જુનાગઢમાં ઈમારત ધરાશાઈ થવાની ઘટનાની સાહી હજી સુકાઈ નથી. ત્યારે યાત્રાધામ ડાકોરમાં શુક્રવારની રાત્રે રણછોડરાયના મંદિરે જવાના મુખ્ય માર્ગ પર જુનવાણી મકાનની જર્જરિત દિવાલનો ભાગ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાનું સામે આવ્યું છે પણ દિવાલનો કાટમાળ એટલી માત્રામાં રોડ પર હતો કે અવરજવર બંધ થઈ હતી.
ડાકોરમાં સાચી માતાના મંદિર સામે આવેલ બે માળનુ જુનવાણી મકાનની જર્જરિત માટીની દિવાલ ગતરોજ રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ ધરાશાઈ થઈ હોવાનો બનાવ બન્યો છે. રણછોડજી મંદિર જવાના મુખ્ય માર્ગ પર જ આ ઘટના બનતા પાલીકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. મંદિર બંધ થવાના સમયે દિવાલ પડતા આ કાટમાળ નીચે કોઈ દબાયું હોવાની શક્યતાને લઇને એક સમયે પાલીકાના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટના જો પાંચ મિનિટ વહેલી થઈ હોત તો મોટી જાનહાનિ સર્જાત તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. કારણ કે દર્શન કરી ઘરે પરત આવતા આ મુખ્ય માર્ગ હોવાથી મોટી જાનહાનિ સર્જાત.
તાબડતોબ પાલીકા તંત્ર અને પોલીસ બનાવ સ્થળે દોડી આવી ગયા હતા. આ બાદ નગરપાલિકા દ્વારા જેસીબીથી કાટમાળ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે આ બનાવમાં કોઈનો જીવ ગયો ન હોવાનું સામે આવતાં અંતે પાલિકા અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ દિવાલનો કાટમાળ નીચે પાર્ક કરેલા બે દ્વિચક્રી વાહનો દટાઈ જતાં બન્ને વાહનોને નુકશાન થયું છે. જ્યારે મંદિર તરફનો રસ્તો આ કાટમાળના કારણે બંધ રહેવા પામ્યો હતો. મહત્વનુ છે કે, ડાકોરમાં હજુ પણ આવા જર્જરિત મકાનો છે જે ગમે ત્યારે આ ચોમાસાની સિઝનમાં ધરાશાયી થઈ જાય તેમ છે ત્યારે પાલિકા તંત્ર આ બાબતે આવા મકાન માલિકોને નોટીસ પાઠવી કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.
