
તાઇવાનની ફોક્સકૉન અને વેદાંતા ગ્રુપના સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ગુજરાત સરકાર સાથે 1.54 લાખ કરોડના એમઓયુ સાઇન કર્યા હતા. ગુજરાતમાં હવે ચિપનું નિર્માણ થશે. આ એમઓયુ સાઇન કરતાં પહેલાં મહારાષ્ટ્રમાં નવી બનેલી સરકારે એવી જાહેરાત કરી દીધી હતી કે ફોક્સ કોન અને વેદાંતા મુંબઈમાં આવે છે.
કોઈપણ પ્રકારના MOU કર્યા વિના જ જાહેરાત કરાઈ હતી
આધારભૂત સૂત્રોના કહેવા પ્રમાણે, મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત તદ્દન ખોટી હતી. વેદાંતા સાથે કોઈપણ પ્રકારના એમઓયુ કર્યા વિના જ જાહેરાત કરાઈ હતી. જોકે મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બની એ પૂર્વે 5 દિવસ પહેલાં વેદાંતા ગ્રુપે ગુજરાત સરકાર સાથે ત્રીજી અને ફાઇનલ મીટિંગ કરી હતી, જેમાં તેમણે ગુજરાતમાં જ પ્લાન્ટ સ્થાપવાની સહમતી આપી દીધી હતી. માત્ર એમઓયુ સાઇન કરવા માટે તારીખ નક્કી કરવાની બાકી રાખી હતી.
ઓફર ગુજરાત સરકારે કરી હતી
આ મીટિંગ પહેલાં પણ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે વેદાંતા ગ્રુપે બે મીટિંગ કરી હતી, જેમાં મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યો કરતાં ગુજરાતમાં આ પ્લાન્ટ કેમ આપવો જોઈએ એની ઓફર ગુજરાત સરકારે કરી હતી. એ મુજબ થોડા સમય પહેલાં જ ગુજરાત સરકારે બનાવેલી ખાસ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનની પોલિસી બતાવી હતી.
ગુજરાતમાં તમામ બાબતો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે
આ પોલિસી એવી બનાવવામાં આવી છે કે સિંગલ વિન્ડોથી જ પ્લાન્ટના અમલીકરણની પ્રક્રિયા પૂરી થઈ શકે, એટલે કે અમલીકરણના તબક્કામાં કંપનીએ એક ઓફિસથી બીજી ઓફિસ વિવિધ મંજૂરી માટે જવું પડે નહીં. આ ઉપરાંત એમ પણ દર્શાવવામાં આવ્યું હતું કે લેબર, ક્રાઇમ રેટ, વોટર મેનેજમેન્ટ, પાવર સરપ્લસ સહિતની બાબતો માટે ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં આ તમામ બાબતો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે.
ત્રણ મીટિંગની એકપણ બાબત જાહેર થાય નહીં
પોલિસીથી આકર્ષાઈને કંપનીએ ગુજરાતમાં આવવાની સંમતિ સાધી હતી, જોકે કંપનીએ સરકારને વિનંતી કરી હતી કે ત્રણ મીટિંગની એકપણ બાબત જાહેર થાય નહીં, કેમ કે ચાઇના અને તાઇવાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન નવી બનેલી મહારાષ્ટ્ર સરકારે કંપનીને તેમનું હેડક્વાર્ટર મુંબઈ હોવાના નાતે ફરજ પાડી હતી કે કંપનીનો પ્લાન્ટ મુંબઈમાં જ બને.
મીટિંગના ફોટોગ્રાફ્સ સાથે મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી
આ માટે કંપનીના કેટલાક અધિકારીઓ સરકારના દબાણ હેઠળ મીટિંગ માટે પહોંચ્યા હતા ત્યારે આ મીટિંગના ફોટોગ્રાફ્સ સાથે મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે વેદાંતા ગ્રુપ ચિપ બનાવવાનો પ્લાન્ટ લઈને મુંબઈમાં આવી રહ્યું છે. આ પછી ગુજરાત સરકારે વેદાંતાનો સંપર્ક કર્યો હતો ત્યારે વેદાંતા ગ્રુપે મહારાષ્ટ્ર સરકારની આ ફેક જાહેરાતથી ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકારને ખાતરી આપી હતી કે પ્લાન્ટ તો ગુજરાતમાં જ બનાવાશે.’
