કેડ ભાંગી નાખે તેવા રસ્તાઓ:વલસાડ જિલ્લાના હાઈવે પર ભારે વરસાદના કારણે માર્ગો મગરની પીઠ સમાન બન્યા, તસવીરો વાયરલ થતાં દિલ્હીના અધિકારીઓ જાગ્યા

By Abhishek Raghuvanshi
2 Min Read
  • વહેલી તકે બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા સૂચના અપાઇ

લસાડ જિલ્લાના વાપીથી ધરમપુર તરફના તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે નંબર 56ની દુર્દશાના મીડિયામાં આવેલા અહેવાલો બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી.

અધિકારીએ હાઇવેની મરામત કરવા સૂચના આપી
વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. એમાં પણ વાપીથી સેલવાસ તરફ અને વાપી-ચણોદથી ધરમપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 56ના ખાડાઓની તસવીરો મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ દિલ્હીના અધિકારીઓ જાગ્યા છે. મંગળવારે વાપીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે મુલાકાત લીધી હતી. રિજનલ ઓફિસરે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રોડ પર પડેલા મસમોટા ખાડાઓનું નિરીક્ષણ કરી PWD સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. અધિકારીએ તાબડતોબ હાઇવે પર પડેલા ખાડાઓની મરામત કરવાની સૂચના આપી હતી.

બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાયું
વાપીમાં ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો હવાલો સંભાળતા રિજનલ ઓફિસરની મુલાકાત બાદ તાબડતોબ ખાડાઓની મરામત કામગીરી હાથ ધરી હતી. PWD વિભાગે વાપી દમણને જોડતા માર્ગ પર JCB દ્વારા રોડનું લેવલ કરી બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ વાપી ચાર રસ્તાથી સેલવાસ તરફ ચણોદ ખાતે તેમજ ચણોદથી કરવડ ધરમપુર તરફના બિસ્માર બનેલા માર્ગનું પણ સમારકામ હાથ ધર્યું હતું.

હાઇવે નંબર 56 ખૂબ જ ખરાબ
વલસાડ ખાતે આવેલી NHIBની ટીમે વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા અને અકસ્માતોને લઈને થયેલા મોતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધારે પડેલા વરસાદને લઈને હાઇવેને રસ્તાનું ધોવાન થતું હોવાનું અધિકારીઓ પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. હાલ JCB અને શ્રમિકોની મદદ વડે ખાડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાપીથી સેલવાસ તરફ અને ચણોદથી ધરમપુર-નાસિક તરફનો નેશનલ હાઇવે નંબર 56 ખૂબ જ ખરાબ થયો છે. એમાં પણ વાપીના ચણોદથી કરવડ સુધીનો માર્ગ દર વર્ષે ખાડા માર્ગ બનતો હોય તેને ફોરલેન બનાવવાની મંજૂરી મળી છે.

- Advertisement -
Exit mobile version