ઘરે બાળક જન્મે એટલે માતા-પિતાના જીવનમાં કદી ન આવેલી ખુશીઓ જોવા મળે, પરંતુ 3 મહિનામાં જ ખબર પડે કે બાળક કાયમી બીમારી લઈને આવ્યું છે તો મા-બાપ માથે આભ તૂટી પડે છે. એમાં પણ પહેલા થેલેસેમિયા અને પછી બ્લડકેન્સર જેવી બીમારી… આમ છતાં ભાવસાર દંપતીએ કુદરતના ફેંસલા સામે ઝીંક ઝીલવાનો કઠિન રસ્તો અપનાવ્યો. દીકરાના બોનમેરો માટે ત્રીજું સંતાન લાવ્યા, જેનું બ્લડ મેચ ન થયું તો ચોથું સંતાન લાવ્યા અને દીકરાને ઉગાર્યો. આજે એ જ દીકરો ગંભીર બીમારીને હરાવીને નીટ જેવી મુશ્કેલ પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી ચૂક્યો છે. આને કહેવાય મોત સામે જિંદગીનો સંઘર્ષ અને આશાવાદની જીત.
જિંદગી હૈ તો ખ્વાબ હૈ, ખ્વાબ હૈ તો મંજિલે હૈ મંજિલે હૈ તો ફાસલે હૈ, ફાસલે હૈ તો રાસ્તે હૈ રાસ્તે હૈ તો મુશ્કિલે હૈ, મુશ્કિલે હૈ તો હૌંસલા હૈ હૌંસલા હૈ તો વિશ્વાસ હૈ ક્યું કી ફાઇટર હંમેશા જીતતા હૈ – જાવેદ અખ્તરની આ કવિતા ઉમંગભાઈ ભાવસાર અને તેમના પરિવારે કરેલા સંઘર્ષ પર એકદમ ફિટ બેસે છે.
દીકરો જન્મ્યો પણ ખુશી લાંબી ટકી શકી નહીં
અમદાવાદના રામોલ રિંગ રોડ ખાતે ઉમંગ ભાવસાર પત્ની અને ચાર સંતાન સાથે રહે છે. ઉમંગભાઈ રેલવેમાં ટિકિટ-ચેકર છે. ઉમંગભાઈ લગ્ન બાદ પ્રથમ દીકરીનો જન્મ થયો, જ્યારે બીજો દીકરો ઉર્વીશ આવ્યો. ઉર્વીશ જન્મતાં પરિવારમાં ખુશીનો પાર નહોતો, પરંતુ કોણ જાણે કેમ આ ખુશીને કોઈની નજર લાગી. ઉર્વીશ 3 મહિનાનો થયો ત્યાં સુધી તે બીમાર રહેવા લાગ્યો, જેથી અલગ અલગ ટેસ્ટ કરાવ્યા, ત્યારે જાણ થઈ કે ઉર્વીશને થેલેસેમિયા છે.
ઉર્વીશને મહિને કે 15 દિવસે લોહીની જરૂર પડવા લાગી
ઉમંગભાઈ અને તેમનાં પત્ની સુનંદાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. થેલેસેમિયામાં નિયમિત રીતે બ્લડ ચઢાવવું જ પડે છે. બીજી તરફ નાની 4 વર્ષની દીકરી પણ હતી. જોકે તેની સારસંભાળ તેનાં દાદીએ રાખી લીધી હતી. પરિવારને જાણવા મળ્યું કે ઉર્વીશને દર મહિને કે 15 દિવસે લોહી ચઢાવવુ જ પડશે, પરંતુ આટલું કર્યા છતાં એક ઉંમર પછી તે જીવી તો નહીં જ શકે. માતા-પિતા હોવાથી તેઓ બાળકને કોઈપણ સંજોગમાં ખોવા નહોતા માગતાં, જેથી તેઓ અમદાવાદ સહિત દેશભરની અનેક હોસ્પિટલ ફરી વળ્યાં હતાં.
