એજ્યુકેશન:અમિત શાહને પણ લોકોએ કીધું,નલિયામાં કોલેજ તો જોઈએ જ !

By Abhishek Raghuvanshi
5 Min Read
  • કોલેજના અભાવે મોટાભાગના છોકરા-છોકરીઓ ધો.12 પછી ભણતર મૂકી દે છે : કેન્દ્રીય ગૃહમંત્રીએ એજ સ્થળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં દીકરીને કોલેજ બની જશે તેવી ધરપત આપી

કચ્છની ખમીરાત અને કચ્છીમાડુઓના મિજાજની ચર્ચા ચોતરફ થઈ રહી છે હજી પણ આ કચ્છના યુવાનો આગળ વધવા ઈચ્છે છે પણ પાયાની સુવિધાની કમી અને નબળી નેતાગીરીના કારણે અનેક યુવાનોના સ્વપ્ન રોળાઈ રહ્યા છે.વાવાઝોડા તો આવતા રહેશે ને જતા રહેશે પણ નલિયામાં કોલેજ જોઈએ આ શબ્દો જ છેવાડાના વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓની શિક્ષણ ભૂખ દર્શાવે છે.આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રૂબરૂમાં પણ રજુઆત કરવામાં આવી છે.

વિકાસમાં કચ્છ જિલ્લાને જેટલો અગ્રીમ અને ઉચ્ચહરોળમાં બતાવવામાં આવ્યો છે તેટલો જ આ જિલ્લો શિક્ષણક્ષેત્રે પછાત છે.આજની સ્થિતિએ છેવાડાના વિસ્તારમાં કોલેજની સુવિધા નથી.અબડાસા વિસ્તારમાં ખેતી છે,જમીનો છે,પવનચક્કીઓ છે,કંપનીઓ છે પણ ભણવા માટેની કોલેજ નથી. કનકપરમાં કોલેજ છે પણ તે માત્ર આસપાસના ગામડાઓને જ ઉપયોગી છે.તાલુકામથક નલિયામાં કોલેજ બની જાય તો આખા તાલુકાના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવી શકે તેમ છે.

હાલની સ્થિતિએ કોલેજના અભાવે ઘણા યુવક-યુવતીઓ ધો.12 પછી ભણતર મૂકી દે છે.કારણકે,નલિયાથી ભુજ 100 કિ.મી. અને માંડવી 76 કિ.મી. દૂર છે, જેથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છાત્રોને અપડાઉન કરી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્નાતક કક્ષાના અભ્યાસ માટે નલિયાથી ભુજ દરરોજ 150 જેટલા છાત્રો અપડાઉન કરીને અભ્યાસ કરી રહ્યા છે, કોલેજ આવવા માટે વહેલી સવારે 5 વાગ્યે બસ પકડી લે છે અને સાંજે 5.30 કે, 6 વાગ્યે ઘરે પરત પહોંચે છે.

આ એવા છાત્રો છે કે, જેઓને નલિયા નજીક પડે બાકી તાલુકાના અન્ય ગામોના છાત્રો વહેલી સવારે પોતાના ગામમાંથી નલિયા જઇ શકે તેવી કોઇ વ્યવસ્થા જ નથી, જેથી સમયસર પહોંચી શકે તેમ નથી, જેથી અબડાસાના વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉચ્ચ અભ્યાસની ઇચ્છા હોવા છતાં પણ માંડી વાળે છે.ગત શૈક્ષણિક વર્ષમાં કુલ 542 છાત્રોએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી 80 ટકા વિદ્યાર્થી પાસ થયા છે પરંતુ કોલેજ સુધી માંડ 150 જેટલા છાત્રો પહોંચે છે.જે વાસ્તવિકતા છે.

- Advertisement -

હાલમાં વાવાઝોડાની પરિસ્થિતિના કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જખૌમાં સ્થળાંતરીત અને અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે આવ્યા ત્યારે તેઓએ લોકોના હાલચાલ પૂછયા હતા પણ જેમાં સબ સલામતનો જવાબ અપાયો પણ નલિયામાં કોલેજ જોઈએ તેવી માંગ પણ કરાઈ હતી.આ ઉપરાંત એક દીકરી ગૃહમંત્રીને પણ રજુઆત કરવા માટે પહોંચી ગઈ હતી જ્યાં તેઓએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં કોલેજની ધરપત આપી હોવાના પણ અહેવાલ છે.

વાવાઝોડાની સ્થિતિમાં ઘર છોડીને આવેલા લોકો પોતાને મોકો મળતા કેન્દ્રિય મંત્રી સમક્ષ કોલેજ જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.જે ખરેખર અહીંના લોકોની શિક્ષણભૂખ બતાવે છે ત્યારે જોવાનું એ છે કે,સંવેદનશીલ કહેવાતી સરકાર આ મુદ્દે ક્યારે સંવેદનશીલ નિર્ણય લેશે.

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કહ્યું,અમે નલિયામાં આવીએ છીએ…..
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.અમી ઉપાધ્યાયે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિવાર વતી કચ્છના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને આશ્વસ્ત કરીએ છીએ કે બહુજ જલ્દી યુનિવર્સિટી તમારા સ્વપ્રને પુરા કરવા તમારા દ્વારે શિક્ષણને લઇને પહોંચી રહી છે.જેથી નલિયામાં કેન્દ્ર શરૂ થવાની શક્યતાઓ તેજ બની છે.જોકે કેન્દ્ર કરતા કોલેજ ઉભી થાય તે હિતાવહ છે.

યુનિવર્સિટીમાં એકસ્ટર્નલ કોર્ષ પણ બંધ છે
મહત્વનું એ છે કે,કચ્છ યુનિવર્સિટીમાં એકસ્ટર્નલ કોર્ષ પણ 3 વર્ષથી બંધ છે.અગાઉ એકસ્ટર્નલમાં 8 થી 10 હજાર વિદ્યાર્થીઓ ભણતા,પણ તે 3 વર્ષથી બંધ થઈ જતા છેવાડાના હજારો વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ કરવાની ઇચ્છાને ભાંગી રહ્યા છે.હવે આ મુદ્દે યુનિવર્સિટીનું તંત્ર જાગે છે નહિ તે જોવું રહ્યું.ચાલુ વર્ષે ખાસ કિસ્સામાં એકસ્ટર્નલ કોર્સ શરૂ થઈ જાય તો પણ વિદ્યાર્થીઓને ભયો ભયો થઈ જાય તેમ છે.

નલિયામાં દાતાઓ જાગે,ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઉભી થઇ શકે
કચ્છમાં દાતાઓ ઘણા છે પણ જરૂર છે માત્ર ટહેલ નાખવાની અને સંચાલન કરવાની.જેથી સેવાભાવી આગેવાનો જાગે અને ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઉભી કરે તો પણ ઘણા યુવાનોને રાહત થઈ જાય તેમ છે હાલમાં મોર્ડન સ્કૂલમાં કોલેજ શરૂ થાય તેવી પણ સુવિધા ઉપલબ્ધ છે.આ સિવાય ખાનગી કોલેજ પણ ઉભી કરી શકાય તેમ છે.

Exit mobile version