વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. લોકોએ એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના ઘરે આજે નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહ મિલનમાં વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કપરાડા વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઘોર નૃત્યનું પણ આયોજન કરાયું
કપરાડાના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી સતત ચાર ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ત્યારે દર વર્ષે નવ વર્ષના દિવસે જીતુ ચૌધરીના ઘરે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું અયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમના દ્વારા યોજાતા આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં તેમના મત વિસ્તારના લોકો તેમને શુભેચ્છા પાઠવવા પહોંચે છે. આ વર્ષે તેઓ રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. આથી આ વર્ષે તેમના ઘરે અનેરા ઉત્સાહનો માહોલ હતો. આથી આ વર્ષે પણ કપરાડા અને સમગ્ર વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારની પરંપરાગત એવી ઘોર નૃત્યનું પણ આયોજન કરાયું છે.
નવા વર્ષની અનોખી રીતે ઉજવણી
પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીના ઘરે ખેલૈયાઓ નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચે છે. ઘોર નૃત્ય કરી એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. આ ઘેરૈયાઓ જે ઘરે જાય છે તેમને નવ વર્ષના આશીર્વાદ પાઠવે છે. યજમાન પરિવારો તેમને આવકારી અને તેમની પૂજા કરી યથાશક્તિ દાન-દક્ષિણા આપે છે. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
