ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારના પડઘમ શાંત થાય એ અગાઉ રાજકારણના એપી સેન્ટર સમાન સુરતમાં કતલની રાત જેવો માહોલ જોવા મળ્યો હતો.ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેગા રોડ શો બાદ વિશાળ જાહેર સભાને સંબોધન કરવાની સાથે સાથે સુરતમાં 17 કલાક જેટલું રોકાણ કર્યું હતું. આ 17 કલાક દરમિયાન ઉદ્યોપતિઓ સાથે મુલાકાતો યોજવાની સાથે સાથે ઘણા સાથે વીડિયો કોલ અને ટેલિફોનિક ચર્ચા કરી હતી.નારાજ પાટીદારોના મનામણા માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ સાથે પણ મેરેથોન મીટીંગ યોજવામાં આવી હતી.ત્યારબાદ મોદી સુરત એરપોર્ટ જવા નીકળ્યા હતા. મોદી સુરતથી સીધા પાલિતાણા ખાતે સભા સંબોધવા રવાના થયા હતાં.
સીઆર,હર્ષ સાથે મોદીની મેરેથોન મીટીંગ
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરેથોન મીટીંગ યોજી હતી.લગભગ બે કલાક જેટલી આ મીટીંગ ચાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને આ દરમિયાન બન્ને નેતાઓને ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ હર્ષ સંઘવી અને પાટીલ સીધા એરપોર્ટ પર જવા નીકળ્યાં હતાં.
હીરા ઉદ્યોપતિ મુકેશ પટેલ મળવા પહોંચ્યા
પાટીદાર અગ્રણી અને હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. મુકેશ પટેલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. પાટીદાર અગ્રણી મુકેશ પટેલ લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા છે. મુકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મનાય છે. છાશવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાનને મળતા હોય છે. ત્યારે આ વખતે વરાછા અને કતારગામમાં નારાજ પાટીદારને મનાવવા માટે મથતા નરેન્દ્ર મોદીની સાથે મુકેશ પટેલ બંધબારણે ઉદ્યોગપતિઓ સાથે વીડિયો કોલ અને ટેલિફોનિક રીતે સંપર્ક કરાવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
ગ્રીનલેબના મુકેશ પટેલ પીએમને મળવા પહોંચ્યા
મુકેશ પટેલ ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ અંગત વ્યક્તિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, પાટીદાર વિસ્તારની અંદર જે પણ કોઈ મોટું કામ રાજકીય રીતે પાર પાડવાનો હોય તે અંતે મુકેશ પટેલને સોંપવામાં આવે છે. મુકેશ પટેલ પાટીદાર અગ્રણી હીરા ઉદ્યોગના અગ્રણી અને બિલ્ડર વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે સંકલન કરીને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીના ઇશારે જીતાડવા માટે પૂરી તાકાત લગાવી દે છે. ગઈકાલથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપર્ક શરૂ કરી દીધા હતા. આજે પોતે મુકેશ પટેલ પણ આખી રાતમાં જે પ્રકારની બેઠકો અને સંપર્કો થયા હતા તેના અનુસંધાને સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા.
પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ સામે મુકેશ પટેલ પડ્યા
2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ સુરતના વરાછા વિસ્તારમાંથી જે પ્રકારે પાટીદાર અનામત આંદોલનનો માહોલ ઊભો થયો હતો. સરકારને રાજકીય રીતે મોટું નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે મુકેશ પટેલ સક્રિય થયા હતા. મુકેશ પટેલ દ્વારા હાર્દિક પટેલ થકી રાજકીય રીતે ભાજપને નુકસાન થઈ રહ્યું હતું. તેને સરભર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરીને રાજકીય સ્થિતિમાં કઈ રીતે ગોઠવણ કરવાની છે. અને કેવી રીતે કામ કરવાનું છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ પટેલને જવાબદારી આપશે અને તે પ્રકારની કામગીરી કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રે જે લોકોના સંપર્ક થયા હતા. ત્યારબાદ જે તે વિસ્તારમાં કયા પ્રકારના ફેરફાર આવ્યા છે. કયા ઉદ્યોગપતિ અને સમાજના અગ્રણી દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે. તેનું યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો છે કે, કેમ તેનો રિપોર્ટ પણ મુકેશ પટેલ નરેન્દ્ર મોદીને સોંપશે
પાટીદારોને પોતાની તરફ લાવવા એડી ચોટીનો ચોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદાર પ્રભુત્વ વાળી બેઠકો ઉપર સતત નજર રાખીને બેઠા છે. ઇતિહાસમાં પહેલી વખત વડાપ્રધાન પોતે વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં રાત્રી રોકાણ કરીને તમામ વિધાનસભાની બેઠકો પૈકી પાટીદાર પ્રભુત્વ વાળી છ બેઠકો ઉપર સૌથી વધુ કામ કરી રહ્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ચોક્કસ રાજકીય માહોલ ભાજપમાં આવતો દેખાઈ રહ્યો છે. મોદી પણ યુવાઓને પોતાની તરફ લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
PMએ કામગીરી સોંપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલ રાતથી જ સમાજના કેટલાક અગ્રણીઓ ને કામગીરી સોંપિ છે. વડાપ્રધાને ગઈકાલે જ રાતે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી, લવજી બાદશાહ, લાલજી પટેલ અને ભાવનગર અને અમરેલી જિલ્લાના સામાજિક અગ્રણીઓનો સંપર્ક કરી દીધો હતો. સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવી છે કે, તમારા વિસ્તારના યુવાનો સાથે અને મહિલાઓ સાથે ખાસ સંપર્ક કરો નવા જોડાયેલા મતદારોને સંપર્ક કરીને ભાજપ તરફડમાં મતદાન કરવા માટે તૈયાર કરો. દરેક બુથ ઉપર નવા જોડાયેલા મતદારો અને જે યુથ છે તેમનો સીધો સંપર્ક કરો.
મોડી રાત સુધી દિગ્ગજ નેતાઓએ રાજકીય ગોઠણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત રાત્રિ રોકાણ કરીને મોડી રાત સુધી સુરત શહેરની રાજકીય સ્થિતિને પોતાના હાથમાં લઈ લીધી હતી. વિશેષ કરીને સુરતના પાટીદાર પ્રભાવવાળી જે બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટી નબળી પુરવાર ન થાય અને ફરી એક વખત પાટીદારો તેમની તરફમાં મતદાન કરે એ માટેના તેમણે પૂરતા પ્રયાસો કર્યા છે. રાત્રે 12: 45 વાગ્યા સુધી સર્કિટ હાઉસ ખાતે સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. બીજી તરફ, કેજરીવાલ ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા અને મનોજ સોરઠિયા વચ્ચે પણ ટેલિફોનિક સંપર્ક થતા હતા. બંને દિગ્ગજ નેતાઓનું માત્ર પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર જ ધ્યાન હતું.
પાટીદાર કોના તરફ જશે
ગઈકાલે જંગી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરના ભરપૂર વખાણ કર્યા હતા. પાટીદારોને બે હાથ જોડીને કહ્યું હતું કે મારું એક અંગત કામ કરજો, મતદારોનાં ઘરે જજો અને બે હાથ જોડીને ઘરના વડીલોને અને અન્ય સભ્યોને કહેજો કે નરેન્દ્ર મોદીએ પ્રણામ મોકલ્યા છે. આ એક પ્રકારનો ખૂબ જ ઇમોશનલ મેસેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી છોડવામાં આવ્યો હતો, જેથી કરીને લોકો જે નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપે છે તેઓ વોટ આપતી વખતે પણ નરેન્દ્ર મોદીને યાદ રાખે એ પ્રકારની પરોક્ષ રીતે વાત કરવામાં આવી હતી. બીજી તરફ અરવિંદ કેજરીવાલ સતત મતદારોને વિશ્વાસ અપાવતા રહ્યા કે હું જે પણ વાત કરી રહ્યો છું તેને પૂર્ણ કરીશ અને જેટલી ગેરંટીઓ છે એનો તાત્કાલિક અમલ કરીશ. બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદારોને પોતાની તરફેણમાં કરવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી.
સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓના ટેલિફોનિક સંપર્કો થયા
રાજ્યભરમાં આ વખતે વરાછા બેઠક પર સૌકોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ જાહેરસભામાં બે વખત કહ્યું હતું કે હું વરાછા આવ્યો છું. એવો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડજો. શહેરના સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિઓ વિશેષ કરીને બિલ્ડરો અને ડાયમંડ વેપારીઓને મોડી રાત સુધી ફોન કરીને પોતાનાથી શક્ય થાય એટલા લોકોનો સંપર્ક કરીને જે પણ નારાજગી હોય એને દૂર કરીને મતદારોને પોતાની તરફ લાવવા માટે સમજાવવાની વાત કરવામાં આવી છે. સીધી એક લાઈનની અંદર મેસેજ એવો પણ આપવામાં આવ્યો છે કે બીજું બધું જ ભૂલી જાઓ, માત્ર મોદી અને કમળને યાદ રાખીને મતદાન કરાવો. નાનીમોટી નારાજગીઓને ધ્યાન પર લેવાનો સમય નથી, એ સમય આવતાં બધું પૂરું થઈ જશે.
યુવાનોની નારાજગીનો અહેસાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ વખતે લાગી રહ્યું છે કે જે નવા મતદારો છે. વરાછા વિસ્તારમાં જે પ્રકારનો માહોલ ઊભો થયો છે એમાં યુવાનો ભાજપથી વિરુદ્ધ જતા હોય એવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી સાથે સૌથી વધુ યૂથ જોડાયું છે. એને કારણે સોશિયલ મીડિયામાં પણ યૂથ ખૂબ સક્રિય રીતે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યો છે. જાહેરસભામાં પણ નરેન્દ્ર મોદીએ યૂથને ધ્યાનમાં રાખીને જ કેટલીક મહત્ત્વની વાતો કરી હતી. વરાછા સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર મહિલાઓ અને મોટી ઉંમરના પુરુષો ભાજપ તરફમાં રહે એવી શક્યતા છે, પરંતુ યુવાઓ બાજી બગાડી નાખે તો નવાઈ નહીં. તેથી અમને સતત ભૂતકાળમાં જે પ્રકારની રાજકીય શાસન પદ્ધતિ હતી, અનેક ઉદાહરણો આપીને તેમની માનસિકતા યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોદીના આવ્યા બાદ માહોલ બદલાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના ગઈકાલે રોડ શોમાં પણ જોવા મળી હતી. ત્યાર બાદ જંગી સભાની અંદર જે રીતે જનમેદની ભેગી થઈ હતી, મોદી મોદીના નારા લાગ્યા હતા, એતનાથી એક વાત તો સ્પષ્ટ છે કે મોદીની હજી પણ લોકપ્રિયતા છે. નરેન્દ્ર મોદીને છેલ્લી ઘડીએ મતદારોને પોતાની તરફ લાવવામાં મહારત હાંસિલ છે. એવું કહેવાય છે કે ભાજપ જ્યારે પણ સંગઠનમાં હોય છે અને સ્થિતિ બગડથી દેખાતી હોય છે ત્યારે નરેન્દ્ર મોદી સ્થિતિ સંભાળતા હોય છે. એમાં આજ દિન સુધી તેઓ સફળ પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો ગઢ કહી શકાય તેવા પાટીદાર પ્રભુત્વવાળી પાંચથી છ બેઠક પર હવે કયા પ્રકારનું પરિણામ આવે છે એના પરથી સ્પષ્ટ થશે કે આખરે નરેન્દ્ર મોદીએ મેદાન માર્યું કે અરવિંદ કેજરીવાલનું ઝાડુ ફરી વળ્યું.
