સરકારે તો નિયંત્રણો જાહેર કરી દીધાં છે, પરંતુ એનું પાલન કરાવવાની જવાબદારી હવે સ્થાનિક તંત્રની છે, એમાં પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે. જે-તે શહેરમાં કોરોનાના કેસ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવું પડશે. એટલું જ નહીં, જો સ્થિતિ વણસે તો મ્યુનિસિપલ કમિશનર, પ્રભારી સચિવ અને કલેક્ટરે નિયંત્રણો વધુ કડક કરી શકે છે, જેમાં વીકેન્ડ કર્ફ્યૂ, બજારો, ચાની કીટલી, પાનના ગલ્લા, મોલ, કોમ્પ્લેક્સ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરાવી શકે છે. સરકારે ભલે 15 જાન્યુઆરી સુધીનાં નિયંત્રણો જાહેર કર્યાં છે, પરંતુ સ્થાનિક તંત્ર એ સિવાયનાં નિયંત્રણો લાગુ કરી શકે છે.
7 જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતાં કહ્યું હતું કે જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી હતી. એટલું જ નહિ, સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.
ગુજરાત હાઇકોર્ટના 40 કર્મચારી કોરોના પોઝિટિવ
ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે. હાઇકોર્ટ સ્ટાફના 40થી વધુ કર્મીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે સરકારી વકીલોની કચેરીમાં પણ 3 વકીલ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ સિવિલના 9 ડોક્ટર સહિત 10 કોરોના પોઝિટિવ આવ્યા છે.
10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. નવાં નિયંત્રણો જાહેર કરવાને લઈ 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે
ત્રીજી લહેર માટે 20 નવાં નિયંત્રણો
સરકારે ત્રીજી લહેર માટે 20 નવાં નિયંત્રણો મૂક્યાં છે, જેમાં રાત્રિ કર્ફ્યૂવાળાં 10 શહેરમાં ત્રણ નિયંત્રણ, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય 17 નિયંત્રણ છે. 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ, દુકાનો-લારી ગલ્લાઓ, હોટલ-રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગ, અંતિમક્રિયા-દફનવિધિ, પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, સિનેમા હોલ, જિમ, વોટરપાર્ક-સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ-મનોરંજક સ્થળો, જાહેર બાગ બગીચાઓ, ધોરણ 9થી ગ્રેજ્યુએટ સુધીનાં કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજ, સ્પર્ધાત્મક-ભરતી પરીક્ષાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં નિયંત્રણો લાદ્યાં છે.
રાજ્યમાં 1 જાન્યુ.થી નોંધાયેલાં કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ
| તારીખ | કેસ | ડિસ્ચાર્જ | મોત |
| 1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
| 2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
| 3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
| 4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
| 5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
| 6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
| 7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
| કુલ | 18500 | 2859 | 10 |
