- બોપલના યુવક સહિત અન્ય કેટલાય રોકાણકારો સાથે છેતરપિંડી
અમદાવાદમાં પૈસાની સામે ઊંચું રોકાણ મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ 7 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ યુવકને ટેલિગ્રામ પર એક એપની ચેનલ દેખાઈ હતી, જેમાં મહિને 5થી 7 ટકા રિટર્ન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં યુવકને નફો બતાવાયો અને બાદમાં તેણે ધીમે ધીમે 7 લાખ રૂપિયા તેમાં નાખી દીધા, આખરે એપ જ બંધ થઈ ગઈ. હવે આ મામલે છેતરાયેલા યુવકે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
5થી 7 ટકા રિટર્નની લાલચથી લોકોને છેતર્યા
ઘટનાની વિગતો મુજબ, બોપલમાં રહેતા હિતેશ પટેલ ટેલિકોમ કંપની માટે ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ કરે છે. હિતેશે ટેલિગ્રામ એપ્લિકેશન પર માયટોકન એપ વિશે જાણ્યું હતું. આ એપ તેના ઈન્વેસ્ટર્સને મોટું રિટર્ન આપવાનો દાવો કરતી હતી. એપમાં મહિને 5થી 7 ટકા રિટર્ન મળતું હોવાના દાવાના કારણે તેમણે લાલચમાં આ એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી હતી.
યુવકે 7 લાખ રૂપિયા ગુમાવ્યા
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ હિતેશે ડિસેમ્બર 2021માં પહેલા 100 રૂપિયાનું રોકાણ કર્યું, જેની સામે એપ દ્વારા અઠવાડિયામાં જ તેનું પ્રોફિટ 90 રૂપિયા બતાવાયું. આથી એપ્લિકેશન પર વિશ્વાસ કરીને હિતેશ માર્ચ 2022માં 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 10 દિવસમાં જ તેને 60,000 રૂપિયાનો પ્રોફિટ બતાવાયો. આથી માર્ચમાં ફરી તેણે 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. પણ તેને આમાંથી એકપણ રૂપિયો પાછો ન મળતા આખરે તેણે એપના પ્રમોટર્સને ઈ-મેઈલ મોકલ્યો. જેમાં જવાબ મળ્યો કે કંપનીનું સર્વર ડાઉન છે એટલે પ્રોફિટ રોકાણકારોને ચૂકવી નહીં શકાય. આ બાદ 1 એપ્રિલે હિતેશને માલુમ પડ્યું કે એપ્લિકેશન બંધ થઈ ગઈ છે.
અન્ય લોકો પણ છેતરાયા
હિતેશે આ બાદ માય ટોકન એપની ટેલિગ્રામ ચેનલ ચેક કરતા અન્ય ઘણા રોકાણકારો દ્વારા પણ તેમની સાથે છગાઈ થઈ હોવાના મેસેજ કરવામાં આવ્યા હતા. આ બાદ 2 એપ્રિલે તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, આખરે આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે.
કોઈ એપમાં રોકાણ કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ?
- એપ્લિકેશનના ફાઉન્ડર વિશે માહિતી મેળવો
- એપ્લિકેશનની રજીસ્ટ્રેશનની વિગતો શોધો
- એપ વિશે અન્ય યુઝર્સના ઓનલાઈન રિવ્યૂ વાંચો
- ઓફિશિયલ વ્યક્તિ સાથે સંપર્કની માહિતી ચેક કરો
