એ બધું જ જે તમારે મેટ્રો વિશે જાણવું છે:વસ્ત્રાલ-થલતેજમાં 40 મિનિટ, APMC-મોટેરા આવતા 47 મિનિટ બચશે; રૂ. 70નું પેટ્રોલ બચશે, સિગ્નલોથી છુટકારો

By Abhishek Raghuvanshi
12 Min Read
  • 40 મિનિટ, રૂ.40 બચે, 19 સિગ્નલ નહીં નડે
  • 47 મિનિટ, રૂ.45 બચે, 12 સિગ્નલ નહીં નડે
  • ટૂ-વ્હીલર પર વસ્ત્રાલથી થલતેજ જવામાં 5.5 કિમી, એપીએમસીથી મોટેરા જવામાં 7 કિમી વધી જાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમદાવાદ મેટ્રોનું લોકાર્પણ કરશે. મેટ્રો શહેરની ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા હલ કરી શકે છે. ‘દિવ્ય ભાસ્કર’એ કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ટૂ-વ્હીલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની બચત થાય છે. જ્યારે ખિસ્સાને પણ 35થી 45 રૂપિયા સુધીની બચત થાય છે. વધારામાં ટુ-વ્હિલરની સરખામણીએ મેટ્રોની મુસાફરી તડકો કે વરસાદથી બચાવે છે અને ધૂળ-ધુમાડાથી થતાં હવાના પ્રદૂષણમાંથી પણ છુટકારો મળી શકે છે. અમદાવાદીઓ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, ટુ-વ્હિલર પર એક સ્થળેથી બીજે સ્થળે જવામાં નડતા ટ્રાફિક સિગ્નલમાંથી મેટ્રો મુક્તિ અપાવશે.

મારી મેટ્રો, એ બધું જ જે મારે જાણવું જોઈએ

દરેક મેટ્રોમાં કેટલા કોચ હશે અને એક કોચમાં કેટલા લોકો મુસાફરી કરી શકશે?
દરેક મેટ્રોમાં 3 કોચ રહેશે. એક કોચમાં 280થી 300 લોકો મુસાફરી કરી શકશે. પ્રત્યેક કોચની બંને બાજુએ આપેલી સીટમાં 40થી 50 લોકો સરળતાથી બેસી શકશે.
પ્રત્યેક કોચમાં કેટલા પેસેન્જર બેસીને અને કેટલા ઊભા રહીને જઈ શકશે?
મેટ્રો ટ્રેનના એક કોચમાં 40થી 50 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અંદાજે 250 લોકો ઊભા રહી શકશે. આમ એક ટ્રેનમાં લગભગ 900 લોકો મુસાફરી કરી શકશે.
એકથી બીજા મેટ્રો સ્ટેશન સુધી ટ્રાવેલ કરવામાં કેટલો સમય લાગી શકે છે?
એક સ્ટેશનેથી બીજા મેટ્રો સ્ટેશન સુધી પહોંચવામાં ટ્રેનને માંડ 2થી 3 મિનિટનો સમય લાગશે. વસ્ત્રાલથી થલતેજ વચ્ચે 17, એપીએમસીથી મોટેરા વચ્ચે 15 સ્ટેશન આવે છે.
વસ્ત્રાલથી થલતેજ, APMCથી મોટેરાનું ભાડું કેટલું હશે?, પાસ સિસ્ટમ હશે?
બંને રૂટ પર મિનિમમ રૂ.5થી શરૂ કરી મહત્તમ રૂ.25 સુધી ભાડું રાખવામાં આવ્યું છે. વિકલી કે મંથલી પાસ સિસ્ટમ અંગે હજુ સુધી મેટ્રો સત્તાવાળાએ કોઈ નિર્ણય કર્યો નથી.
ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ કે સ્માર્ટ કાર્ડની કોઈ સુવિધા મળી રહેશે ખરી?
મેટ્રોનું સ્ટોર વેલ્યુ કાર્ડ છે. જે રૂ.50 ડિપોઝિટ ભરીને લઈ શકાય છે. આ પ્રિ-પેઈડ કાર્ડ જેવું છે જે રૂ.50થી રિચાર્જ કરાવી શકાય છે. આ કાર્ડથી દરેક ટ્રિપ પર ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટ છે.
મેટ્રો સ્ટેશન નજીક બીઆરટીએસ, AMTSનું સ્ટેશન ઉપલબ્ધ છે?
કનેક્ટિવિટી માટે મોટાભાગના મેટ્રો સ્ટેશન નજીક બીઆરટીએસ કે એએમટીએસનું બસ સ્ટેશન હશે. કાળુપુર સ્ટેશનેથી આવતી-જતી અન્ય ટ્રેન તેમજ સિટી બસ સરળતાથી મળી રહેશે.
