સરકાર ખેડૂતોની આવક બમણી થઈ તેવો દાવો અવારનવાર કરે છે. પરંતુ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકારે જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાના સવાલમાં સરકારે ખુલાસો કર્યો છે કે, આવકની ગણતરી કરવા માટે કોઈ વ્યવસ્થા જ નથી. દર વર્ષે ઘરગથ્થું ઉત્પાદનને આધારે સરકારે નક્કી કર્યું કે, લક્ષ્યાંક હાંસલ થયો છે. વર્ષ 2011-12થી 2021-22 વચ્ચેના ઘરગથ્થું ઉત્પાદન 98015 કરોડથી વધીને 2,34,316 કરોડ થયાનો સરકારે દાવો કર્યો હતો.
સી.જે. ચાવડાના સવાલ
- 31 માર્ચ 2023ની સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે કેવા પગલાં લીધા?
- વર્ષ 2022 અંતે ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્યાંક સિદ્ધ થયો કે કેમ?
- જો લક્ષ્યાંક સિદ્ધ થયો ન હોય તો તેના કારણો શા છે?
કૃષિ મંત્રીનો જવાબ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જવાબમાં જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી અને સઘન વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પગલા લીધા છે. સરકાર ખેત ઉત્પાદનમાં વધારો કરવાની સાથેસાથે અન્ય કૃષિલક્ષી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે
રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતિં કે, ખેતી હેઠળનો વિસ્તાર વધારવો, ખેત ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ઘટાડવો, સંશાધન ક્ષમતા ઊભી કરવી, ખેડૂતોની ખેત પેદાશોના પૂરતા ભાવ મળવા હાઈટેક બાગાયતને પ્રોત્સાહન, ડેરી પશુપાલનનો વિકાસ, જોખમ વ્યવસ્થાપન, સ્કિસ અપગ્રેડેશન, એગ્રો પ્રોસેસિંગ માટે સુવિધા ઊભી કરવી, સ્ટોરેજ વેરહાઉસ સુવિધા ઊભી કરવી, નવીન ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, કૃષિ સંલગ્ન પૂરક વ્યવસાયને પ્રોત્સાહન અને પૂરક રોજગારીની તક ઊભી કરવી, મૂલ્ય વૃદ્ધિ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી, સઘન સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. આમ, ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને જે લક્ષ્યાંક સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ છે.
એકંદરે ખેડૂતોની આવકમાં વધારો થયો
ખેડૂતોની આવક ગણતરી કરવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર નથી તથા નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થયેલ ન હોય રાજ્યની કોઈ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ થઈ નથી. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતા સામાજિક, આર્થિક સમીક્ષા પ્રકાશન મુજબ ગુજરાત રાજ્યની વર્ષ 2011-12ના ચાલુ ભાવે, વર્ષ 2011-12થી વર્ષ 2021-22 (ઝડપી અંદાજો)ના સમયગાળાનું રાજ્યનું કૃષિ ક્ષેત્ર (પશુપાલન ક્ષેત્ર સહિત)નું એકંદર ઘરઘથ્થું ઉત્પાદન 98015 કરોડથી વધીને 2,34,316 કરોડ થયેલ છે. જે દર્શાવે છે કે, વર્ષો વર્ષ ઘરગથ્થુ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે અને સરકારના સંકલ્પની સિદ્ધિ થઈ છે. આમ, એકંદરે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.
