અમદાવાદ શહેરમાં એવા કુખ્યાત ગુનેગારો છૂપાયેલા હતા કે ગુના કર્યા પછી તેમના વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. આ ગુનેગારો અલગ અલગ જગ્યાએ છૂપાયેલા હોવાની માહિતી અમદાવાદના ઝોન-5 ડીસીપી બળદેવ દેસાઈને મળી હતી. તેમણે તાત્કાલિક આખા ઝોનના પોલીસ અધિકારીઓને ભેગા કરીને 8 PI, 13 PSI સહિત 65 પોલીસકર્મીની ટીમ બનાવી હતી. બાદમાં વહેલા પરોઢિયે ગુનેગારોને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું. હવે તેમને કોઈ પકડી નહીં શકે તેવા વહેમમાં હતા ત્યારે જ પોલીસે ગુનેગારોને ઝડપી લીધા હતા. આખા ઝોનમાંથી તડીપાર અને વોન્ટેન્ડ 49થી વધુ ગુનેગારો એક રાતમાં ઝડપાયા હતા.
ડીસીપી ઝોન 5એ ઓપરેશન ચલાવ્યું
અમદાવાદમાં એક સમયે સૌથી વધુ ગેંગ ધરાવતો વિસ્તાર એટલે ઝોન 5 હતો. જેમાં અલગ અલગ ગેંગ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે ગુના આચરતી હતી. આ ગેંગના જૂના અને નવા ગુનેગારો એક વખત ગુનો આચરીને ફરાર થઈ જતા હોય છે. તાજેતરમાં પાંચ વિસ્તારમાં આવા કેટલાક તડીપાર ગુનેગારો આવીને છૂપાયા હોવાની જાણ ડીસીપી ઝોન 5 બળદેવ દેસાઈને થઈ હતી. જેથી તેમણે તાત્કાલિક એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
દિવસે નહીં પણ વહેલી સવારે ઓપરેશન પાર પડાયું
આ ઓપરેશન દિવસે નહીં પણ વહેલા પરોઢિયે DCPએ ટીમને સૂચના આપી હતી કે, દરેક ગુનેગારોના ઘરે, તેમના સંભવિત ઠેકાણા અને બની શકે તો ગુનેગારો કોઈ જગ્યાએ ભેગા થયા હોય તેવી જગ્યાએથી તેમને ઊંચકી લાવવા જોઈએ. આ જ કામ ડીસીપીની ટીમે કરી બતાવ્યું જ હતું. તેમણે એક જ રાતમાં 49 જેટલા આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે. રથયાત્રામાં આવા ગુનેગારોને પકડવા માટેની આખી ડ્રાઈવ ચાલતી હોય છે તે પહેલા ડીસીપીએ મહત્વની કામગીરી કરીને મોટાભાગના ગુનેગારોને સળિયા પાછળ ધકેલવા અને તડીપાર કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે.
આ વિસ્તારોમાં પોલીસે ઓપરેશન ચલાવ્યું
રથયાત્રા દરમિયાન શાંતિ જળવાય રહે તે માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરના ઝોન-5 વિસ્તારમાં નિકોલ, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, અમરાઈવાડી, ખોખરા, ઓઢવ, રામોલ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
ACP કક્ષાના અધિકારીના નેતૃત્વમાં કામગીરી કરાઇ
ACP કક્ષાના અધિકારીના નેતૃત્વમાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ 13 ટીમ દ્વારા વહેલી સવારે 4થી 5.30 વાગ્યે જે-તે વિસ્તારોમાં તડીપાર 49 આરોપીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોલીસે 14 આરોપીઓ પકડ્યા હતા. 3 દિવસ પહેલા પણ પોલીસે આ પ્રકારે કોમ્બિંગ કરીને 15 આરોપીને પકડી લીધા હતા.પોલીસે અત્યારસુધી કુલ 29 તડીપાર આરોપીઓને ઝડપી લીધા છે. બીજી તરફ ઝોન 5 પોલીસે 49 કેસ નાના-મોટા હથિયાર રાખવા અંગે કર્યા છે.
