- 25 સ્થળે ઝાડ પડ્યા, છેલ્લે 22 જુલાઈએ એક જ દિવસમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો
- શનિવારે મોડી રાતથી શરૂ થયો અને આખો દિવસ રહ્યો, 16 વિસ્તારમાં બપોરે 1થી 2માં 2 ઈંચ સુધી વરસાદ
શહેરમાં ઓગસ્ટ અને અડધો સપ્ટેમ્બર કોરો ગયા પછી શનિવારે મોડી રાતથી શરૂ થયેલા ઝરમર વરસાદે રવિવારે જોર પકડ્યું હતું. આખો દિવસ વરસાદી ઝાપટાં ચાલુ રહેવા સાથે શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ જ્યારે વિરાટનગર, રાણીપ, મેમ્કો, નરોડામાં 5થી 5.50 ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હતો. છેલ્લે 22 જુલાઈએ એટલે કે 56 દિવસ પહેલાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. 22 જુલાઈએ દોઢથી બે કલાકના ટૂંકા ગાળામાં જ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ પછી બે ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો નથી.
વહેલી સવાર અને બપોરે પડેલા ધોધમાર વરસાદને કારણે જુદા જુદા વિસ્તારના 84 સ્થળે પાણી ભરાવાની ફરિયાદ મ્યુનિ.ને મળી હતી. જ્યારે 25 સ્થળે ઝાડ પડી ગયા હતા. બપોરે અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના 16 વિસ્તારમાં બપોરે 1થી2માં 2 ઈંચ સુધી વરસાદ જોવા મળ્યો હતો. વાસણા બેરેજનું લેવલ 128 ફૂટથી વધુ નોંધાયું હતું. પાણીના નિકાલ માટે બેરેજના 6 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. સોમવારેય વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.
ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ, મોટા ભાગના વિસ્તારમાં 2 ઈંચથી વધારે નોંધાયો
રવિવારે લાંબા સમય પછી શહેરમાં સારો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યા પછી જોર થોડું ઘટ્યું હતું. બપોરે 12 વાગ્યાની આસપાસ ફરી પાછો ભારે વરસાદ શરૂ થયો હતો. સાંજે એક-બે કલાકના વિરામ પછી રાત્રે 8થી વરસાદી માહોલ જામ્યો હતો અને મોડી રાત સુધી ધીમો વરસાદ ચાલુ હતો.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો 1.75 ઈંચ
| ઝોન | વરસાદ |
| પૂર્વ | 4.25 |
| ઉત્તર | 4.25 |
| પશ્ચિમ | 4 |
| મધ્ય | 4 |
| ઉ. પશ્ચિમ | 3.25 |
| દ. પશ્ચિમ | 1.75 |
| દક્ષિણ | 3 |
| કુલ સરેરાશ | 4 |
વિસ્તાર મુજબ નોંધાયેલો વરસાદ
| વિસ્તાર | વરસાદ |
| ઓઢવ | 6 |
| વિરાટનગર | 5.5 |
| રાણીપ | 5.25 |
| મેમ્કો | 5 |
| નરોડા | 5 |
| ચાંદલોડિયા | 4.5 |
| નિકોલ | 4.5 |
| કઠવાડા | 4 .00 |
| દૂધેશ્વર | 4.5 |
| ઉસ્માનપુરા | 4 |
| ચાંદખેડા | 4 |
| રામોલ | 3 .25 |
| દાણાપીઠ | 3.5 |
| ચકુડિયા | 3 |
| સાયન્સ સિટી | 3.5 |
| મણિનગર | 3.5 |
| પાલડી | 3 |
| કોતરપુર | 2.75 |
| ગોતા | 2.5 |
| બોડકદેવ | 2.25 |
| વટવા | 2.25 |
આજે પણ 1થી 2 ઈંચ વરસાદની આગાહી, વરસાદી માહોલથી એક જ દિવસમાં ગરમી 7 ડિગ્રી ઘટી ગઈ
ચોમાસામાં શહેરમાં 30 ઈંચ વરસાદની જરૂર હોય છે, કુલ 30 ઈંચ પડી જતાં હવે ઘટ રહી નહીં
વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રવિવારે શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ હજુ સક્રિય રહેવાની શક્યતા હોવાથી સોમવારે પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર સોમવારે પણ 1થી 2 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદી માહોલથી શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી ગગડીને 26.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 24 ડિગ્રી નોંધાયું હતું. 19 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર ક્રમશ: ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં લગભગ 30 ઈંચ વરસાદની જરૂર હોય છેે જે પૂરી થઈ છે.
રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદ ખેંચી લાવી
રાજસ્થાનની આસપાસ સક્રિય હાઈપ્રેશરની એક સિસ્ટમને કારણે વેલમાર્ક લો-પ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પાસે સ્થિર રહેવાની શક્યતા છે. જેથી અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ
બે સિસ્ટમ ડેવલપ થતાં શહેરમાં સારો વરસાદ
અમદાવાદમાં દોઢ મહિના બાદ સતત 24 કલાક વરસાદ પડ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ ડેવલપ થઇ હતી, જેનો સૌથી વધુ લાભ દક્ષિણ ગુજરાતને થયો હતો. હજુ 24 કલાક અમદાવાદમાં વરસાદનું જોર યથાવત રહેશે. > ડો. મનોરમા મોહંતી, ડાયરેક્ટર, હવામાન વિભાગ
વિઝિબિલિટી ઘટી જતાં 40 ફ્લાઈટ 8 કલાક સુધી મોડી
અમદાવામાં રવિવારે દિવસ દરમિયાન વરસાદને કારણે બપોરે 1 વાગ્યાની આસપાસ વિઝિબિલિટી ઘટી જતાં 3 ફલાઈટે આકાશમાં 40 મિનિટ સુધી ચક્કર મારવાં પડ્યાં હતાં. જ્યારે ઇન્ડિગોની જમ્મુથી અમદાવાદ આવતી ફલાઇટને એટીસીએ લેન્ડિંગની મંજૂરી ન આપતાં સુરત ડાઈવર્ટ કરવી પડી હતી. અમદાવાદ એરપોર્ટ પર 40 ફલાઇટ એકથી ચાર કલાક મોડી પડતા હજારો પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા. સ્પાઈસ જેટની બેંગલુરુની ફ્લાઈટ 8 કલાકના વિલંબ બાદ બપોરે 3 વાગે રવાના થતા 150થી વધુ પેસેન્જરોએ કલાકો સુધી ટર્મિનલમાં બેસી રહેવું પડ્યું હતું. ઈન્ડિગોની સૌથી વધુ 20 ફ્લાઈટ મોડી પડી હતી. ઈન્ડિગોની ગોવા, શ્રીનગર અને સ્ટાર એરની ભુજ ફ્લાઈટે આકાશમાં ચક્કર મારવાં પડ્યાં હતાં.
