ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ:દિલ્હીના મુખ્યમંત્રી અને સાંસદ સામે જામીનપાત્ર વોરંટ ન નીકળે એ માટે વકીલોની કોર્ટમાં કવાયત, આખરે યુનિ.એ જ કોર્ટમાં વોરંટ ઇસ્યુ ન કરવા રજૂઆત કરી

By Abhishek Raghuvanshi
6 Min Read

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ સામે અમદાવાદ મેટ્રો કોર્ટે બે વખત સમન્સ જાહેર કર્યા હતા. જોકે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ કોર્ટમાં ઉપસ્થિત થતા નહોતા. જુદાં-જુદાં કારણોસર અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ કોર્ટમાં હાજર ન રહેતાં 26 જુલાઈની સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટે બન્નેને 11 ઓગસ્ટે કોર્ટમાં ઉપસ્થિત રહેશે, એવી તેમના વકીલો પાસેથી બાંયધરી લીધી હતી. એ જ દિવસે ગુજરાત યુનિવર્સિટીના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે જો 11 ઓગસ્ટે બંને આરોપી કોર્ટમાં ઉપસ્થિત ના રહે તો કોર્ટ તેમની સામે જામીનપાત્ર વોરંટ કાઢે.

મેટ્રો કોર્ટના સમન્સને રદ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી
કાયદા મુજબ જો બે વખત સમન્સ નીકાળવા છતાં આરોપી કોર્ટમાં હાજર થવાનું ટાળતો હોય તો તેની સામે કોર્ટ જામીનપાત્ર વોરંટ કાઢી શકે છે, જેમાં પોલીસ આરોપીને અરેસ્ટ કરે છે, પરંતુ એમાં તેને જામીન મળે છે, આથી દિલ્હીના મુખ્યમંત્રી અને સાંસદ સામે જામીનપાત્ર વોરંટ ન નીકળે એ માટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહના વકીલે મેટ્રો કોર્ટના સમન્સને રદ કરવા અને કાર્યવાહી પર સ્ટે માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત ન આપતાં તેઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. જોકે હાઇકોર્ટ દ્વારા પણ કેજરીવાલ અને સંજયસિંહને રાહત મળી નહોતી.

સેશન્સ કોર્ટે વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી
સેશન્સ કોર્ટમાં જ્યારે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ગઈ ત્યારે યુનિવર્સિટી અને રાજ્ય સરકારને નોટિસ મળી હતી. અરજદારોએ સેશન્સ કોર્ટમાં 90 દિવસ અથવા આ કેસની ફાઇનલ સુનાવણી સુધી મેટ્રો કોર્ટમાં બંને નેતાની ઉપસ્થિત થવામાંથી મુક્તિ માગતી અરજી કરી હતી, જેમાં યુનિવર્સિટીએ વકીલ રોકવા 20 દિવસનો સમય માગ્યો હતો, જે 11 ઓગસ્ટ કરતાં વધી જતો હતો. વળી, યુનિવર્સિટીના વકીલે જ મેટ્રો કોર્ટમાં 11 ઓગસ્ટે બંને નેતા ઉપસ્થિત ન રહે તો તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ નીકાળવાની માગ કરી હતી, આથી વચગાળાની રાહત આપવા કોર્ટને અરજી કરાઈ હતી. આ અરજી સામે સરકારી વકીલે દલીલો કરી હતી. સેશન્સ કોર્ટે અવલોકન કર્યું હતું કે બંને નેતાઓ વતી તેમના વકીલે 11 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહેવા બાંયધરી આપી છે અને હવે તેઓ ઉપસ્થિતિમાંથી મુક્તિ માગી રહ્યા છે, આથી 5 ઓગસ્ટે ચુકાદો આપતાં સેશન્સ કોર્ટે તેમની વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી હતી. જોકે મુખ્ય માગ પર 21 ઓગસ્ટે સેશન્સ કોર્ટમાં સુનાવણી છે.

સાંસદ સંજયસિંહ.

- Advertisement -

દિલ્હીમાં પૂરની પરિસ્થિતિ હોવાથી ઉપસ્થિત ન રહી શક્યા
હવે રાહત મેળવવા બંને નેતાના વકીલો હાઇકોર્ટ પહોંચ્યા હતા. જ્યાં જજ સમીર દવેની કોર્ટમાં 11 ઓગસ્ટના રોજ જ સવારે તેમની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને નેતાઓના વકીલે દલીલ કરી હતી કે આ કેસ મોટા ગુનોનો નથી. હજી કેસ શરૂઆતના સ્ટેજ પર છે. ઉપરાંત આવા કેસોમાં આરોપી વતી વકીલની હાજરીમાં કાર્યવાહી થાય જ છે. એમાં અસીલની ઉપસ્થિતિ જરૂરી નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટના ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા. ઉપરાંત એમ પણ જણાવાયું હતું કે અગાઉ દિલ્હીમાં પૂરની પરિસ્થિતિ હોવાથી બંને નેતા મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા, જેથી મેટ્રો કોર્ટમાં એ સમયે ઉપસ્થિતિમાંથી મુક્તિની અરજી અપાઈ હતી, જેનો વિરોધ યુનિવર્સિટીએ નહોતો કર્યો, કોર્ટે પણ એ અરજી ગ્રાહ્ય રાખી હતી.

