
અમરેલી જિલ્લામાં મધરાતે સિંહણે 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યાની રૂંવાડાં ઉભા કરતી ઘટના સામે આવી છે. પરપ્રાતિય પરિવાર વાડીમાં સુતો હતો ત્યારે અચાનક ચાર સિંહબાળ સાથે માનવભક્ષી સિંહણ આવી હતી અને આંખના પલકારામાં કિશોરને ઉઠાવી લીધો હતો. ડરી ગયેલા પરિવારે જાણ કરતા રાજુલા રેન્જના RFO, પોલીસ અને SRP જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે, રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા તૈયાર નહોતી ત્યારે JCBની મદદથી અડધા કલાક બાદ માંડ માંડ કિશોરના મૃતદેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો.
અચાનક સિંહણે હુમલો કર્યો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવડી ગામમાં પરપ્રાતિય પરિવાર ખેત મજૂરી કરવા અર્થે આવ્યો હતો. ગતરાત્રે વાડીમાં પરિવાર સુતો હતો ત્યારે શિકારની શોધમાં ચાર સિંહબાળ સાથે સિંહણ આવી હતી. સિંહણે આક્રમક રીતે 15 વર્ષીય રાહુલ સુમરસિંગ મસણીયા નામના કિશોરને ઉઠાવી લીધો હતો. પરિવારે કિશોરને છોડાવનાનો પ્રયત્ન કરતા સિંહણે પરિવાર પર પણ હુમલો કર્યો હતો, જેથી પરિવાર ડરનો માર્યો દુર ભાગી ગયો હતો અને વનવિભાગને જાણ કરી હતી. જોકે, વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર હોવાથી રાજુલા રેન્જના RFO યોગરાજ સિંહ, ટ્રેકરો, પોલીસ અને SRPના જવાનોની મદદ લઇને દોડી આવ્યા હતા.
માંડ માંડ મૃતદેહ છોડાવ્યો
રાજુલા રેન્જના RFOનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે સિંહણ કિશોરને ચૂંથી રહી હતી. જેમણે છોડાવવાનો પ્રયત્ન કરતા તેમના પર પણ સિંહણે હુમલો કર્યો હતો. જેથી ગામમાંથી JCB બોલાવી તેની આડમાં અડધા કલાકની મહેનત બાદ કિશોરના મૃતદેહને માંડ માંડ છોડાવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી સિંહણને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.
વહેલી સવારે સિંહણ પાંજરે પુરાઇ
સિંહણને પાંજરે પુરવાના ઓપરેશનમાં વહેલી સવારે સફળતા મળી હતી. જેમાં સિંહણ અને ચાર સિંહબાળને પાંજરે પુરી રાજુલા રેન્જના RFO યોગરાજ સિંહે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ઘટનાથી રાજુલા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
