ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં 500થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત, ખાનગી NGO દ્વારા પક્ષીઓનું રેસ્ક્યૂ અને સારવાર કરાઈ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • અમદાવાદ ફાયરબ્રિગેડ અને સરકારની એનિમલ હેલ્પલાઇનને પણ પક્ષીઓના રેસ્ક્યૂ અને કોલ મળ્યા
  • સૌથી વધુ કબૂતરનાં રેસ્ક્યૂ અને ઘાયલ થયાના કોલ મળ્યા હતા

ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે, કારણ કે પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઊડતાં પક્ષીઓ દોરીને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ઉત્તરાયણના તહેવારમાં આવાં ઘાયલ પક્ષીઓની સારવાર અને એમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યૂ કરવા માટે ફાયરબ્રિગેડ, અનેક ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદમાં અંદાજે 500થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓને ખાનગી સંસ્થાઓ અને એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર કરવામાં આવી હતી. અમદાવાદમાં સૌથી વધુ કબૂતરનાં રેસ્ક્યૂ અને સારવાર કરવામાં આવી હતી.

નરોડામાં NGOએ નવયુગ સ્કૂલ પાસે બે દિવસીય કેમ્પ કર્યો
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સંવેદના બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઇન નામની NGO સંસ્થા દ્વારા નવયુગ સ્કૂલ પાસે ઉત્તરાયણના તહેવારમાં 14-15 જાન્યુઆરી એમ બે દિવસ પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. NGOના વોલન્ટીર કોમલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં અનેક પક્ષીઓ ઘાયલ થતાં હોય છે, જેથી અમે બે દિવસ પક્ષીઓની સારવાર માટે આ કેમ્પ રાખ્યો છે, જેમાં ઉત્તરાયણના દિવસે અંદાજે 155થી વધુ જેટલાં પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અલગ-અલગ વોલન્ટીર દ્વારા પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ કરીને એમને બચાવવામાં આવ્યાં હતાં. આ બે દિવસના કેમ્પ દરમિયાન 12 જેટલા ડોક્ટરો અને 85થી વધુ વોલન્ટીર સેવા આપે છે.

નરોડામાં NGO દ્વારા ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓનો સારવાર કેમ્પ યોજ્યો.

ફાયરબ્રિગેડે 35 પક્ષીનું રેસ્ક્યૂ કર્યું
અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ગઈકાલે ઉત્તરાયણના દિવસે 21 જેટલાં અને આજે સવારે 10 વાગ્યા સુધીમાં 14 જેટલાં એમ કુલ 35 જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ કરવામાં આવે છે. સરકારની એનિમલ હેલ્પલાઇન 1962 દ્વારા પણ અમદાવાદ શહેરમાં 132 જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ચાઈનીઝ દોરીએ અનેક પક્ષીઓની પાંખો કાપી હતી.

ચાઈનીઝ દોરીએ પક્ષીઓ ઘાયલ કર્યો
છેલ્લાં ઘણાં વર્ષોથી એનિમલ લાઈફ કેર સંસ્થા દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વિજય ડાભીનું કહેવું છે કે ઉત્તરાયણના દિવસે 17 જેટલા કોલ અમને મળ્યા હતા અને તેમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયાં હતાં. ચાઈનીઝ દોરીને કારણે પક્ષીઓ ઘાયલ થયાં છે. આરસી ટેક્નિકલ કોલેજ પાસેથી ચાઈનીઝ દોરીથી ઘાયલ થયેલા નકટો પક્ષીનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. નકટો પક્ષી ચાઈનીઝ દોરીને કારણે ખૂબ જ ગંભીર હાલતમાં ઘાયલ થયું હતું. એનિમલ લાઈફ કેરના વેટરિનરી ડોક્ટરે સારવાર આપીને વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરીથી પંતગ ચગાવવો જોઈએ નહીં. તમારી આજુબાજુ ક્યાં પણ દોરીના ગુચ્છા હોય, દોરી લટકતી હોય તો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અથવા નાશ કરવો જોઈએ છે. આવી દોરીમાં વધારે પક્ષીઓ ભરાય અને મૃત્યુ પામતાં હોય છે.

- Advertisement -
Exit mobile version