રાજ્યના પાટનગર ગાંધીનગર પર સ્માર્ટ ટેકિનિકથી દરેક ગતિવિધિ પર રાઉન્ડ ધ કલોક બાજનજર રાખવા માટે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન ‘ઈન્ટ્રીગેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ (ICCC) ગાંધીનગરની તીસરી આંખ સમાન ધમધમી રહ્યું છે. અહીં 24×7 જાહેર પરિવહનની વ્યવસ્થાથી માંડીને ટ્રાફિક સિગ્નલ અને શહેરના મુખ્ય વિસ્તારો, બાગ-બગીચા, રંગમંચો, 20 હજાર સ્ટ્રીટ લાઇટો ઉપરાંત ડોર ટુ ડોર કચરો લેતી ગાડીઓ પર પણ સીધું જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરની દરેક ગતિવિધિ પર નજર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક સ્માર્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2018થી કવાયત શરૂ કરી દેવાઈ હતી. ગાંધીનગરના સેકટર – 17 જિલ્લા પંચાયત પાસે કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ બની જવાની સાથોસાથ અદ્યતન સંપૂર્ણ વાતાનુકૂલિત ઈન્ટ્રીગેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે.
કેમેરાની સાથે મેસેજિંગ બોર્ડ પણ મૂકવામાં આવ્યાં
ગાંધીનગરમાં મહત્ત્વનાં સ્થળોએ સ્માર્ટ પોલમાં વાઈફાઈ એક્સેસ પોઈન્ટની સાથે કેમેરા ફિટ કરેલા છે. આ કેમેરાની સાથે મેસેજિંગ બોર્ડ અને એન્વાયર્નમેન્ટલ સેન્સર પણ મૂકવામાં આવ્યાં છે. ઉપરાંત પેનિક બટનની સુવિધા પણ છે. પેનિક બટનને પોલમાં કેમેરાની નીચે જ મૂકવામાં આવ્યા છે, જેથી મદદ માગનારને તરત ઓળખી શકાય છે. પેનિક બટન દબાવીને પોતાની સમસ્યા રજૂ કરનારી વ્યક્તિને જરૂરિયાત મુજબ પોલીસ, 108 કે ફાયરની મદદ આપવા માટે કંટ્રોલ રૂમમાંથી સંબંધિત એજન્સીને સીધો જ કમાન્ડ આપીને મેસેજ મોકલવાની પણ ટેકનોલોજીનો સમાવેશ છે.
મહત્ત્વના ટ્રાફિક જંક્શન પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ મૂકવામાં આવી
પાટનગરના ટ્રાફિક મેનેજમેન્ટને ઓટોમેશન મોડ પર લાવવા માટે મહત્ત્વના ટ્રાફિક જંક્શન પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ મૂકવામાં આવી છે . આ સિસ્ટમ અંતર્ગત જંક્શન પર લાગેલા સીસીટીવી કેમેરામાં રેડ લાઈટ વાયોલેશન ડિટેક્શન અને સ્પીડ વાયોલેશન ડિટેક્શનની સુવિધા છે, જેને કારણે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર કે સ્પીડ લિમિટ તોડનાર વાહનચાલક ઓળખાઈ જાય છે. અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનના ફોટા પડી જાય છે.
નેટિવ એપ્લિકેશન થકી ગાંધીનગરમાં ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
આ અંગે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનાં આઈટી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર ઈશા ભગતે જણાવ્યું હતું કે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં અલગ અલગ નેટિવ એપ્લિકેશન થકી ગાંધીનગરમાં ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે એડપ્ટિવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ (ATCS) થકી 35 જંકશન પર નજર રાખવા આવે છે, જેમાં 241 કેમેરા થકી ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ, રેડલાઈટ વાયોલેશન ડિટેકશન સિસ્ટમ અને સ્પીડ વાયોલેશન ડિટેકશન સિસ્ટમ લાગેલી છે.
મહત્વના રોડ રસ્તા ઉપર સતત મોનિટરિંગ
એજ રીતે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે શહેરમાં ઘરે ઘરેથી કચરો ઉપાડતી મનપાની સીધું જ ટ્રેકિંગ અને મોનિટરિંગ GPS સિસ્ટમ થકી કરાઈ રહ્યું છે. આ ઉપરાંત જનરલ સર્વેલન્સ સિસ્ટમના 237 કેમેરા મારફત બાગ-બગીચા, રંગમંચ, જાહેર સ્થળો તેમજ મહત્ત્વના રોડ રસ્તા પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. વધુમાં ઈશા ભગતે ઉમેર્યું હતું કે શહેરમાં 40 સ્થળે સ્માર્ટ પોલ લગાવેલા છે, જેમાં 360 ડિગ્રી ફરતા કેમેરા લાગેલા છે અને વાઈફાઈ, સ્ટ્રીટ લાઈટ, વેરિયેબલ મેસેજ સિસ્ટમ, પેનિક બટન, એનર્જી મીટર છે. આ સિવાય લાઈટ સિસ્ટમ થકી 20 હજાર સ્ટ્રીટ લાઇટોનો ડેટા સ્ટોર કરવામાં આવે છે.
ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનનો ડેટા પોલીસતંત્રને મોકલાય છે
મહત્વનું છે કે, આ અલગ અલગ નેટિવ એપ્લિકેશન થકી શહેરમાં ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવા માટે 24×7 રાઉન્ડ ધ કલોક ત્રણ શીફટમાં 24 કર્મચારી રાત-દિવસ મોનિટરિંગની કામગીરી કરી રહ્યા છે. જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહનોના ફોટા પાડીને જિલ્લા પોલીસને પણ મોકલી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ રોજના 1500 વાહનચાલકોનો ડેટા પોલીસતંત્રને મોકલી આપવામાં આવે છે, જ્યાંથી ઇ-મેમો જનરેટર થઈને વાહનચાલકને મોકલી દેવામાં આવે છે.