અમે કેસ ચાલે એવું ઇચ્છીએ જ છીએ, પરંતુ અરજદાર વતી વકીલ ઉપસ્થિત રહેતાં અરજદારની જરૂર નથી. બાંયધરી આપવાથી વ્યક્તિના કાનૂની હક છીનવાઈ જાય નહીં. સેશન્સ કોર્ટમાં યુનિવર્સિટી વકીલ રોકવા 20 દિવસનો સમય માગે છે, જ્યારે યુનિવર્સિટી પાસે તો વકીલોની ટુકડી હોય.

ઓમ કોટવાલ, અરવિંદ કેજરીવાલના વકીલ.

મુખ્ય અરજી પર 29 ઓગસ્ટે વધુ સુનાવણી
હાઇકોર્ટે કહ્યું હતું કે હવે દિલ્હીમાં પુરની સ્થિતિ નથી. તમે મેટ્રો કોર્ટમાં અસીલની ઉપસ્થિતિની બાંયધરી આપી છે, તો તમારા અસીલે કોર્ટમાં ઉપસ્થિત રહેવું જોઈએ. કોર્ટને બાંયધરી આપીને ઉપસ્થિત ન રહેવું એ યોગ્ય નથી. બંને નેતાઓના વકીલે દલીલ કરી હતી કે અરજદારના વકીલ કોર્ટમાં ઉપસ્થિત હતા જ, જોકે હાઇ કોર્ટે અરજદારને વચગાળાની રાહત આપવા ઇનકાર કર્યો હતો તેમજ મુખ્ય અરજી પર 29 ઓગસ્ટે વધુ સુનાવણી રાખી છે.

બંને નેતાની ઉપસ્થિતિ અંગે કોર્ટે બાંયધરી માગી હતી
હવે હાઇ કોર્ટમાંથી રાહત ન મળતાં 11 ઓગસ્ટની મુદતમાં બંને નેતાના વકીલો અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે સુનાવણીમાં ઉપસ્થિત થયા હતા. હવે આ કેસમાં આગળનો સ્ટેજ સાક્ષીઓ અને પુરાવા તપાસવાનો હોવાથી કોર્ટે બંને નેતાના વકીલ પાસે લેખિતમાં બાંયધરી માગી હતી કે કોર્ટની કાર્યવાહી બંને નેતાના વકીલની ઉપસ્થિતિમાં થાય છે, કેમ કે જો બંને નેતાની સૂચના તેમના વકીલોને તેમના વગર કોર્ટ કાર્યવાહી આગળ ધપાવવાની હોય તો આરોપીઓ પાછળથી ફરી જાય નહીં.

વકીલે કોર્ટ કાર્યવાહીમાં જરૂર પડ્યે બાંયધરી આપવા જણાવ્યું
જોકે બંને નેતાના વકીલે જ્યારે કોર્ટ કાર્યવાહીમાં જરૂર પડે ત્યારે બાંયધરી આપવા જણાવ્યું હતું, જેથી કોર્ટે રોજકામમાં તેની નોંધ કરી હતી. આ બાંયધરી લેવા પાછળનું કારણ છે કે કોર્ટ કાર્યવાહી આગળ વધે અને વકીલ બદલાય તો નવો વકીલ એમ ન કહે કે આગળની કાર્યવાહી માટે તેમના અસીલ જવાબદાર નથી. વળી, જો આરોપીઓ જ કોર્ટ કાર્યવાહીથી ઉદભવેલી પરિસ્થિતિથી સંતુષ્ટ ન હોય અને તેમણે વકીલને કોઈ સૂચના નથી આપી કે તેની ઉપસ્થિતિમાં સાક્ષીઓનાં નિવેદન નથી લેવાયાં એમ કહીને ફરી શકે નહીં.

કેસની સેશન્સ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી
મેટ્રો કોર્ટમાં બીજો પ્રશ્ન હવે યુનિવર્સિટીની જામીનપાત્ર વોરંટ કાઢવાની અરજીનો હતો, જેમાં યુનિવર્સિટીએ આ વખતે પણ આરોપીઓની જગ્યાએ તેમના વકીલની ઉપસ્થિતિમાં કેસ આગળ ધપાવવા સહમતી દર્શાવી હતી તેમજ વોરંટ ન કાઢવા કહ્યું હતું. હવે આ કેસની સેશન્સ કોર્ટમાં 21 ઓગસ્ટે, હાઇ કોર્ટમાં 29 ઓગસ્ટે અને મેટ્રો કોર્ટમાં 31 ઓગસ્ટે સુનાવણી છે.

Exit mobile version