સુરતમાં રાહદારીને ટક્કર મારતાં સિટી બસને લોકોએ સળગાવી દીધી, આગ લગાવનાર 6ની ઓળખ, 3ની અટકાયત

By Abhishek Raghuvanshi
2 Min Read
સિટી બસમાં આગની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
  • ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી
  • પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ટોળાંને વેરવિખેર કરી દીધા

સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. શુક્રવારની મોડી રાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાની ઓળખ કરી લીધી છે અને 3ની અટકાયત પણ કરી છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી
બર્નિંગ બસને લઈ ફાયરને કોલ મળતાં ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ ટોળાને વેરવિખેર કરી દીધા હતા. જોકે આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લગાવનાર 6ની ઓળખ, 3ની અટકાયત
એમ.કે. ગુર્જર (પીઆઇ સરથાણા)એ જણાવ્યું હતું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોશ કરતો હતો. બસે અડફેટે લેતાં બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યાર બાદ ભેગા થયેલા લોકોના ટોળાએ રોષમાં આવી બસને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. બસને આગ ચાપનાર 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ડિટેન કરાયા છે. આજે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરાશે.

આખી સિટી બસ બળીને ખાખ થઈ ગઈ.

સિટી બસની આગ પર કાબૂ મેળવાયો
પ્રવીણ પટેલ (BRC કામરેજ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે 9:30 વાગ્યાનો હતો. કોલ મળતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોનાં ટોળાંએ આખી બસ સળગાવી દીધી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

- Advertisement -
Exit mobile version