બે વર્ષ બાદ વિદ્યાર્થીઓના કિલકિલાટથી પ્રી પ્રાયમરી શાળાઓ ગૂંજી, કેટલાક બાળકો રડતા હતાં તો કેટલાકમાં ઉત્સાહ હતો

By Abhishek Raghuvanshi
4 Min Read
રાજકોટમાં પણ બાળકો ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યાં
  • આજથી બાળમંદિર અને પ્રી-પ્રાઇમરીના વર્ગો ઓફલાઈન શરૂ થયા
  • સ્કૂલ કેમ્પસમાં બાળકોએ રમતના સાધનોથી રમવાની મજા માણી
  • શિક્ષકોએ કાર્ટૂન બનીને બાળકોને મનોરંજન કરાવ્યું

માર્ચ 2020થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.આજથી રાજ્યભરમાં પ્રિ પ્રાયમરી સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે ચાર મુખ્ય શહેરોની વાત કરીએ તો તમામ સ્કૂલોમાં આજે બાળકો ઉત્સાહભેર આવ્યાં હતાં. આજે સ્કૂલમાં પ્રથમ દિવસ હોવાથી તેમને સ્કૂલમાં મૂકવા માટે આવેલી માતાનો તેઓ હાથ છોડતા નહોતા. તેમને સ્કૂલોના કેર ટેકર સ્કૂલની અંદર લઈ જતાં તેઓ રડતા હતાં તેમજ કેટલાક બાળકોતો આનંદ અને ઉત્સાહથી સ્કૂલમાં ગયાં હતાં. સ્કૂલ કેમ્પસમાં તેમણે રમતના સાધનોથી રમવાની મજા માણી હતી. બાળકોના આનંદ માટે શિક્ષકો જાતે કાર્ટુંન બન્યાં હતાં.

અમદાવાદમાં બાળકોએ સ્કૂલમાં રમતની મજા માણી

અમદાવાદમાં બાળકોને તિલક કરીને ચોકલેટ આપી
અમદાવાદના રીંગ રોડ પર આવેલ એપોલો કિડ્સ સ્કૂલના આચાર્ય પૂજા શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘આ દિવસની ક્યારના રાહ જોઈ રહ્યા, હતા કારણ કે તેમની શાળા વર્ષ 2020માં બનીને તૈયાર હતી, પરંતુ કોરોનાના કારણે બે વર્ષ શાળા બંધ રહી, જેથી તેમના માટે આજના દિવસે ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ શાળા માટે પણ પહેલો છે અને શાળાની શરૂઆત થઈ છે.અત્યાર સુધી માત્ર ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પરના પ્રતિભાવ જ કંઈક અલગ હતો. શાળાએ પહોંચતા જ તેમના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. શાળા કેમ્પસમાં રમત-ગમતના સાધનો અને ગાર્ડનમાં રમવાની મજા પણ માણી હતી.

સુરતમાં બાળકોને કુમ કુમ પગલાં કરાવીને સ્કૂલમાં પ્રવેશ અપાયો

સુરતમાં શિક્ષકોએ કાર્ટૂન બનીને બાળકોને મનોરંજન કરાવ્યું
સુરત શહેરની 400 પ્રિ-પ્રાઇમરી સ્કૂલોમાં 75 ટકા વાલીઓએ પોતાના બાળકોને મોકલવા માટે સંમતિ આપી છે. આજે બાળકો સ્કૂલે પહોંચતાં જ ટાબરિયાઓના કંકુ પગલાં કરાવાયા હતાં.શાળાઓમાં શિક્ષકોએ કાર્ટૂન બનીને બાળકોને મનોરંજન કરાવ્યું હતું. પહેલાં દિવસે બાળકો રડે નહીં અને સ્કૂલે આવતા થાય તે માટે અમે શિક્ષકો કાર્ટુન બન્યા હતાં. બગીઓ પણ બોલાવી હતી, જેમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત રમકડાં, રમત ગમતનાં સાધનો પણ મૂકાયા હતા. બાળકો કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે શિક્ષકોને ફરજિયાત ક્લાસમાં ઊભા રાખવામાં આવ્યા છે. પહેલા દિવસે માત્ર ને માત્ર તેમને જે કરવું હોય તે કરવા દેશું. એટલે કે, બિલકુલ ભણાવવામાં આવ્યા નથી.

રાજકોટમાં પ્રથમ દિવસે કેટલાક બાળકો હસતા તો કેટલાક રડતા જોવા મળ્યા
આજથી રાજકોટ પ્રથમ દિવસે ભૂલકાઓની સંખ્યા 50 ટકાથી પણ ઓછી જોવા મળી હતી. કેટલાક બાળકો પ્રથમ દિવસે હસતા તો કેટલાક રડતા જોવા મળ્યા હતા.બાળકોને પ્રવેશ આપતા સમયે હેન્ડ સેનેટાઇઝ કરાવવામાં આવતા હોવાનું નજરે પડ્યું હતું. રાજકોટ શહેરમાં 344 આંગણવાડી કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતી. જે હવે આજથી શરુ કરવામાં આવી છે જેમાં અંદાજીત 20 હજારથી વધુ બાળકો સમાવેશ થાય છે. જયારે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 1326 આંગણવાડી છે કે જ્યાં અંદાજે 1 લાખ જેટલા બાળકો સમાવેશ થાય છે. આજથી ભૂલકાઓનું આગમન થતા આંગણવાડીની સાફ સફાઈ કરી અને બાળકો માટેનું ભોજન પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -
વડોદરામાં બાળકોને આંગણવાડીમાં આવવાનો ઉત્સાહ તેમના ચહેરા પર દેખાતો હતો

વડોદરામાં બાળગીતો ગવડાવ્યા તો બાળકો ખુશ થયાં
કોરોનાની ત્રીજી લહેર અંત તરફ છે ત્યારે આજથી રાજ્યમાં આંગણવાડીઓમાં બાળકો માટે ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરામાં પ્રથમ દિવસે જ આંગણવાડીમાં આવેલ કોઇક બાળક રડી પડ્યા હતા તો કેટલાક શિક્ષકો દ્વારા ગવડાવામાં આવતા બાળગીતો સાથે ઝૂમતા નજર આવ્યા હતાં. તો કેટલાક હિંચકે ઝૂલતા અને સ્લાઇડિંગ કરતા પણ નજરે પડ્યા હતાં. આ બાળકોને આંગણવાડીમાં આવવાનો અનેરો ઉત્સાહ તેમના ચહેરા પર નજરે પડતો હતો.

Exit mobile version