જૂનાગઢમાં પ્રથમવાર ગ્રીન કોરિડોર થકી અંગદાન:વંથલીના ખેડૂત બ્રેનડેડ થવાથી પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો, માત્ર 118 મિનિટમાં અંગો અમદાવાદ પહોંચાડાયાં

By Abhishek Raghuvanshi
4 Min Read
https://timenews.today/img/2022/05/v360.mp4
  • હોસ્પિટલથી કારથી કેશોદ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ અંગો પહોંચાડાયાં
  • કાફલાને રસ્તામાં ક્યાંય ટ્રાફિક ન નડે એ માટે આગોતરી તૈયારી કરી ઠેર-ઠેર પોલીસ સ્ટાફ તહેનાત કરાયો
  • હોસ્પિટલથી લઈને કેશોદ એરપોર્ટ સુધીના માર્ગમાં એમ્બ્યુલન્સને પોલીસ જીપોનું પાયલોટિંગ અપાયું

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના 66 વર્ષીય વૃદ્ધ ખેડૂત ઘરમાં પડી ગયા બાદ આઠ દિવસની સારવાર કારગત ન નીવડતાં બ્રેનડેડ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. એ સમયે મૃતક ખેડૂતનાં અંગોનું દાન કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં તબીબો દ્વારા મૃતક ખેડૂતની કિડની અને લિવરને ગ્રીન કોરિડોર મારફત કેશોદ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ પહોંચાડવામાં આવ્યાં હતાં. આમ, જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત તંત્ર દ્વારા ગ્રીન કોરિડોર ઊભો કરી 350 કિમીનું અંતર 118 મિનિટમાં કાપી જરૂરિયાતમંદ દર્દી સુધી અંગો પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

મૃતક મગનભાઈ ગજેરાનો ફાઇલ ફોટો.

ગજેરા પરિવારે સ્વજનનું અંગદાન કરી સમાજમાં રાહ ચીંધી
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે રહેતા ગજેરા પરિવારે પોતાના સ્વજનનું અંગદાન કરી સમાજમાં રાહ ચીંધી છે. ત્યારે આ અંગે મૃતકના સંબંધી સંજયભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમારા 66 વર્ષીય સ્વજન મગનભાઇ ગજેરા અઠવાડિયા પહેલાં પોતાના ઘરમાં પડી જતાં તેમના મગજમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની છેલ્લા આઠ દિવસથી સારવાર ચાલી રહી હતી.

દરમિયાન મંગળવારની રાત્રે અચાનક મગનભાઈનું મગજ કોઈપણ રિસ્પોન્સ ન આપતું હોવાથી ડોક્ટરે તમામ પ્રકારનું ચેકિંગ કરતાં તેમનું બ્રેનડેડ થઈ ગયું હોવાથી તેમને મૃત જાહેર કરાયા હતા. આ સમયે પરિવારજનો ભલે સ્વજનને બચાવી ન શક્યાં, પરંતુ તેમનાં અંગો દ્વારા કોઈ વ્યક્તિને નવું જીવન મળે એ માટે તેમણે મગનભાઈનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ડોક્ટરને જાણ કરી સંમતિ આપી હતી.

અંગો કેશોદથી અમદાવાદ એર એમ્બ્યુલન્સ મારફત મોકલાયાં.

લિવર અને કિડનીને ગ્રીન કોરિડોર મારફત અમદાવાદ પહોંચાડાયાં
જેથી તબીબોએ વૃદ્ધના અંગદાન માટેની કામગીરી હાથ ધરી હતી. એ અંગે ખાનગી હોસ્પિટલના ડો. આકાશ પટોળિયાએ જણાવ્યું હતું કે મગનભાઈનાં અંગોને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા માટે અમદાવાદ, રાજકોટ અને દેશની અનેક હોસ્પિટલોમાં સંપર્ક કરીને કોઈ દર્દીને હદય, ફેફસાં, કિડની કે લિવરની જરૂર હોય એવી યાદી મગાવવામાં આવી હતી, જેમાં હાલ કિડની અને લિવરની જરૂરિયાતવાળા એક દર્દી અમદાવાદની હોસ્પિટલમાં હોવાની માહિતી મળી હતી. એના આધારે ત્યાંના ડોક્ટરનો સંપર્ક કરી વાતચીત કરતાં ગઇકાલે બુધવારે સવારે અમદાવાદની હોસ્પિટલના તબીબોની ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. અહીંથી મૃતક મગનભાઈ ગજેરાનાં લિવર અને કિડનીને ગ્રીન કોરિડોર મારફત કેશોદ એરપોર્ટ પર પહોંચાડી ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -
હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સાથે પોલીસતંત્રે મહત્ત્વની ફરજ બજાવી.

તબીબ અને સ્ટાફ સાથે પોલીસતંત્રે મહત્ત્વની ફરજ બજાવી
અત્રે નોંધનીય છે કે ખેડૂત પરિવારે કરેલા અંગદાનના નિર્ણય બાદ મૃતકનાં અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે જિલ્લામાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા પોલીસે ગ્રીન કોરિડોર અમલી બનાવ્યો હતો, જેમાં જૂનાગઢની ખાનગી હોસ્પિટલથી લઈને કેશોદ એરપોર્ટ સુધીના 50 કિમીના માર્ગમાં એમ્બ્યુલન્સને પોલીસ જીપોનું આગળ-પાછળ પાયલોટિંગ આપવામાં આવ્યું હતું. આ કાફલાને રસ્તામાં ક્યાંય ટ્રાફિક ન નડે એ માટે આગોતરી તૈયારી કરી ઠેર-ઠેર પોલીસ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો હતો. આમ, જિલ્લામાં પ્રથમ વખત કોઈ વ્યક્તિનાં અંગોને ગ્રીન કોરિડોર મારફતે અન્ય શહેર સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં. આ કાર્યમાં હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સાથે પોલીસતંત્રે મહત્ત્વની ફરજ બજાવી હોવાને કારણે આ સદકાર્ય શક્ય બન્યું હતું.

Exit mobile version