સાહેબ મિટિંગમાં છે!:ઠંડીમાં ચૂંટણીપ્રચારનો માહોલ જામતો નથી, નેતાઓ ભાડૂતીઓના ભરોસે! કેમ આ ઉમેદવારને બધા “8 PM” કહી બોલાવે છે?

By Abhishek Raghuvanshi
5 Min Read

અત્યારે ગુજરાતમાં ચૂંટણી આડે ત્રણેક દિવસો બાકી છે હવે, છતાં માહોલ જામતો નથી. એક તો બિલ્લીપગે રાજ્યમાં ઠંડી પ્રવેશી ગઈ છે અને તેના લીધે રાતનો માહોલ જામતો નથી. હજી ત્રણેક દિવસમાં પારો વધુ ત્રણેક ડિગ્રી ગગડશે તેવો અંદાજ છે. વાત સૌરાષ્ટ્રની હોય કે દક્ષિણ ગુજરાતની જ્યાં 1લીએ ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન છે. કોઈ જગ્યાએ સાંજ પછી પાર્ટી ઓફિસે ચૂંટણીનો ચોરો જામતો નથી. સૌરાષ્ટ્રમાં પ્રચારના પડઘમમાં માત્ર નેતાઓ જ શૂરા દેખાય છે, નાગરિકોની નિરસતા સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલાક નેતાઓએ તો ભાડૂતી પ્રચારકોને સાથે લઈને ફરવું પડે છે જેના માટે 200-500ની કૂપનોના વ્યવહાર થાય છે. ઘણાએ બહારથી શ્રોતા બોલાવવા પડે તેવી સ્થિતિ છે, સ્થાનિક લોકો ક્યાંય સભામાં ભેગા થતા નથી. પ્રચાર માટે લોકોને ભેગા કરવા ભજિયા, લાઈવ ઢોકળા, પાંઉભાજી, ફાફડાની પાર્ટીઓ શરુ થઈ ગઈ છે. છતાં લોકોની નિરસતા રાજકીય પાર્ટીઓ અને નેતાઓને ખૂંચી રહી છે.

નેતાજીના રોડ-શો પછી નાણાંની બોલબાલા
ચૂંટણીના પ્રચાર દરમિયાન લોકોને રોકડ રકમ વહેચવામાં આવતી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પોસ્ટ ઓફ્સિની પાછળના ભાગેથી બહુમાળી ભવન સુધીના રોડ પર લોકોના ટોળા જોવા મળે છે. જ્યારે અમુક વ્યક્તિઓ રકમ વહેચી રહ્યા છે અને ટોળાને પણ સંભાળી રહ્યા છે. અમુક લોકો હાથમાં રકમ લઈને નીકળતા હોય તેવું દેખાય છે અને વહેચનારની ફરતે મોટું ટોળું જમા થયેલું છે. પૈસા વહેંચનારા વારંવાર… ‘બધાને મળી જશે..’ એવું બોલતા પણ સંભળાય છે. આ ઉપરાંત એક પાર્ટીના ઝંડા સાથે પણ લોકો દેખાય છે. આ વાયરલ વિડીયોની સાથેના વાયરલ સંદેશમાં એવું જણાવાયું છે કે આ ભાઈની કઠણાઈ તો જુઓ.. અમરેલીમાં લોકોને પૈસા આપીને રેલીમાં લાવવાનો વારો આવ્યો છે. લોકો બોલતા હતા કે નાણા વેરાયા રોડ શો માં..અને મજા પણ લેતા હતા.

