
રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મદદનીશ સરકારી વકીલ આબીદ સોસનની દલિલો ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ હિરપરાએ સજા સાથે દોષિતને રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપીએ સગીરાનું અપહરણ કરી વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું
2018માં રાજકોટમાં રહેતી સગીરાને આરોપી પ્રકાશ બાબુ લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગેની ફરિયાદ ભોગ બનનારના પિતાએ ગાંધીગ્રામ 1 યુનિ. પોલીસ સ્ટેશનમાં કરતા આરોપીની પોલીસે અટક કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ કેસ રાજકોટના ત્રીજા એડી. એન્ડ સેસન્સ જજ એ.વી. હીરપરા સમક્ષ ચલાતા ફરિયાદી તેમજ કેસના મહત્ત્વના સાહેદ એવા ભોગ બનનારે પોતાની જુબાનીમાં બનાવને સમર્થન આપ્યું હતું.
આરોપીના સિમેન સેમ્પલ મળી આવ્યા હતા
આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન હાજર રહી અંદાજિત 20 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ રાખ્યા હતા, તેમજ 11 સાહેદોને તપાસવામાં આવ્યા હતા. જે પૈકી બનાવને મેડિકલ એવિડન્સથી સમર્થન મળ્યું હતું. વધુમાં આ બનાવને મુદામાલ પરીક્ષણ અહેવાલથી તેમજ ભોગ બનનારના કપડા ઉપર મળી આવેલા હતા. આરોપીના સિમેન સેમ્પલ મળી આવતા કેસ આરોપી વિરુદ્ધ સાબિત થયો હતો. આ કેસમાં સરકારી વકીલની દલિલોને ધ્યાને લેતા સરકાર તરફે ભોગ બનનારની ઉંમર 15 વર્ષ 2 મહિના હોય સમાજમાં આવા ગુના અવાર નવાર થતા હોય સમાજ વિરોધી ગુનો હોય તેવી તમામ દલિલોને ધ્યાને લઈ આરોપીને IPC કલમ 363માં 5 વર્ષ તથા દંડ, 366માં 7 વર્ષ તથા દંડ, તથા કલમ 376 (3) તથા પોક્સો કલમ 6માં 20 વર્ષની સખત કેદ તથા 50.000ના દંડનો હુકમ ફરમાવ્યો હતો.
