નૂપુર શર્માનો વિરોધ કેસ:સુરતમાં રોડ પર પોસ્ટર લગાવનાર, છાપનાર સહિત 5 ઝડપાયા, ત્રણના મોબાઇલમાંથી ઉશ્કેરણીજનક વીડિયો મળ્યા

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતી
  • પોલીસને 5 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મળ્યા

ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે ચાર દિવસ પહેલાં સુરતમાં રોડ પર પોસ્ટર લગાવી અને વીડિયો વાઇરલ કરી કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો આધારે પોસ્ટર લગાવનાર, છાપનાર અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનાર પાંચની ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ આરોપીઓના મોબાઈલમાંથી ઉશ્કેરણીજનક વીડિયો પણ મળી આવ્યા છે.

મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો
નુપુર શર્માની વિવાદિત ટીપ્પણીને લઈ સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો બે શખ્સોએ ચોંટાડી મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મેસેજમાં લખ્યું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’વીડિયોના આધારે અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 યુવકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગ ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા. ઈમરાન નાનપુરામાં રહે છે. જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે.

નૂપુર શર્મા અરેસ્ટના લખાણ સાથેના પોસ્ટ લગાવાયા હતા.

મોબાઇલમાંથી ઉશકેરણીજનક વીડિયો મળ્યા
સુરતમાં નૂપુર શર્માના ફોટા ઉપર બુટની પ્રિન્ટવાળા પોસ્ટર રોડ પર ચોંટાડતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજને ઉશકેરવા માટે જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો નાનપુરા કાદરશાની નાળનો હોવાનું જણાતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને વીડિયોમાં નજરે પડતા મોહમંદ તૌફીક મોહમંદ રફીક શેખ, સદ્દામ રઉફ સૈયદ અને ઇમરાનખાન હબીબખાન પઠાણની ધરપકડ કરી હતી. આ ત્રણેયના મોબાઇલમાંથી ઉશકેરણીજનક વીડિયો મળ્યા હતા.

ઓવરબ્રિજ પરના રોડ પર પોસ્ટર લગાવાયા હતા.

એક દિવસના રિમાન્ડ મેળવાયા
નૂપુર શર્માના વિરોધ થકી શહેરમાં કોમી હિંસા ભડકાવવા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરનારા શાહરૂખ સલીમ ખાન અને શેર મોહમદ તાજ મોહમદ અંસારી ની ધરપકડ કરી હતી. આ તમામને પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કોમી હિંસા ભડકાવવા પાછળના પદડા પાછળ કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

એક આરોપી હત્યા કેસમાં સંડોવાયેલો
યુપી અને ઝારખંડ જેવી હિંસા ભડકાવવાના બદઇરાદાને પાર પાડવા પોસ્ટર અને વીડિયો વાઇરલ કરનાર પાંચ પૈકી શાહરૂખ સલીમ પઠાણ રીઢો ગુનેગાર છે. શાહરૂખ દસ વર્ષ અગાઉ લિંબાયત પોલીસમાં હત્યાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે ચાર મહિના અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં જામીન મુક્ત છે.

જેતપુરના મુખ્ય બે ચોકમાં રસ્તા પર પોસ્ટર લગાવાયા.

આ પણ વાંચો, જેતપુરમાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા પોસ્ટર રસ્તા પર લગાવાયા
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ શહેર અને જિલ્લા સુધી પહોંચ્યો છે. જ્યાં જેતપુર શહેરના બે મુખ્ય ચોક તીન બતી અને સ્ટેન્ડ ચોકમાં રોડ પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર લગાવવામાં આવ્યા છે. જેતપુરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા નૂપુર શર્મા વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવાનો પણ કાર્યક્રમ છે.

Exit mobile version