આંખની તપાસના ચોંકાવનારા પરિણામો:અમદાવાદમાં આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર; ઇનડોર પ્રવૃત્તિઓમાં વધારો થવાના લીધે 2.5-6 વર્ષની વયના આશરે 43% બાળકોની દૃષ્ટિ નબળી

By Abhishek Raghuvanshi
4 Min Read

અમદાવાદની સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી આંખની તપાસના ચોંકાવનારા પરિણામોએ સામે આવ્યા છે. પ્રી-સ્કૂલના બાળકોને આંખની અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે. તારણો મુજબ 2.5 થી 6 વર્ષની વયના આશરે 43% બાળકોની દૃષ્ટિ નબળી છે. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ પાંચમા ભાગના બાળકોને દૃષ્ટિ સુધારવા માટે તાત્કાલિક ચશ્માંની જરૂર છે.

વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસનું આયોજન
બાળકોની એકંદર સુખાકારી જાળવવાના મહત્ત્વને સમજીને અમદાવાદની બે અગ્રણી પ્રી-સ્કૂલ્સ એસએસએફસી અને બીએફએસસીએ ગયા અઠવાડિયે નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય નાની વયના વિદ્યાર્થીઓના આંખના સ્વાસ્થ્ય સહિત એકંદરે આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો. આ તપાસના પરિણામથી માતા-પિતા, શિક્ષકો અને વિશાળ સમુદાયમાં બાળપણથી જ બાળકોની આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના મહત્ત્વ વિશે જાગૃતિ આવી છે.

ચોક્સાઈપૂર્વકના પરિણામો જરૂરી
સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોકસીએ શૈક્ષણિક કાર્યોની સાથે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સુખાકારી પર સમાન ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. માતા-પિતાને આ હકીકતથી વાકેફ કરીને, અમારો ધ્યેય એ છે કે તેમને વહેલા તબક્કે સુધારાત્મક પગલાં લેવા માટે સશક્ત બનાવીએ જેથી સમસ્યાઓ વધુ ગંભીર ન બને. ગયા વર્ષના આંખ પરીક્ષણના તારણોને પગલે, શાળાએ આ વર્ષે નિષ્ણાંત બાળરોગના નેત્રરોગ ચિકિત્સકો (પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ્સ) સાથે સહયોગ કરવાનું નક્કી કર્યું છે. જેથી ચોક્સાઈપૂર્વકના પરિણામો મેળવી શકાય.

નબળી દૃષ્ટિ માટે ત્રણ પ્રાથમિક કારણો જવાબદાર
અભ્યાસમાં આ નાના બાળકોમાં હાલ જોવા મળેલી નબળી દૃષ્ટિ માટે ત્રણ પ્રાથમિક કારણો જવાબદાર છે. ઘરની બહાર કરાતી અપૂરતી પ્રવૃત્તિઓ અને ઓછો સૂર્યપ્રકાશ, વધુ પડતો સ્ક્રીન સમય, ઘરની અંદર રહીને કરાતી પ્રવૃત્તિઓમાં ઝડપી વધારો અને મર્યાદિત પૌષ્ટિક ખોરાક જેવા પરિબળો આ સમસ્યાના કારણો તરીકે જાણવા મળ્યા હતા.

- Advertisement -

ઈનડોર એક્ટિવિટી મર્યાદિત કરવી જરૂરી
બાળકોની આંખની તપાસ હાથ ધરનાર અમદાવાદના પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ અને સ્ક્વિંટ સ્પેશિયાલિસ્ટ ડો. નુતિ શાહે સમજાવ્યું હતું કે, ઘરની બહાર કરાતી પ્રવૃત્તિઓનો અભાવ અને સ્ક્રીન પર વધુ પડતી નિર્ભરતાને કારણે આ બાળકોમાં લાંબા અંતરની દૃષ્ટિ ઝાંખી પડી છે. આપણે એવી પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જેમાં વર્ષ 2050 સુધીમાં 50% વસ્તી માયોપિક (માઈનસ નંબર) હશે. આવી સ્થિતિમાં પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ દ્વારા 3 વર્ષની ઉંમરે બાળકોની ફરજિયાત આંખની તપાસ અને ત્યાર બાદ વાર્ષિક ધોરણે તપાસની ભલામણ કરવામાં આવે છે. તમારા બાળકની આંખની તંદુરસ્તી જાળવવા માટે સૂર્યપ્રકાશના યોગ્ય સંપર્કમાં રહીને ઘરની બહાર બે કલાકની આઉટડોર એક્ટિવિટી તથા સ્ક્રીન સમય અને ઈનડોર એક્ટિવિટી મર્યાદિત કરવી જરૂરી છે.

બાળકોનો સ્ક્રીન સમય મર્યાદિત કર્યો
બાળકો માટે સેટેલાઈટ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવના શાહે બાળકો માટે નિયમિત આંખની તપાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સંતુલિત અભિગમની હિમાયત કરી હતી. જેમાં સ્ક્રીન સમય મર્યાદિત કરવા, આઉટડોર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને આંખના સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર લેવાનો સમાવેશ થાય છે. તેમણે ખાસ કરીને જરૂરી આઉટડોર સમયના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જ્યારથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થઈ છે ત્યારથી અમે પેન અને કાગળ દ્વારા શિક્ષણ આપવા પર આગળ વધ્યા છીએ અને અમારા બાળકોનો સ્ક્રીન સમય મર્યાદિત કર્યો છે.

આંખની તપાસની તાત્કાલિક અસર થઈ
ઉદગમ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલી આંખની તપાસની તાત્કાલિક અસર થઈ હતી. બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં પ્રિન્સિપાલ અમોલી પટેલે જણાવ્યું હતું કે, ઘણા બાળકો બીજા જ અઠવાડિયે ચશ્મા પહેરતા જોવા મળ્યા હતા. અમને અને વાલીઓને બાળકોની નબળી દૃષ્ટિની જાણ થતાં જ, અમે તેમનામાં ચશ્મા પહેરેલા લોકોની સંખ્યામાં વધારો નોંધ્યો હતો.

સર્વગ્રાહી શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ
ઉદગમ ગ્રૂપ ઓફ સ્કૂલ તેના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતા સર્વગ્રાહી શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રારંભિક તબક્કે આંખના સ્વાસ્થ્યની ચિંતાઓને જાણીને અને તે દિશામાં પગલાં ભરીને સ્કૂલ તેના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ અને સ્પષ્ટ ભાવિ સુનિશ્ચિત કરવાનો હેતુ ધરાવે છે.

Exit mobile version