આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ:GST નવરાત્રિના ખર્ચા, પાસ-ટિકિટના આંકડા પણ ચકાસશે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ભપકાદાર આયોજનો તંત્રના નિશાના પર
  • પાર્કિંગ, ખાણીપીણી, સહિતની કમાણી પર નજર

નવરાત્રિ શરૂ થવાને હવે માંડ 15 દિવસ બાકી છે ત્યારે આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સરસાણા સહિતનાં જે સ્થળો છે ત્યાં ખર્ચાના આંકડા અને જાહેરાતોના દર પણ લગભગ નક્કી થઈ ગયા છે ત્યારે જીએસટી વિભાગ પણ આ સમગ્ર ખર્ચાઓ પર નજર રાખી રહ્યો છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે હાલ એડવાન્સ ટેક્સ ભરાવવાનું કોઈ આયોજન નથી, પરંતુ ખર્ચાઓ અને પાસની વહેંચણી સહિતની વિગતો એકત્રિત કરવામાં આવનાર છે.

નોંધનીય છે કે આઈટીમાં પણ અગાઉ સિઝન પહેલાં એડવાન્સ ટેક્સ ભરાવાતો હતો પરંતુ હાલ સરવેનો સિલસિલો બંધ કરાયો હોવાથી આ સિસ્ટમ હાલમાં બંધ છે. આયોજકો પોતાના નફાના આધારે ટેક્સ ભરતા હોય છે. અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, પાસની સંખ્યામાં મોટાભાગના તો કોમ્પલિમેન્ટરી જ હોય છે એટલે એટલો નફો બાદ થતો હોય છે.

અધિકારીઓ ડમી ગ્રાહક બનીને જશે
રૂપિયા 500 સુધીનો પાસ હોય તો કોઈ જીએસટી નથી અને તેનાથી વધુ પર 18 ટકાના દરે લાગે છે. અધિકારીઓ કહે છે કે પ્રોફેશનલ આયોજકો પર નજર છે. તેઓ સામાન્ય રીતે એ જોય છે કે આયોજકોએ કેટલા રૂપિયામાં ગ્રાઉન્ડ લીધું, કેપિસિટી કેટલી છે. કેટલા લોકો માત્ર પ્રેક્ષક તરીકે આવે છે.

આ ઉપરાંત પાર્કિંગ કોને અપાયું છે, કેટલી કાર પાર્ક થઈ શકે છે, ટુ-વ્હીલર કેટલા આવી શકે અને પાર્કિંગ ચાર્જ શું છે. તેનાથી કમાણીનો અંદાજ મેળવાય છે. સાથે-સાથે જાહેરાતોના દર, કમાણી, કોણે-કોણે જાહેરાતો આપી, ઇવેન્ટ મેનેજમેન્ટ કોના હાથમાં છે. ડેકોરેશનનો ખર્ચ અને ખાણી-પીણીના સ્ટોલની આવક પણ જોવાય છે. અધિકારીઓ ડમી ગ્રાહક બનીને જાય છે અને બાતમીદારો પાસેથી પણ માહિતી મેળવે છે.

- Advertisement -
Exit mobile version