અમદાવાદના મણિનગર વિસ્તારમાં LG હોસ્પિટલ કેમ્પસમાં સ્થિત AMCની મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. હવે નરેન્દ્ર મોદીના નામ પર કોલેજના નામકરણને લઈ અને રાજનીતિ શરૂ થઈ છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મેડિકલ કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રાખવાની માંગણી સાથે કોલેજના ગેટ પર સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજના નામના પોસ્ટરો લગાવ્યા છે.
કોંગ્રેસે કોલેજના ગેટ પર પોસ્ટરો લગાવ્યા
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા LG કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા આ દેશની આઝાદીમાં યોગદાન આપનારા,અખંડ ભારતની રચના કરવા વાળા મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ નામ રાખવામાં આવ્યુ છે. કોલેજના ગેટ પર સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજના નામના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપને પણ વિનંતી કરવામાં આવે છે કે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ નામ રાખવામાં આવે.
AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની બેઠક મળી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મણિનગર એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામાભિધાન કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી અને જેને મંજૂર કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મણીનગર વિધાનસભામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમના સમય દરમિયાન જ આ કોલેજ બની છે. જેથી મેડિકલ કોલેજનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવા માટેની દરખાસ્તને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી આપવા આવી છે.
મેડિકલ કોલેજની વર્ષ 2009માં સ્થાપના કરાઈ હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર એલજી જનરલ હોસ્પિટલમાં દર્દીઓના ઉત્તરોત્તર વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે મેડિકલ કોલેજની સ્થાપનાનો વિચાર ધ્યાને લેતાં AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજની વર્ષ 2009માં તેઓના વરદ્હસ્તે સ્થાપના કરવામાં આવી હતી.
150 એમ.બી.બી.એસ.સીટોથી શરૂ હતી
વર્ષ 2009માં વાર્ષિક 150 એમ.બી.બી.એસ.સીટોથી શરૂ થયેલ AMC મેટ મેડિકલ કોલેજમાં હાલમાં વર્ષ 2022માં કુલ 200 એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા 170 એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે, જેનો સીધો લાભ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને મળી રહે છે. આ મેડિકલ કોલેજની સ્થાપનાનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડિકલના અભ્યાસ માટે જવું ન પડે તેવા ઉમદા વિચાર, દૂરંદેશી, દીર્ઘદ્રષ્ટિ તથા તે માટેના અથાગ પરિશ્રમને જાય છે.
મોટેરા સ્ટેડિમ બાદ કોલેજનું નામ પણ નરેન્દ્ર મોદી રખાયું
ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અમદાવાદના મોટેરા ખાતેનું સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ શહેરમાં હવે મેડિકલ કોલેજનું નામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામાભિધાન કરવામાં આવ્યું છે.
