- વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું, ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું
- જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ ચાલશે ત્યાં સુધી EDની ઓફિસ પર ધરણાં ચાલુ રાખશે
આજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. એને લઇને અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ધરણાં કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અમદાવાદમાં GMDC કન્વેન્શન હોલમાં પહોંચી ગયા છે. કોંગ્રેસના કાર્યકરોથી હોલ હાઉસફુલ થઈ ગયો છે. હવે કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં મેમનગર સ્થિત EDની કચેરી ખાતે કૂચ કરી રહ્યાં છે.
પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નખાઈ રહ્યો છે. અમિત ચાવડાએ ચીમકી આપતાં કહ્યું હતું કે ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અધિકારીઓને જોઈ લઈશું. હાલમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શનમાં રાહુલ ગાંધી ED ઓફિસ જતાનાં લાઈવ દૃશ્યો બતાવવામા આવ્યાં છે. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે.
જગદીશ ઠાકોરે કહ્યું, વિના પરવાનગીએ પણ વિરોધ કરાશે
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ પર ધરણાં કાર્યક્રમ માટે પહોંચ્યા છે, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ અહિંસક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ જો પરવાનગી નહીં આપવામાં આવે તોપણ તેઓ ભાજપ સામે પરવાનગી વિના વિરોધ કરશે.કોંગ્રેસના કાર્યકરોએ સામી છાતીએ ગોળી ખાધી છે. આઝાદી સમયે ફાંસીના ફંદાને પણ ચુંબન કરી ફાંસીએ ચડ્યાં છે.GMDC ખાતે ધરણાં કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. એટલું જ નહીં, પરંતુ જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે તેના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ભાજપના નેતાઓ પરાણે વલ્લભભાઈને સરદાર સાહેબ કહે છે, કેમ કે સરદાર સાહેબ ન કહે તો પાટીદાર સમાજ નારાજ થઇ જાય.
પ્રામાણિક અધિકારીઓને પણ સાઈડલાઈન કરાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન અને નવા નિમાયેલા NSUIના પ્રમુખ પોતાના સમર્થકો સાથે ધરણાંના કાર્યક્રમમાં પહોંચ્યા છે. શહેઝાદ ખાન અને નરેન્દ્ર સોલંકી બંને નેતાઓએ પોતાના કાર્યકર્તાઓ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં.કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નંખાઈ રહ્યો છે.અમિત ચાવડાએ અધિકારીઓને ચીમકી આપી હતી કે, ભાજપના રાજકીય એજન્ડા પૂરા કરવા અધિકારીઓ હાથો ના બને, અધિકારીઓ કોંગ્રેસના નેતા-કાર્યકરોને ખોટી રીતે કનડવાનું બંધ કરે, અધિકારીઓ સમજી જાય કે કોઈપણ સરકાર કાયમી નથી, ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે આ અધિકારીઓને ધ્યાને રાખીશું
કોંગ્રેસના નેતાઓ અમદાવાદની ઇડીની ઓફિસે કૂચ કરશે
વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રવિવારે પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સવારે 9 વાગ્યે અમદાવાદ ખાતે એકત્ર થઇ અમદાવાદ સ્થિત EDની ઓફિસે કૂચ કરી જશે. જ્યાં સુધી દિલ્હી ખાતે ઇડીની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરવા રોકવામાં આવશે ત્યાં સુધી ગુજરાતમાં પણ EDની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં ધરણા થશે
તેમણે ઉમેર્યું હતું કે, જો રાહુલ ગાંધીની દિલ્હી ખાતે 24 કલાક પૂછપરછ ચાલે કે એક મહિના સુધી ચાલે. જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ ચાલશે કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં EDની ઓફિસ પર ધરણા જારી રાખશે. આ ધરણા દેશભરમાં થશે.
