંધા-રોજગાર માટે હજારો લોકો રોજ સિટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરે છે, પરંતુ વધુ પડતા મુસાફરોના ધસારાને કારણે બસ હાઉસફૂલ થઈ જાય છે. આવી સ્થિતિમાં મુસાફરો પોતાના ધંધા-રોજગારના સ્થળે પહોંચવા જીવનું જોખમ ખેડે છે. હાલ જે વીડિયો વાઇરલ થયો છે તે મજુરાગેટ વિસ્તારથી સિવિલ હોસ્પિટલ થઈ સ્ટેશન જતા રૂટનો છે.

આ રૂટ પર મુસાફરોનો વધારે ધસારો રહે છે
આ રૂટ ઉપર સામાન્ય રીતે મુસાફરોનો ધસારો વધુ જોવા મળતો હોય છે. પૂરપાટ ઝડપે દોડતી સિટી બસના દરવાજામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉભા જોવા મળે છે. આવી સ્થિતિમાં જો કોઈ મુસાફર નીચે પટકાય તો તેનો જીવ જોખમમાં મૂકાવાની પૂરેપૂરી શક્યતા છે.

22 જેટલા રૂટ ડાયવર્ટ થયા છે
સિટી બસના કોર્ડિનેટર મેહુલ પટેલે જણાવ્યું હતું કે, હાલ સુરત શહેરની અંદર અલગ અલગ સ્થળ ઉપર મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રિંગ રોડ ઉપર ટ્રાફિક ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. યાત્રીઓને મુશ્કેલી ન થાય તેના માટે સિટી બસના 22 જેટલા રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આજે બસનો વીડિયો સામે આવ્યો છે તે ઓલપાડથી અડાજણ થઈ રિંગરોડથી સુરત સ્ટેશન ઉપર જવા માટેની બસ છે. ઘણી વખત બસના શિડ્યુલમાં ફેરફાર થઈ જાય છે. ત્યારે બીજી બસની રાહ જોવા કરતા એક જ બસમાં વધુ પેસેન્જર ચડી જતા હોવાને કારણે આવી સ્થિતિ ઊભી થતી હોય છે.

- Advertisement -
Exit mobile version