એવા પરિવારને મળ્યા, જે આ સ્થિતિમાંથી પસાર થયો હતો
મણિનગરમાં જ એક પરિવારમાં બાળક આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોવાનું ઉમંગભાઈને જાણવા મળ્યું. તેઓ સીધા એ પરિવારને મળવા ગયા અને તેમની સાથે 4 કલાક વાતચીત કરી. શું કરવું, શું ના કરવું, કેવી રીતે અને ક્યાં સારવાર કરાવવી એ અંગેની તમામ વિગતો તેમની પાસેથી મેળવી લીધી. જેથી તેમનો માનસિક ભાર થોડો ઓછો થયો અને એક આશાનું કિરણ જાગ્યું. બાળકને દર 25 દિવસે લોહી ચઢાવવું પડશે એ તો કરવાનું જ હતું, પરંતુ તેના માટે દાતા શોધવા મુશ્કેલ હતા, જે દર 25 દિવસે કે મહિને લોહી આપી શકે તેમ છતાં તેમણે પ્રયત્ન કરીને લોહી તો ચઢાવવાનું ચાલુ જ રાખ્યું હતું.
6 વર્ષનો થતાં જ ઉર્વીશને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું
ઉર્વીશની સારવાર ચાલુ જ હતી ત્યારે તે 6 વર્ષનો થતાં તબિયત વધુ બગડવા લાગી. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેને બ્લડકેન્સર પણ છે. બે મોટી ગંભીર બીમારીથી માતા-પિતા માનસિક રીતે ભાંગી પડ્યાં. સગાં-સંબંધીઓએ પણ સલાહ આપી કે હવે આશા છોડી દો, બધું ભગવાન પર છોડી દો, જે થવાનું હશે એ થશે, પરંતુ મા-બાપ દીકરાની સારવાર કરાવવા માટે મક્કમ હતાં અને તેમણે તેમની જવાબદારી ભૂલ્યા વિના સારવાર ચાલુ કરાવી. અનેક હોસ્પિટલમાં ફર્યા બાદ તેમને મદ્રાસની એક હોસ્પિટલ મળી, જ્યાં આ બીમારીની સારવાર થઈ શકે તેમ હતી.
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સગાં ભાઈ-બહેનોની જરૂરી
ઉર્વીશને લઈને ઉમંગભાઈ અને તેમનાં પત્ની મદ્રાસના વેલ્લુરની એક હોસ્પિટલમાં ગયાં, જ્યાં સારવાર કરાવવા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જરૂરી હતું, જેનાથી ઉર્વીશના શરીરમાં નવું લોહી બની શકે. આ બોનમેરો માટે માતા-પિતા કે સગાં ભાઈ-બહેનની જરૂર હતી, પરંતુ ત્રણેયના બ્લડ ઉર્વીશ સાથે મેચ થતા નહોતા. જેથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે બીજો ઉપાય હતો કે બ્લડ બેન્કમાંથી સ્ટોર કરેલા અન્ય વ્યક્તિના બોનમેરો ચઢાવવામાં આવે, પરંતુ એમાં જીવ જવાની પણ શક્યતા હતી. ઉમંગભાઈએ એક કિસ્સો જોયો જ હતો કે અન્ય વ્યક્તિનું બ્લડ ચઢાવતા થેલેસેમિયાના એક બાળકનું મોત થયું હતું, જેથી આ પ્રકારનું જોખમ લેવા તેઓ તૈયાર નહોતા.
હવે માત્ર એક જ રસ્તો હતો ને એ પણ બાળકનો
હવે માત્ર એક જ રસ્તો હતો કે તેઓ ત્રીજા બાળકને જન્મ આપે અને તેના બોનમેરો ઉર્વીશને ચઢાવવામાં આવે. તેમને ત્યાં ત્રીજા બાળક તરીકે દીકરાનું આગમન થયું હતું. આ દીકરો દોઢ વર્ષનો થયા બાદ તેના બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યા ત્યારે પરિણામ વધુ નિરાશ કરે એવું હતું. નવા બાળકનું બ્લડ પણ ઉર્વીશ સાથે મેચ થયું નહોતું. પરિવાર આ બધી મુશ્કેલીઓમાંથી પાર ઊતરવા માટે એક રસ્તો શોધતું હતું ત્યાં વધુ એક મુશ્કેલી સામે આવીને ઊભી રહેતી હતી. આ સ્થિતિમાં પરિવાર ઘરે પરત આવીને ચોથા બાળકનો વિચાર કર્યો.
