વલસાડ જિલ્લાના વાપી ખાતે સલૂનમાં એક યુવક વાળ કપાવવા ગયો હતો. કાતરના બદલે જ્વલનશીલ કેમિકલથી સળગાવી વાળ કાપવામાં આવી રહ્યા હતા. ત્યારે ફાયર હેરકટિંગ કરાવતી વખતે યુવક દાઝી ગયો હતો. અચાનક યુવકના માથાના ભાગમાં આગ લાગી ગઈ હતી, જેથી યુવક દાઝી ગયો હતો. યુવકના વાળ ભડકે બળવા લાગતાં તે ચીસો પાડીને દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો, જેને પહેલાં પ્રાથમિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે સલૂનમાં વાળ કાપનાર યુવકે વધુ માત્રામાં ફોમ લગાવી દેતાં દુર્ઘટના બની હોવાનું ઈજાગ્રસ્ત યુવકના કાકાએ આક્ષેપ કર્યા છે.
ઈજાગ્રસ્ત યુવક.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
વાપી ખાતે ભડક મોરા વિસ્તારમાં બંટી નામના યુવકના સલૂનમાં ગઈકાલના રોજ આરિફ શાહ નામનો યુવક વાળ કપાવવા ગયો હતો. ત્યારે ફાયર હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝી ગયો હતો. જેથી યુવકના ગળાના ભાગે ઈજા પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં વાળ સાથે અવનવા અખતરા કરવા યુવક માટે ભારે પડ્યું હોય એવું જોવા મળી રહ્યું છે.
હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝ્યો
વાપીના ભડક મોરા વિસ્તારમાં રહેતા આરિફ શાહ નામનો યુવક સ્ટાઈલિસ્ટ વાળ કપાવવા માટે નજીકમાં આવેલા બંટી નામના યુવકના સલૂનમાં ગયો હતો. આરિફે ફાયર હેર કટિંગ પસંદ કર્યા હતા. ત્યારે હેર સલૂનમાં વાળ કાપનાર યુવક આરિફના વાળમાં ફોમ લગાવી વાળ કાપી રહ્યો હતો. આ દરમિયાન યુવક પર આગ લાગી ગઈ હતી, જેથી માથાના ભાગે તેમજ ગળાના ભાગે યુવક દાઝી ગયો હતો. એ દરમિયાન આગ લાગેલી હાલતમાં યુવક ચીસો પાડીને ભાગવા લાગ્યો હતો. એને લઈને આજુબાજુના લોકો યુવકને બચાવવા દોડી આવ્યા હતા. દાઝી ગયેલા યુવકને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ વધુ સારવાર માટે યુવકને સુરતની સિવિલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે યુવકના કાકા સલીમ શાહે જણાવ્યું હતું કે સલૂન-સંચાલકે વાળમાં વધુ માત્રામાં ફાયર ફોમ લગાવ્યું હતું. ત્યાર બાદ માચીસથી વાળમાં આગ ચાંપી હતી. બંટી નામના સલૂન- સંચાલકે વધુ માત્રામાં ફોમ લગાવ્યું હોવાથી દુર્ઘટના બની હતી, જેને લઈને ભત્રીજો આરિફ દાઝી ગયો હતો. ફાયર હેરકટિંગ કરવા માટે જેટલું ફોમ જોઈએ એના કરતાં વધારે ફોમ લગાવ્યું હતું. એને કારણે મારા ભત્રીજો દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
