પેરેન્ટ્સ આ વાત નોટમાં લખી રાખે:તમારું બાળક છ વર્ષનું થાય પછી જ પહેલા ધોરણમાં એડમિશન મળશે; આ વર્ષથી જ આવી ગયો છે નવો નિયમ

By Abhishek Raghuvanshi
5 Min Read
  • બાળકોનું ભવિષ્ય શું, પાંચ વર્ષના બાળકનું એક વર્ષ બગડશે ?

અત્યારસુધી એવું હતું કે બાળક 5 વર્ષનું થાય એટલે પહેલા ધોરણમાં-ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન મળે. હવે ભારત સરકારની નવી શિક્ષણનીતિમાં એવો ફેરફાર આવ્યો છે કે બાળક 6 વર્ષનું થાય પછી જ પહેલા ધોરણમાં એડમિશન મળશે. ગુજરાતમાં આ નીતિનો અમલ તો શરૂ કરી દેવામાં આવ્યો છે, પણ આની સાથે અનેક સવાલો સામે આવ્યા છે. શું છે આખો મામલો, વિગતે જાણીએ…

નવો નિયમ શું છે ?
સામાન્ય રીતે અત્યારસુધી એવું થતું આવ્યું છે કે બાળક ત્રણ વર્ષનું થાય એટલે લોઅર કેજી, ચાર વર્ષનું થાય એટલે હાયર કેજી અને પાંચ વર્ષનું થાય એટલે પહેલું ધોરણ. હવે આ નિયમમાં ફેરફાર કરાયો છે. બાળક છ વર્ષનું થાય પછી જ એડમિશન આપવામાં આવશે. આ નિયમ અમલમાં આવી ગયો છે. આ અંગે શિક્ષણવિદ ભદ્રાયુ વછરાજાનીએ કહ્યું હતું કે આ ફેરફાર ટેક્નિકલી રીતે ક્યો છે. પ્રેક્ટિકલી ઘણા પ્રશ્નો ઉદભવે તેમ છે.

પ્રતીકાત્મક તસવીર.

પહેલાં શું હતું, હવે શું હશે ?
પહેલાં શિક્ષણનીતિમાં 10 વત્તા 2 એવું માળખું હતું, એટલે 1થી 10 ધોરણ અને પછી 11 અને 12 એમ બે વર્ષ બીજા. હવે આ માળખું બદલાયું છે. નવી શિક્ષણનીતિમાં 5 વત્તા 3 વત્તા 3 વત્તા 4 એવું માળખું બની ગયું. એટલે બાળક શરૂઆતનાં પાંચ વર્ષ ભણે તેને ECCE (અર્લી ચાઈલ્ડ કેર એજ્યુકેશન) કહેવાશે. બાળક એક કે બે વર્ષનું થાય તે અભ્યાસ યોગ્ય ગણાય નહીં, પણ ત્રણ વર્ષની ઉંમરથી તેનું એજ્યુકેશન શરૂ થાય એટલે ત્રણ, ચાર અને પાંચ વર્ષ ECCE ગણાશે. આ પાંચ વર્ષ પૂરાં કરીને બાળક છ વર્ષનું થાય પછી તેને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. એટલે બાળક 6 અને 7 વર્ષનું થાય ત્યારે પહેલું ધોરણ, 7 અને 8 વર્ષનું થાય ત્યારે બીજું ધોરણ (સેકન્ડ સ્ટાન્ડર્ડ). પછીનાં ત્રણ વર્ષ એટલે 8થી 11ની ઉંમર. એમાં ત્રીજું, ચોથું અને પાંચમું ધોરણ. છેલ્લાં ચાર વર્ષ એટલે 9થી 12 ધોરણ ગણાય. બાળક 14થી 18 વર્ષનું થાય ત્યારે આ ચાર ધોરણ ભણે.