સવારે પહેલી મેટ્રો ક્યારે ઉપડશે, રાત્રે છેલ્લી મેટ્રો કેટલા વાગ્યા સુધી મળશે?
બંને કોરિડોરમાં પહેલી મેટ્રો સવારે 9 વાગ્યાથી ઉપડશે, અને રાત્રે છેલ્લી ટ્રિપ 8 વાગ્યાની રહેશે.
કેટલા સમયના અંતરે મેટ્રોની ફ્રિકવન્સી હશે, વીકેન્ડમાં કોઈ ફેરફાર હશે?
શરૂઆતના તબક્કામાં દર 30 મિનિટે મેટ્રોની ફ્રિકવન્સી મળી રહેશે. જો કે, તબક્કાવાર તેનો રિવ્યૂ કરાશે. જો વધુ મુસાફરો મળી રહેશે તો તે મુજબ ફ્રિકવન્સીમાં વધારો-ઘટાડો કરાશે.
મેટ્રો સ્ટેશનેથી ટિકિટ લઈને ટ્રેનમાં બેસવા સુધીની પ્રક્રિયા કેવી હશે?
દરેક મેટ્રો સ્ટેશનના બંને છેડે ત્રણ-ત્રણ ટિકિટ બારી, બે-બે ટિકિટ વેન્ડિંગ મશીન હશે. ટિકિટ લીધા પછી પ્લેટફોર્મ પર પહોંચી શકાશે. ટ્રેનમાંથી ઉતર્યા પછી સ્ટેશનના બંને છેડે મૂકેલા ઓટોમેટિક ફેર કલેક્શન ગેટમાંથી પસાર થવાનું રહેશે.
મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની કોઈ વ્યવસ્થા છે, જો હોય તો ચાર્જ કેટલો?
વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ ખાતે પાર્કિંગ સુવિધા મળી રહેશે. મ્યુનિ.ની મદદથી દરેક સ્ટેશનની આસપાસ જમીન મેળવી પાર્કિંગ માટેની સુવિધા શરૂ કરવાની યોજના છે. પાર્કિંગ ચાર્જ અંગે હાલ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ બે કોરિડોર છે? સ્ટેશન ઈન્ટરચેન્જ ક્યાંથી થશે?
વસ્ત્રાલથી થલતેજ રૂટમાં બેઠેલા પેસેન્જરે ધારો કે મોટેરા જવું છે તો તેણે સૌથી પહેલાં ઈન્કમટેક્સ જૂની હાઈકોર્ટ સ્ટેશને ઉતરવું પડશે અને અહીંથી મોટેરા કોરિડોર માટે મેટ્રો પકડવી પડશે.
વિદ્યાર્થીઓ, દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝન માટે કન્સેશન રખાયું છે?
ના, કન્સેશન અંગે અત્યારે તો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ દિવ્યાંગો વ્હીલચેર સાથે જ મેટ્રોમાં મુસાફરી કરી શકે તે માટે પ્રત્યેક કોચમાં અલગ જગ્યા ફાળવવામાં આવી છે.
મેટ્રોની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાય?, કોઈ હેલ્પલાઈન છે?
હાલ પૂરતું મેટ્રોની ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની કોઈ વ્યવસ્થા નથી. તમારે સ્ટેશન પર ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પરથી જ ટિકિટ લેવી પડશે. હેલ્પલાઈન અંગે હાલ નંબર નથી.
દરેક સ્ટેશન પર સલામતી માટે કઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે?
સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર (PSD) છે. જે ટ્રેન આવે ત્યારે જ ખૂલશે. દરેક કોચમાં એલાર્મ, એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી, દરવાજા ખૂલે અને બંધ થાય ત્યારે એલાર્મ, સ્મોક અને ફાયર ડિટેક્ટરની સુવિધા ગોઠવી દેવામાં આવી છે.
મેટ્રોમાં મુસાફરી માટે અગાઉથી રિઝર્વેશન કરાવવું હોય તો કોઈ વ્યવસ્થા છે ખરી?
અમદાવાદ મેટ્રોમાં એડવાન્સ રિઝર્વેશનની કોઈ વ્યવસ્થા નથી. પ્રત્યેક કોચમાં વહેલા તે પહેલાના ધોરણે બેસી શકાશે. ત્યારબાદ તમામ પેસેન્જરે કોચમાં ઊભા રહીને જ મુસાફરી કરવાની રહેશે.
મેટ્રો સ્ટેશન પર પીવાના પાણી, ચા-કોફી, રિફ્રેશમેન્ટ કે નાસ્તા માટેના સ્ટોલ હશે ખરા?
