ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ:ગુજરાતના દરિયાકાંઠેથી 200 કરોડનું 40 કિલો ડ્રગ્સ ઝડપાયું, પંજાબની જેલમાં બંધ નાઇજીરિયને મગાવ્યું હતું

By Abhishek Raghuvanshi
4 Min Read

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાનો મુદ્દો ચૂંટણી ટાણે જ વધુ ગરમ થઈ રહ્યો છે. આ દરમિયાન ફરીવાર ગુજરાતના દરિયાકાંઠેથી પંજાબ મોકલવામાં આવી રહેલું 200 કરોડનું 40 કિલોગ્રામ ડ્રગ્સ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં ઝડપાયું છે. પાકિસ્તાની બોટમાં આ ડ્રગ્સ આવતું હોવાની વિગત સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને આ ડ્રગ મગાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ તપાસનો દૌર છેક પંજાબની જેલ સુધી પહોંચે એવી પૂરી શક્યતા છે.

ગુજરાતના દરિયાકાંઠેથી પંજાબ મોકલવાનું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડની બે ફાસ્ટ એટેક બોટોએ ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. ચોંકાવનારી બાબત એ છે કે પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને આ ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

દુબઈથી આવેલા સ્ક્રેપના કન્ટેનરમાંથી જથ્થો મળ્યો.

અફઘાની યુવક પાસેથી 4 કિલો હેરોઇન મળ્યું હતું
ગુજરાત ATSએ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરાઈ હતી. 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો હતો. આરોપી પોતાના પરિવાર સાથે અફઘાનિસ્તાનથી મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. મુંદ્રામાં હેરોઇનનો મોટો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યા બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા મુંબઈના નાવાશીવા પોર્ટ પર પણ આજ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. શું આયાતકાર પેઢી બન્નેની સરખી છે કે અલગ એ અંગે હાલ મગનું નામ મરી એજન્સીઓ પાડવા માગતી નથી.

ટૂંકા ગાળામાં જ ગુજરાતમાં 6 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે ગુજરાત જ નહીં, અનેક રાજ્યોનાં ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ ગમે એવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

- Advertisement -
ડીઆરઆઈએ કોલકાતાના પોર્ટ પરથી સ્ક્રેપની અંદર લવાયેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

ગુજરાતમાં અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે

  • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
Exit mobile version