ચોથા સંતાન તરીકે જન્મેલી દીકરીએ પરિવારમાં અજવાળું પાથર્યું
આ દરમિયાન તેમને ત્યાં ચોથા સંતાન તરીકે દીકરી રિચાનો જન્મ થયો. રિચાની થોડી ઉંમર થતાં તેના બોનમેરો ટેસ્ટ કરાવ્યો. તેના અને ઉર્વીશના બ્લડ ટેસ્ટ મેચ થયું છે, જેનાથી પરિવારને એક નવું આશાનું કિરણ મળ્યું. ઉર્વીશના શરીરમાં લોહી બનતું નહોતું અને સારવાર જરૂરી હતી. જેથી એક વર્ષ માટે એક રૂમમાં જ તેને આઇસોલેટ કરવામાં આવ્યો, જ્યાં મચ્છર પણ ના જઈ શકે તેવી તકેદારી રાખવામાં આવી હતી. ખાવા-પીવાની અને દવાની વ્યવસ્થા પણ એ જ રૂમમાં કરવામાં આવી. ઉર્વીશ તેની માતા સિવાય કોઈના પણ સંપર્કમાં આવી શકે એમ નહોતો.
બહેને આપ્યું ઉર્વીશને નવજીવન
તો બીજી તરફ હવે રિચા પણ 2 વર્ષની થઈ ગઈ હતી અને હવે સારવાર કરવાનો સમય આવી ગયો હતો. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ વખતે માતા-પિતાએ વર્ષો સુધી કરેલી મહેનત રંગ લાવી અને ઉર્વીશને એક નવું જીવન મળ્યું હતું. ઉર્વીશની સારવાર સફળ રહી હતી. ઉર્વીશ નિયમિત સ્કૂલે જતો થયો હતો. આજે ઉર્વીશ 19 વર્ષનો થયો છે અને સામાન્ય માણસની જેમ જીવન જીવી રહ્યો છે.
આર્થિક સ્થિતિ સારી નહોતી તો સંસ્થાઓએ મદદ કરી
ઉર્વીશના પિતા ઉમંગભાઈએ જણાવ્યું હતું કે ઉર્વીશની સારવાર કરવામાં અમે કોઈ કસર છોડી નહોતી. આર્થિક સ્થિતિ સારી નહોતી, પરંતુ કેટલીક સામાજિક સંસ્થાએ પણ અમારી મદદ કરી હતી. અમે હિંમત ન હારીને ઉર્વીશની સફળતાપૂર્વક સારવાર કરાવી હતી. આજે આ બધાના સહકારથી જ ઉર્વીશ બેઠો થયો છે.
ગમે તે સ્થિતિમાં બાળકની સારવાર કરાવવી હતીઃ માતા
ઉર્વીશનાં માતા સુનંદાબેને જણાવ્યું હતું કે અમે ઉર્વીશની સારવાર કરવા ત્રીજા બાળકને જન્મ આપ્યો, પરંતુ એમાં સફળતા ન મળતાં ચોથા બાળકને જન્મ આપ્યો. અમારે ગમે તે સ્થિતિમાં અમારા બાળકની સારવાર કરાવવી હતી. અમે અમારું બાળક ગુમાવવા ઇચ્છતા નહોતાં. લોકોએ કહ્યું, બધું ભગવાન પર છોડી દો, પરંતુ અમે મક્કમ હતાં.
ઉર્વીશે નીટમાં દેશભરમાં 1130મો રેન્ક મેળવ્યો
આ ઉર્વીશે જ તાજેતરમાં નીટની પરીક્ષામાં 16.5 લાખ વિદ્યાર્થીમાંથી 1130મો નંબર મેળવ્યો છે. તેણે 675 માર્ક્સ મેળવ્યા છે. હાલ તે એકદમ સ્વસ્થ તો થઈ ગયો છે, પરંતુ તેની જેમ બીમારીનો સામનો કરી રહેલાં અન્ય બાળકોની સારવાર અને સાજા કરવા માટે MBBS કરવા માગે છે.
લગ્ન પહેલા કરેલી એક ભૂલ ભારે પડી
પરિવાર સાથેની વાતચીતમાં ઉમંગ ભાઈએ એક અગત્યનો મુદ્દો જણાવ્યો હતો કે જો લગ્ન પહેલાં અમે થેલેસેમિયા માઈનોરનો ટેસ્ટ કરાવ્યો હોત તો આ પ્રકારનું બાળક જન્મ્યું ના હોત, પરંતુ અમને એવા ટેસ્ટની ખબર નહોતી. ભવિષ્યમાં અન્ય જે કોઈપણ કપલ મેરેજ કરવાનું હોય તેણે આ ટેસ્ટ ફરજિયાત કરી લેવો. જેથી તેમને ત્યાં આવું બાળક ના જન્મે. સરકારે પણ મેરેજ માટે આ ટેસ્ટ ફરજિયાત કરી દેવો જોઇએ.