ઉચ્ચતર માધ્યમિક શબ્દ ભૂતકાળ બની જશે
નવી શિક્ષણનીતિમાં જે માળખું છે, એમાં 5 વત્તા 3 વત્તા 3 વત્તા 4ના ભાગ પાડેલા છે. એમાં શરૂઆતનાં પાંચ વર્ષ પૂર્વ પ્રાથમિક, પછી 3થી 5 ધોરણ પ્રારંભિક અને 6થી 8ને ઉચ્ચ પ્રાથમિક અને છેલ્લાં 9થી 12 છે તેને માધ્યમિક કહ્યું છે, એટલે આપણે ત્યાં જે ઉચ્ચતર માધ્યમિક કહેવાતું એ નીકળી ગયું. ઉચ્ચતર માધ્યમિક શબ્દ ભૂતકાળ બની જશે. હવે એ માધ્યમિક સાથે મર્જ થઈ ગયું. પહેલાં એવું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અલગ અલગ હતાં, હવે એને મર્જ કરી દેવામાં આવ્યાં છે, જેથી શિક્ષકોની ઘટ સરભર કરી શકાય.

- Advertisement -
નવી શિક્ષણનીતિમાં આપેલી માળખાકીય ફેરફારની વિગતો.

સ્કૂલ ધારે તોપણ એડમિશન ન આપી શકે
સરખેજ કેળવણી મંડળ સંચાલિત શાળાના પ્રિન્સિપાલ જગજીવનભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારે એક વેબપોર્ટલ શરૂ કર્યું છે. એનું નામ આધાર ડાયસ. www.ssagujarat.org નામની વેબસાઈટમાં આ પોર્ટલ છે. સ્કૂલે પોતાનો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો. પછી સ્ટુડન્ટનું નામ અને જન્મ તારીખ નાખવાનાં. જન્મ તારીખ મુજબ બાળકને પાંચ વર્ષ પૂરાં ન થયાં હોય, એટલે કે બાળક છ વર્ષનું થયું ન હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ ન મળે. સોફ્ટવેર જ નક્કી કરી લે કે આ બાળક પ્રવેશને લાયક નથી, એટલે સ્કૂલ ધારે તોપણ નિયમની બહાર જઈને એડમિશન ન આપી શકે. હા, કદાચ કોઈ બાળકનું ભવિષ્ય બગડતું હોય તો ગાંધીનગર આધાર ડાયસ વિભાગમાં જઈને રૂબરૂ પ્રવેશની ભલામણ કરી શકાય, જેથી બાળકનું ભવિષ્ય બગડે નહીં.

શિક્ષણનીતિના પહેલા ચેપ્ટરના સાતમા મુદ્દામાં લખેલું લખાણ.

શિક્ષકોને આ માટે તૈયાર કરાયા નથી
નવી શિક્ષણનીતિના પહેલા ચેપ્ટરના સાતમા મુદ્દામાં લખ્યું છે કે ”આંગણવાડીમાં પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ (ECCE)ના શિક્ષક સંવર્ગને તૈયાર કરવા માટે હાલમાં આંગણવાડીમાં કાર્યરત શિક્ષકોને NCERT દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ અને માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. 10 વત્તા 2 કે તેથી વધારેની લાયકાત હોય તેવા આંગણવાડીના શિક્ષકો ECCEનો છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરશે તો એ ECCE માટે માન્ય રહેશે. 10 વત્તા 2થી નીચે હોય તો એ એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરશે તો એ માન્ય રહેશે.”
ભદ્રાયુ વછરાજાનીએ આ મુદ્દાનો અભ્યાસ કરીને જણાવ્યું હતું કે સર્ટિફિકેટ કોર્સ શરૂ થયો નથી. ડિપ્લોમા કોર્સ શરૂ થયો નથી, એટલે ECCE માટે શિક્ષકો જ તૈયાર થયા નથી. એ જ્યારે તૈયાર થાય ત્યારે જ ECCE લાગુ પડી શકે. હવે કેટલું શક્ય છે ? સરકારે આમાં વચલો રસ્તો કાઢવો પડશે.

Exit mobile version