કોંગ્રેસે ઉમેદવાર માટે મોકલેલા ફંડમાં નેતાઓ કટકી કરી ગયા
રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એક વખત તેમણે કહ્યું હતું કે, ગરીબના કલ્યાણ માટે સરકાર 100 રુપિયા મોકલે ત્યારે વચ્ચે 95 રુપિયાની કટકી થઈ જાય છે અને 5 રુપિયા જ ગરીબ પાસે પહોંચે છે. હવે સુરત કોંગ્રેસમાં પણ આવું જ થઈ રહ્યું છે. અહીં પાર્ટીએ પોતાના ઉમેદવાર માટે રિલિઝ કરેલા ફંડમાંથી વચ્ચેના નેતા જ કટકી કરી ગયા છે. કોંગ્રેસના પાર્ટી હાઈકમાન્ડે જે એક ચોક્કસ રકમ તમામ ઉમેદવારોને ચૂંટણી લડવા આપી હતી તેમાંથી ઓછી રકમ ઉમેદવારો પાસે પહોંચવાની બૂમો પડી છે. ઉમેદવારોએ પોતાને મળેલા ફંડના રૂપિયા ગણ્યા તો કોઈના લાખ રૂપિયા તો કોઈના બે લાખ રૂપિયા ઓછા નીકળ્યા હતા. ઉમેદવારોએ તાત્કાલિક શહેર પ્રમુખને આ બાબતની જાણ કરી હતી. શહેર પ્રમુખ મામલો સંભાળે તે પહેલાં તો કોંગ્રેસના ઉમેદવારો સાથે તેમના જ નેતાઓએ ચીટિંગ કર્યાની વાત શહેરભરમાં ફેલાઈ ગઈ હતી.

વડોદરાના તો ઉમેદવારને જ બધા “8 PM” કહી બોલાવે છે
વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો પૈકી અકોટા બેઠક રસપ્રદ બની રહી છે. આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જંગ છે. ત્રિપાંખીયા જંગમાં ઉમેદવારી કરી રહેલા એક ઉમેદવાર માટે “8 PM” શબ્દ કાર્યકરો અને સ્થાનિક મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અકોટા વિધાનસભા બેઠક ઉપર ભાજપે માજી કાઉન્સિલર ચૈતન્ય દેસાઇ, કોંગ્રેસે શહેર પ્રમુખ ઋત્વીજ જોષી અને આમ આદમી પાર્ટીએ શશાંક ખરેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્રણેય શિક્ષિત ઉમેદવારો છે અને હાલ ત્રણેય ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારો રોજ નવા નુસખાઓ સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા પ્રચાર વચ્ચે “8 PM” શબ્દ ચર્ચાના કેન્દ્ર સ્થાન બન્યો છે. હવે એ તો બધા જાણે છે કે, “8 PM” એટલે કે રાત્રે 8 વાગ્યાનો સમય. પરંતુ આ ઉમેદવાર માટે જ કેમ “8 PM” શબ્દપ્રયોગ કરાય છે તેના ઘણા ભેદી કારણો છે.

- Advertisement -

સાઈડલાઈન થયા એટલે નેતાજીએ કાર્યકરોને સાઈલેન્ટ કરી દીધા
આ વિધાનસભા ચૂંટણીમાં જાણે કોઈને રસ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે વગદાર નેતાઓના કાર્યાલય સિવાય પ્રચારમાં કાગડા ઉડે છે. સભાઓમાં ખુરશીઓ ખાલી રહે છે અને ભાજપ માટે તો આ માથાના દુખાવા સમાન પ્રશ્ન બની ગયો છે. સૌરાષ્ટ્ર, ખાસ કરીને રાજકોટમાં ભારે ચર્ચા છે કે એક નેતાજી આ ચૂંટણીમાં સાઈડલાઈન થઈ ગયા એટલે હવે તે સંગઠનમાં તદ્દન નિષ્ક્રિય થઈ ગયા છે. ત્યાં સુધી કે તેમના સંગઠનમાં આવતા કાર્યકરો પણ હાલ નિષ્ક્રિય થઈ ગયા છે. સૌ ઉમેદવાર પોતપોતાની રીતે જાણે ચૂંટણી લડતા હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ સંગઠન દેખાતું નથી. ઉમેદવારોની સભાઓ અને રેલી-પ્રચારમાં માણસો ભેગા કરવા પણ મુશ્કેલ બની રહ્યા છે. આવું જ રહ્યું તો ભાજપ મતદારોને કેવી રીતે બુથ સુધી લઈ આવશે તે મોટો કોયડો બની જશે.

Exit mobile version