- મધરાતે શહેર જ્યારે સૂતું હતું ત્યારે છેવાડાના પલસાણા સહિતના વિસ્તારોને વરસાદે ધમરોળ્યા
- 4 તાલુકાના 45 રસ્તા બંધ કરવા પડ્યા, બારડોલીમાં પાણીમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું
મોડીરાતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે 12થી મળસ્કે 4 વાગ્યાના માત્ર 4 કલાકમાં જ જિલ્લાના મહુવા, બારડોલી અને પલસાણા તાલુકામાં અનુક્રમે 8 ઇંચ, 7.2 ઇંચ અને 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરત શહેરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સુરત શહેરનો સિઝનનો કુલ વરસાદ 31.81 ઇંચ થયો છે. ભારે વરસાદના કારણે ઓવરટોપિંગ, અન્ડરપાસમાં પાણી ભરાવાને કારણે સુરત જિલ્લામાં 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.
પલસાણામાં 9, મહુવામાં 13, બારડોલીમાં 17 અને માંડવીમાં 6 રસ્તા બંધ કરાયા છે. મહુવા અને બારડોલીની તમામ સ્કૂલોમાં પણ ભારે વરસાદથી રજા આપવામાં આવી હતી. બારડોલીમાં ધોધમાર વરસાદથી બારડોલી જલારામ મંદિર પાછળ 13 વ્યકતિઓ જ્યારે ડી.એમ.નગર અને એમ.એન.પાર્કમાં 11 વ્યકતિ ફસાતા ફાયર વિભાગે રેસ્કયુ કર્યા હતા. સુરત જિલ્લામાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
લાખી ડેમ ઓવરફલો થઈ શકે
માંડવીનો લાખી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. સપાટી 74.25 મીટર છે હાલમાં કુલ 80 ટકા પાણીથી ભરાયેલો છે. ડેમની પૂર્ણ સપાટી 74.10 મીટર પહોંચીને ઓવરફલો થવાની શકયતા રહેલી છે. જેથી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
ઉકાઇની સપાટી રૂલ લેવલથી 2 ફૂટ દૂર
ઉપરવાસમાં વરસાદથી ઉકાઇ ડેમમાં દિવસભર 50 હજારથી 73 હજાર ક્યુસેક પાણીની આવક રહી હતી. જેથી સપાટી 1 દિવસમાં 1 ફૂટ વધી 331 ફૂટને પાર થઇ છે. રૂલ 2 લેવલ 333 ફૂટ છે, જેથી હાલની સપાટી રૂલ લેવલથી માત્ર 2 ફૂટ જ દૂર છે.
આ રસ્તાઓ બંધ કરાયા
મહુવામાં 13 રસ્તા બંધ : મહુવા તાલુકામાં ભગવાનપુરા વાંકથી સાંબા રોડ, કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ, આંગલધરા પારસી ફળિયા રોડ, નળધરા સરકાર ફળીયા ટુ બેઝીયા ફળીયા રોડ, ફરવણ કોધાર ફળીયા રોડ,વહેવલ ખુંટી ફળીયા રોડ, મહુવરીયા પટેલ ફળીયા ટુ લીમડી ફળીયા ટુ કાકરીમોર કોલોની રોડ, મહુવરીયા કાંકરીમોરા રોડ, ખરવણ ભીલ ફળીયા રોડ, મહુવા ઓંડચ આમચક્ર કવિઠા નિહાલી
બારડોલીમાં 17 રસ્તા બંધ : બારડોલી તાલુકામાં ઉતારા વધાવા કરચકા રોડ, વાંકાનેર પારડી વાલોડ રોડ, બાલદા જુવવાણી રોડ,જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, રામપુરા એપ્રોંચ રોડ (પી.એમ.જી.એસ.વાય), ખરવાસા મોવાછી જોઇનીંગ સામપુરા રોડ, નસુરા મસાડ નવી વસાહત, નસુરા મસાડ વગા રોડ, ટીમ્બરવા કરચકા રોડ, વડોલી બાબલા રોડ, સુરાલી કોતમુંડા થી બેલ્ધા રોડ,વડોલી અંચેલી રોડ, સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, રાયમ ગામે વોરટરવર્કથી સ્માશાન તરફ જતો રોડ, ઉવા કાપલીયા ફળિયા રોડ અને ખરડ એપ્રોચ રોડ
પલસાણાના 9 રસ્તા બંધ : સુરતના પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ,તુંડી દસ્તાન રોડ, એના વીન્ઝોલીયા રોડ,તુંડી દસ્તાન રોડ, ઓલ્ડ બી.એ રોડ પાર્સીગ થુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ,અંભેટી વાધેચ રોડ, મલેકપુર સીસોદરા રોડ, મખિંગા જોઇન્ટ ટુ NH રોડ
માંડવીમાં 6 રસ્તા બંધ : વિરપોર ઘલા રોડ,કાકરાપાર એપ્રોચ રોડ,માંડવી મોરીઠા કાલીબેલ રેગામાં રોડ,દેવગઢ અંધારવાડી લીબ્ધા રોડ,દેવગઢ કોલખડી રોડ,દેવગઢ લુહારવડ રોડ
