ભક્તિની શક્તિ:રાજકોટની બાળાઓ મસ્તક પર સળગતી ઇંઢોણી મૂકી રાસ રમવા આતુર, કહ્યું: ‘ગરબામાં નવદુર્ગા માતાની સાક્ષાત અનુભૂતી થાય છે’

By Abhishek Raghuvanshi
4 Min Read

માતાજીના નવલા નોરતા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિની ભક્તીમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત હોય તેવા દૃશ્યો જોવા મળે છે. જ્યાં સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને આ જ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે.

બાળાઓ આરતીને આત્મસાત કરે છે
આ અંગે રાસ રમતી જીલ ચૌહાણએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ગરબામાં નવદુર્ગા માતાની સાક્ષાત અનુભૂતી થાય છે. પ્રાચીન ગરબીમાં એક આરતી ખુબ જ પ્રખ્યાત છે કે, જલતો જલતો જાય, અંબે માનો ગરબો જલતો જાય..પવન ઝપાટા થાય તોય, માનો ગરબો ઝલતો જાય..અંબે માનો ગરબો જલતો જાય.., આ બાળાઓ જાણે એ આરતીને આત્મસાત કરે છે.

સળગતી ઈંઢોળીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો

15 વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન
આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ અને આયોજન પણ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ પ્રાચીન ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના નવે’ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો માંની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.

પ્રાચીન ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન

20 મિનિટ સુધી આગને મસ્તક પર ધારણ કરે છે
બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે અને તે વેળાએ માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઇ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જયારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માંના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે ભકિતની શકિત વિના અને માંના આશિર્વાદ વગર આમ કરવું એ બિલકુલ સરળ નથી.

- Advertisement -
બાળાઓમાં પ્રચંડ શકિત સમાઇ હોય તેવા દ્રશ્યો

6 બાળાઓમાં અનેરો ઉત્સાહ
હાલ નવરાત્રિની પ્રેકટીસ ચાલી રહી છે. ત્યારે આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેકટીસ કરતી 6 બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ ડર્યા વિના પ્રેકટીસમાં લાગી ગઇ છે. મજાની વાત એ છે કે પ્રેકટીસ પણ માંના આશિર્વાદનું કવચ બાળાઓને આ 6 બાળાઓને સળગતી ઇંઢોણી માથે લઇને ઘૂમતી જોવીએ પણ એક લ્હાવો છે.

12 બાળાઓને તાલીમ અપાઈ છે

15 વર્ષથી આ મહોત્સવનું આયોજન
ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 15 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબીમાં 34 જેટલી બાળાઓ રાસ રમી રહી છે. સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાઈ છે. કુલ 12 બાળાઓને તાલીમ અપાઈ છે. નવરાત્રી દરમિયાન દર બે દિવસે એક વખત આ રાસનું આયોજન કરાઈ છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાઈ છે.

આ રાસ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે

કોઈ દુર્ઘટના ન બને તેની પૂરતી તકેદારી
દરેક કલાકારોને ગરબા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે. ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.

Exit mobile version