મોદીએ સુરતના ભરપેટ વખાણ કર્યા
મોદીએ ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે રોડ શોનું કોઈ જ આયોજન નહોતું, પરંતુ આજે લોકોનો જનસાગર રસ્તા પર ઊમટી પડ્યો હતો, જેથી બધાને મળતાં મળતાં આવ્યો છું. હવે મને વિશ્વાસ છે કે પ્રચંડ બહુમતી આવી જશે. આ વખતે ગુજરાતે બધા જ વિક્રમો તોડવાનું નક્કી કર્યું છે.
સુરતમાં સેવાની સુવાસ
મારું સૌભાગ્ય ગયા મહિને ભાવનગરમાં 500 દીકરીના સમૂહલગ્નમાં જવાનો અવસર મળ્યો હતો, જેણે પિતા ગુમાવ્યા હતા. ત્યાં સુરતની સુવાસ દેખાતી હતી. ડાંગના જંગલમાં પણ સુરતની છાપ દેખાય છે. આધુનિક હોસ્પિટલ, રક્તદાનમાં વરાછા અને મારું સુરત દેખાય છે. મોટાં સરોવરો પણ સુરત બનાવે, સ્કૂલ બનાવવા, સોલર બધે જ આગળ સુરત છે. સુરતે સમાજભક્તિની, કંઈક કરવાની ઉમદા પહેલ કરી છે. સુરત આવ્યો છું ત્યારે તમને સૌને આદરપૂર્વક નમન કરુ છું. સુરત મોટા લક્ષ્યો પાર પાડવાનું સાક્ષી છે.
સુરત પર હિન્દુસ્તાનને ગર્વ
સુરતને બદનામ કરાતું હતું, પરંતુ સુરતે આજે પુરુષાર્થ, સામર્થ્યથી નવી ઊંચાઈ હાંસલ કરી છે. આખું હિન્દુસ્તાન સુરત પર આજે ગર્વ કરે છે. દુનિયાના આગળ વધતાં 10 શહેરમાંથી સુરત એક છે. સુરત હવે અલગ અલગ નામથી ડાયમંડ, આઈટી, કાપડ વગેરેથી ઓળખાય છે. સુરત આઈટીમાં આખા ગુજરાતને ભેદી જશે. આ શહેર પુરાતન છે એટલું ભવિષ્યને જોનાર, સમજનાર છે.
સુરતમાં ઈન્ફ્રાસ્ટ્ર્કચર
સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોત તો શું થાત, એ વિચાર પણ ન થઈ શકે. ઈન્ફ્રસ્ટ્રક્ચરની બાબતમાં કોંગ્રેસને અમારા વિચારો મેળ ખાતા નથી. કોંગ્રેસને વોટ મળે એ જ કરે છે, લડાવે અને પોતાનું કાઢી લે. કોંગ્રેસની વિચારધારા કેવી છે કે લોકસભામાં ચીનની સીમા પર રોડની વાત ચાલતી ત્યારે કોંગ્રેસે પાર્લમેન્ટમાં જવાબ આપેલો કે અમે એટલે રોડ નથી બનાવતા કે એ રોડનો ઉપયોગ ચીનવાળા કરે તો…આવી વિચારધારાથી કંઈ ભલું કરી શકું. દુનિયાના સમૃદ્ધ દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૃદ્ધ હોય છે. દુનિયામાં તેવો પુલ, ઊંચો પૂલ, ઊંચાઈ પર સડક ભારતમાં બનાવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણે બનાવ્યું છે. સોલર હાઈબ્રીડ પાર્ક, ડિજિટલ ઈન્ફ્રાના કારણે ભારત દુનિયામાં 40 ટકા ભારતમાં થાય છે. હવે ભારતમાં બુલેટ ટ્રેન આવશે તો સુરતને નજીક થઈ જશે. ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર નવા રોજગાર લાવે છે. સુરતમાં મેટ્રો, એરપોર્ટ, રો રો ફેરી વગેરેથી ખૂબ લાભ થયો.
