- ખાનગી કંપનીમાં લાખોનો પગાર મેળવતો પતિ ભરણપોષણ પણ આપતો ન હોવાથી ફરિયાદ
મૂળ રાજસ્થાનના વતની અને ઉચ્ચ શિક્ષિત પતિના કાળા કારનામાં બહાર લાવનારી શહેરની ડાયેટિશિયન પ્રિયંકા મહેતાએ ભરણપોષણ નહીં આપતા પતિ સામે કોર્ટમાં, મહિલા આયોગમાં અરજી કરી છે. એક ટોચની ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ દીપક મહેતા ઊંચા પગારની નોકરી કરતા હોવા છતાં પત્ની અને દીકરીઓને મુકીને અડધી રાત્રે ઘરમાંથી ભાગી ગયા હતા. ભરણપોષણનો એક રૂપિયો પણ આપતા નથી. પત્નીએ જાતે પતિના અન્ય સ્ત્રીઓ સાથેનાં બે લફરાં પકડીને તેના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
પત્ની અને દીકરીઓને મુકીને અડધી રાત્રે ઘરમાંથી ભાગી ગયા
આ અંગે પત્નીએ મહિલા આયોગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનો પતિ બે દીકરીની હાજરીમાં તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો. દીપક મહેતા અને તેની સાથે કામ કરતી મહિલાના કાળા કારનામા બહાર આવ્યા છતાં કંપનીએ માત્ર મહિલાને નોકરીમાંથી કાઢી હતી. દીપક મહેતાને નોકરી પર યથાવત રાખ્યા હતા. દીપક મહેતા દર થોડા દિવસે નવી નવી છોકરીઓ સાથે સંબંધ રાખીને તેમના જીવન સાથે રમત કરી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સાથે કામ કરતી યુવતી સાથે તેને અનૈતિક સંબંધો
પ્રિયંકા મહેતાએ બે દીકરીઓ માટે ભરણપોષણ મેળવવા કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ દીપક મહેતાએ ટ્રેનની મુસાફરી દરમિયાન પણ પારકી સ્ત્રીઓ સાથે ચેનચાળા કર્યા હતા અને ટ્રેનમાં બૂમાબૂમ થતાં માફી માગવી પડી હતી. સાથે કામ કરતી યુવતી સાથે તેને અનૈતિક સંબંધો હતા. તે અંગે કંપનીના સત્તાધીશોને જાણ કરતા તેના પતિને કાઢવાની જગ્યાએ યુવતીને નોકરીમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ તેનો પતિ બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવે છે. તે અંગેના પુરાવા પ્રિયંકા મહેતાએ મહિલા આયોગમાં રજૂ કરવા છતાં મહિલા આયોગે પણ કયારેય કોઈ પગલા લીધા નહીં હોવાની રજૂઆત કરી હતી.
પતિ પરસ્ત્રી સાથે સ્પામાં જઈ અઢળક ખર્ચ કરતો હોવાના પુરાવા પણ પત્નીએ એકત્ર કર્યા હતા
પ્રિયંકાએ દીપકના અન્ય સ્ત્રીઓ સાથેના અનૈતિક સંબંધોનો પર્દાફાશ કરવા તેના પતિની કોલ ડિટેઇલ કઢાવી હતી. તેના પરથી પતિ કોની સાથે વાત કરે છે? તે વ્યક્તિ કોણ છે? વગેરે ગોરખધંધા પકડયા હતા તે કોની સાથે સ્પામાં જાય છે? અજાણી સ્ત્રીને લઇને ફરવા જતો હોવાની તમામ વિગતો એકત્ર કરી હતી. તેણે પત્નીને માર મારીને ટોણા મારતો હતો કે, તે બબ્બે દીકરીઓને જન્મ કેમ આપ્યો? મારે દીકરો જોઇએ છે.
દીકરીને પેટમાં લાત મારી ઘર બહાર કાઢી મૂકી
પ્રિયંકાએ ફરિયાદમાં રજૂઆત કરી હતી કે, દીપક અડધી રાત્રે બન્ને દીકરીઓને અને મને મુકીને જતો રહ્યો હતો. ત્યારબાદ નાની 13 વર્ષની દીકરીએ પપ્પા પાસે જવાની જીદ કરતા બન્ને દીકરીને પતિ પાસે મુકવા ગઇ હતી. પતિએ બન્ને દીકરીને જમવાનું કે પાણી આપવાની પણ ના પાડી દીધી હતી. અને ઘરની બહાર કાઢી મુકી હતી. દીકરીઓએ રડવાનું શરૂ કરતા દીકરીને પેટમાં લાત મારીને ઘરની બહાર કાઢી મુકી હતી
