- બિનઅનામત વર્ગ માટે રચાયેલાં બોર્ડ અને નિગમની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો
- સમગ્ર ગુજરાતની કડવા અને લેઉઆ પાટીદાર સંસ્થાઓના 18 પ્રમુખ બેઠકમાં હાજર
આજે સવારથી અમદાવાદના જાસપુર ખાતેના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક શરૂ થઈ છે, જેમાં બિનઅનામત આયોગ અને નિગમમાં સમાજના પેન્ડિંગ રહેલા પ્રશ્નોના નિકાલ અંગે તાજેતરમાં પીએસઆઈની ભરતીમાં બિનઅનામત વર્ગને થયેલા અન્યાય મુદ્દે, પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તથા સમાજની યુવતીઓના મરજી મુજબનાં લગ્નોમાં માતાપિતાની સંમતિ બાબતે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પાટીદારોના પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં પાટીદારો નારાજ થયા છે.
PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરાયું
પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાના હોદ્દેદારો ફરીવાર ભેગા થઈ મનોમંથન કરી રહ્યા છે. અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજની મહત્ત્વ અને સંસ્થાઓના ટ્રસ્ટીઓ પ્રમુખો સહિતના હોદ્દેદારોની મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે, જેમાં સમાજ તથા બિનઅનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા કરવામાં આવશે. આ બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે મુખ્યત્વે આ બેઠકમાં PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થયો છે, નિયમ પ્રમાણે કરવાનું હોય એ કરવું જ પડે, પરંતુ એમ નથી થયું. ઉપરાંત બિનઅનામત વર્ગના લોકો માટે રચવામાં આવેલાં બોર્ડ અને નિગમની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
આંદોલન સમયના કેસ હજી પાછા ખેંચાયા નથી
બોર્ડ અને નિગમમાં બરાબર કામગીરી નથી થઈ રહી, ચેરમેનની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહી છે, જેથી જ્યારે યુવાનો લોન માટેની કામગીરી માટે જાય છે ત્યારે તેમને નિરાશા સાંપડે છે અને કામ નથી થતું. ઉપરાંત ન માત્ર પાટીદાર સમાજ, પરંતુ અન્ય સમાજની દીકરીઓ પણ પોતાની રીતે લગ્ન કરે છે, ત્યારે બે કોઈપણ સાક્ષીઓની સહી કરીને લગ્ન કરાવી રહી છે, જેથી સમાજમાં રોષ છે, જેથી પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકેની સહી ફરજિયાત બનાવવામાં આવે, જેથી માતા-પિતા કે દીકરા-દીકરીઓ પરેશાન ન થવાનો વારો આવે, જેને લઈ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનો પર થયેલા કેસ હજુ નથી લેવામાં આવ્યા તેમને પરત લેવામાં આવે એ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં હાજર અગ્રણીઓ
- આર.પી.પટેલ, પ્રમુખ વિશ્વ ઉમિયાધામ
- વાલજીભાઈ શેટા, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
- જેરામભાઈ વાંસજાળિયા, પ્રમુખ, ઉમિયાધામ સિદસર
- રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નપૂર્ણધામ, ગાંધીનગર
- હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ
- પ્રહલાભાઈ પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
- વાડીભાઈ પટેલ, પ્રમુખ, ધરતી વિકાસ મંડળ
- જયંતીભાઈ લાકડાવાલા, ઉપપ્રમુખ, કચ્છ કડવા પાટીદાર
- મનીષભાઈ કાપડિયા, ટ્રસ્ટી, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
- ગોવિંદભાઈ વરમોરા, ઉપપ્રમુખ, ઉમિયાધામ સિદસર
- અબજીભાઈ કાનાણી, પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
- પ્રકાશભાઈ વરમોરા, પ્રમુખ, સુરેન્દ્રનગર સમસ્ત પાટીદાર સમાજ
- દીપક પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
- ડી.એન.ગોલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયાધામ
- કૌશિકભાઈ રાબડિયા, સગંઠન પ્રમુખ, ઉમિયાધામ સિદસર