કોંગ્રેસે નર્મદા આડે રોડા નાખ્યા
નર્મદાને કારણે કચ્છ કાઠિયાવાડમાં પાણી પહોંચ્યું છે. નવો આત્મવિશ્વાસ નર્મદાના પાણીથી જાગ્યો છે. નર્મદાનું પાણી વિકાસનું અમૃત બન્યું છે. સુરતના લોકોને યાદ રાખવું જોઈએ અને ક્યારેય ન ભૂલો કે જે પંડિત નેહરુએ જેનો શિલાન્યાસ કર્યો, 50 વર્ષ સુધી ખોરંભે ચડાવી, બદનામ કર્યા, લોકસભાની ટિકિટો આપી એવાં તત્ત્વોને ગુજરાતની ધરતી પર પગ મૂકવા દેવો એ પાપ સમાન છે. ત્રણ પેઢીને તબાહ કરવાનું કામ કર્યું છે.
આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો
નવી પેઢીએ બોમ્બબ્લાસ્ટ નથી જોયા, સિરિયલ બ્લાસ્ટ નથી જોયા. હું આતંકવાદના હિતેચ્છુથી લોકોને સતર્ક કરવા માગું છું. બાટલા હાઉસમાં આતંકવાદી માર્યા ગયા તેમાં પોલીસ જવાનો શહીદ થયા હતા. મુંબઈ હુમલાની તસવીરો આજે યાદ છે. હુમલા બાદ આતંકના આકાને પાળવામાં આવતા હતા. આતંકીઓને પાળનારાને દૂર રાખવાના છે. આતંકવાદને મજબૂતીથી કચડવા ભાજપ સરકાર પૂરી શક્તિથી કામ કરે છે. આ ભાજપે સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લીધો હતો. અમે આતંકી અને તેમના આકાઓને પણ ઘરમાં ઘૂસીને મારીએ છીએ. કોંગ્રેસ અને તેને પગલે ચાલતા લોકો ક્યારેક આકરી કાર્યવાહી કરતા નથી. ગુજરાતને નીચું પાડનારને ઓળખવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લોકોની ભીડ જોઈ કારમાંથી બહાર ઊભા રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરતમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો. રસ્તાની બન્ને તરફ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેને કારણે વડાપ્રધાન પોતાની કારમાં બેસી રહેવાની જગ્યાએ કારનો દરવાજો ખોલીને સાઈડમાં ઊભા રહી ગયા હતાં તથા લોકોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં આગળ વધ્યા હતા. વડાપ્રધાન લોકોનો પ્રેમ જોઈને મજબૂર થયા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીના આગમનથી લોકોમાં ભારે ઉત્સાહ
દેશના વડાપ્રધાન અને ગુજરાતના પુત્ર નરેન્દ્ર મોદી સુરત આવ્યા છે. ત્યારે વડાપ્રધાનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના સ્વાગત અને તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊમટી પડ્યા હતા. તેઓ એરપોર્ટથી અબ્રામા ગોપીન ગામ ખાતેની સભા સ્થળ સુધી તેમના જે 30 km લાંબો રૂટ પર બાય રોડ ગયા. એને લઇ પ્રધાનમંત્રીના રોડ પર રસ્તાની બંને બાજુ મોદીના ઘણાબધા સમર્થકો જોવા મળ્યા હતા. રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડી મોદી મોદીના નારાઓ લગાવ્યા હતા. શહેરના રસ્તા મોદી મોદીના નારાથી ગુંજી ઊઠ્યા હતા.
ઢોલ-નગારાં સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાયું
સુરતમાં વડાપ્રધાન પસારના રૂટ પર જુદા જુદા પોઇન્ટ પર તેમના સ્વાગત પોઇન્ટ તૈયાર કરાયા હતા. આ સ્વાગત પોઈન્ટ ખાતે ઢોલ-નગારાં વગાડીને ઉત્સાહ જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. એરપોર્ટથી અઠવા ગેટ સુધીના આ સમગ્ર રૂટ પર પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતે વિશેષ સ્વાગત પોઈન્ટ પ્રધાનમંત્રી માટે રાખવામાં આવ્યો છે. અહીં ઢોલ નગારાં સાથે પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારી કરાઈ છે, સાથે સાથે હજારોની સંખ્યામાં રસ્તાની બંને તરફ મોદી સમર્થકો ઊમટી પડ્યા છે.
