ત્રાગડ ખાતેના તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરના લગભગ તમામ તળાવો ખાલીખમ છે અને નવા બનાવેલા તળાવ નર્મદાના પાણીથી ભરાય છે. કોર્પોરેશને ફેબ્રુઆરી 2022માં પીપીપી ધોરણે તળાવનું કામ શરૂ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ત્રાગડ ખાતે આવેલા તળાવનું લોકાર્પણ કરશે. લગભગ 6 કરોડના ખર્ચે આ તળાવ બનાવવામાં આવ્યું છે. પીપીપી મોડેલને આધારે બનાવાયેલું આ તળાવ 35 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. અમિત શાહ આ ઉપરાંત સરખેજ, ભાડજ, ઓગણજ, જગતપુર ખાતે અન્ય 4 તળાવનું ખાતમુહૂર્ત કરશે. ત્રાગડ ખાતેના તળાવ ફરતે પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. પાર્કમાં બાળકો તેમ જ સિનિયર સિટીઝન માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત અહીં જોગિંગ ટ્રેક, યોગ પોઇન્ટ, બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે. તળાવના ગાર્ડ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શહેર માટે કુલ 1650 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 120 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી પર બ્રિજ બનાવી મોટેરા સુધી પાઇપ લાઇનના કાર્યનું શનિવારે લોકાર્પણ થશે. જ્યારે બોડકદેવ, ઘાટલોડિયા, થલતેજ અને ગોતામાં વોટર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કરાશે.
