શિક્ષણ વ્યવસ્થા જર્જરિત:ગોંડલના દેરડીકુંભાજીની સરકારી સ્કૂલમાં એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ શિક્ષક, ધો.1થી 8ના 68 વિદ્યાર્થીને બ્રેઇલ લિપિથી ભણાવવા મજબૂર

By Abhishek Raghuvanshi
4 Min Read
https://timenews.today/img/2022/06/My-Video12-3.mp4
  • ગોંડલના રાજવી ભગવતસિંહજીના સમયથી દેરડીકુંભાજી ગામની સરકારી પ્રાથમિક સ્કૂલ

દેવાંગ ભોજાણી, ગોંડલઃ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ ખાડે ગયું હોવાનું સામે આવ્યું છે. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે સરકારી પ્રાથમિક સ્કૂલમાં ધો.1થી 8ના 68 વિદ્યાર્થી વચ્ચે એકમાત્ર શિક્ષણ છે. આ સ્કૂલમાં શિક્ષક ગણો કે પ્રિન્સિપાલ એક જ છે. દેરડીકુંભાજી ગામની સરકારી પ્રાથમિક સ્કૂલ આમ તો ગોંડલના રાજા ભગવતસિંહજીના સમયથી છે, પરંતુ અત્યારે આ સ્કૂલની હાલત અત્યંત દયનીય છે.

એક જ શિક્ષકને લઈ વાલીઓમાં પણ રોષ
આ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 68 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. જોકે 68 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક જ શિક્ષક ધીરુભાઈ અભ્યાસ કરાવે છે અને તેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે. હાલ સ્કૂલમાં 5 શિક્ષકની જગ્યા ખાલી છે, પરંતુ છેલ્લા એક વર્ષથી આ જગ્યા પર શિક્ષકોની ભરતી ન કરાતાં ધીરુભાઈ પર સ્કૂલ આખીના વિદ્યાર્થીઓના અભ્યાસનો ભાર છે. આ અંગે વાલીઓએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમારી પરિસ્થિતિ સારી નથી, એટલે અમે ખાનગી સ્કૂલમાં અમારાં બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી, આથી અમારે સરકારી સ્કૂલમાં જ અમારાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છીએ.

દેરડીકુંભાજી ગોંડલ તાલુકાનું મોટું ગામ
દેરડીકુંભાજી ગોંડલ તાલુકાનું મોટું ગામ છે તેમજ આ ગામ ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. આસપાસના ગામમાં કેન્દ્રનું ગામ દેરડીકુંભાજી ગામ ગણાય છે, આથી જ આ ગામમાં રાજાશાહી વખતથી સ્કૂલ આવેલી છે. જોકે બદલાતા સમય સાથે અહીં શિક્ષણ સુધરવાને બદલે બગડી રહ્યું છે. 31મે 2021 સુધી અહીં સુધી શાળામાં પૂરતા શિક્ષકો હતા, પરંતુ ત્યાર બાદ એક શિક્ષક વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા, જ્યારે અન્ય શિક્ષકની બદલી થઈ, આથી અહીં માત્ર ધીરુભાઈ શિક્ષક તરીકે વધ્યા છે, જેમના શીરે તમામ ધોરણના અભ્યાસની જવાબદારી આવી છે.

ગામના સરપંચે ઉચ્ચકક્ષાએ અનેક વખત રજૂઆત કરી
ધીરુભાઈ બ્રેઇલ લિપિ પુસ્તકની મદદથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. પોતાના ગામમાં આવેલી સ્કૂલની ખરાબ પરિસ્થિતિથી ગામના સરપંચ શૈલેષભાઈ ખાતરા પણ ખૂબ ચિંતિત છે. આ અંગે શૈલેષભાઈએ જણાવ્યું હતું કે આ અંગે મેં અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે. જોકે આમ છતાં અહીં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ગામલોકોની પણ અનેક વખત ફરિયાદો આવે છે, પરંતુ સરકારમાંથી હજી સુધી ભરતી કરવામાં આવી નથી.

- Advertisement -

શિક્ષકોની ભરતી કરવા સરકારમાં દરખાસ્ત મૂકી છે
સ્કૂલમાં અભ્યાસ કરાવતા ધીરુભાઈ જાહોલિયાએ જણાવ્યું હતું કે હાલ દેરડીકુંભાજીમાં હું પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકની ફરજ નિભાવું છું. ધો.1થી 8માં 68 વિદ્યાર્થીની સંખ્યા છે. જેમ જેમ જૂના શિક્ષકો નિવૃત્ત થતા ગયા એને કારણે નવા શિક્ષકોની હજી ભરતી થઈ નથી. આ સ્કૂલમાં પ્રવાસી શિક્ષકો તરીકેની ભરતી થાય એની દરખાસ્ત સરકારમાં કરી છે. હું પ્રજ્ઞાચક્ષુ છું એટલે બ્રેઇલ લિપિના માધ્યમથી ધો.1થી 5ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપું છું. બાકીના ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવ્યા છે.

68 વિદ્યાર્થીની કમનસીબી કહો કે ભાગ્ય
શિક્ષણ એ દરેક વિદ્યાર્થીનો પ્રાથમિક અધિકાર છે, સારું શિક્ષણ આપવું એ સરકારની પણ ફરજ છે. દર વર્ષે શિક્ષણના નામે અનેક તાયફાઓ થાય છે. શિક્ષણ સુધારવા ગુલબાંગો પણ નેતાઓ દ્વારા પોકારવામાં આવે છે. જો સાચી મહેનતથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે તો ચોક્કસથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે, પરંતુ અહીંના વિદ્યાર્થીઓની કમનસીબી છે કે એક જ શિક્ષક પાસેથી શિક્ષણ મળી રહ્યું છે.અન્ય સમાચારો પણ છે…

Exit mobile version