પ્રત્યેક સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા છે. ચા-નાસ્તો, રિફ્રેશમેન્ટ તેમજ પેકેજ્ડ નાસ્તા માટે કેટલાક સ્ટેશનો પર સ્ટોલની વ્યવસ્થા આગામી સમયમાં કરવાની મેટ્રો ઓથોરિટીની યોજના છે.
ટ્રેનમાં ટિકિટ ચેકિંગ માટે સ્ટાફ હશે, ફેરિયાઓને કોચમાં પ્રવેશ મળશે?
તમામ સ્ટેશન પર ઓટોમેટિક ફેર કલેક્શન ડોર હોવાથી ટિકિટ ચેકરની જરૂર નથી. ટિકિટ સ્કેન થાય પછી જ પેસેન્જર ટ્રેનમાં પ્રવેશી શકશે.ટ્રેનમાં કોઈપણ ફેરિયાને પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી.
મેટ્રોમાં કેટલા કિલો સુધી વજન કે લગેજ લઈ જવાની મંજૂરી છે? પેટ લઈ જઈ શકાશે?
પ્રત્યેક મુસાફર મહત્તમ 25 કિલો સુધીનું વજન લઈ જઈ શકશે. તેનાથી વધુ વજન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ પેસેન્જર પાલતુ પ્રાણીને સાથે રાખીને મુસાફરી કરી શકશે નહીં.
જો ટિકિટ ના લીધી હોય કે નિયત સ્ટેશન ચૂકી જવામાં આવે તો કેટલી પેનલ્ટી લાગે?
સ્ટેશનના પેઈડ એરિયામાં ટિકિટ વગર અથવા ટિકિટના નિર્ધારિત સમયથી વધુ સમય હાજર રહે તો રૂ.50થી રૂ.200 સુધી દંડ થશે. જો કોઈ પેસેન્જર ટિકિટમાં દર્શાવેલા સ્ટેશનથી આગળના સ્ટેશન સુધી મુસાફરી કરે તો ગેટ ખૂલશે જ નહીં. તેણે ફરીથી આ સ્ટેશનેથી આગળના સ્ટેશનની ટિકિટ લેવી પડશે.
અમદાવાદ બહારથી આવતા લોકોને કયા સ્ટેશન પરથી મેટ્રોની સેવા મળી રહેશે?
ઉત્તર ગુજરાતથી આવતા લોકોને મોટેરા, સાબરમતી, રાણીપ. દક્ષિણ -મધ્ય ગુજરાતથી આવતા લોકોને વસ્ત્રાલ, સૌરાષ્ટ્રથી આવતા લોકોને થલતેજ તેમજ એપીએમસી સ્ટેશનથી મેટ્રો મળી રહેશે.
કેટલી વય સુધીનાં બાળકોએ મેટ્રોમાં મુસાફરી માટે ટિકિટ નહીં લેવી પડે?
90 મીટરથી ઓછી હાઈટવાળા એટલે કે 3 ફૂટથી ઓછી હાઈટવાળા બાળકોને ટિકિટ લેવી પડશે નહીં. અન્ય તમામને ટિકિટ લેવાની રહેશે.
કાળુપુર મેટ્રો સ્ટેશને ઉતર્યા પછી રેલવે સ્ટેશન જવા વોક-વે કે અન્ય વ્યવસ્થા છે?
કાળુપુર મેટ્રો સ્ટેશને અંડરગ્રાઉન્ડ વોક-વે પેસેજ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ પેસેજની ઉપર બુલેટ ટ્રેનનું એલિવેટેડ સ્ટેશન તૈયાર થઈ રહ્યું હોવાથી તેનું કામ પૂરું ન થાય ત્યાં સુધી આ વોક-વેનો ઉપયોગ કરી શકાશે. આ કામ પૂરું થવામાં 2થી 3 વર્ષ લાગી શકે છે. હાલમાં કાળુપુર મેટ્રો સ્ટેશને ઉતર્યા પછી રેલવે સ્ટેશને આવવા માટે નજીકમાં બનાવેલા ફૂટઓવર બ્રિજથી રેલવે સ્ટેશન જઈ શકાશે.
નોંધ : મેટ્રો અંગે વાચકો જે જાણવા માગે છે તેના જવાબ મેટ્રો ઓથોરિટીએ કરેલા ખુલાસાને આધારે છે.

5.5 કિલોમીટરનું અંતર ઘટી જાય
ટુ-વ્હિલર અને મેટ્રો ટ્રેનમાં મુસાફરીથી સમય, ખિસ્સાને થતી બચત અને ટ્રાફિકના અવરોધ અંગે કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટનાં તારણો અત્યંત રસપ્રદ છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ટુ-વ્હિલર પર 26.5 કિલોમીટરનું અંતર થાય છે. પરંતુ મેટ્રોમાં માત્ર 21 કિલોમીટરનું અંતર થાય છે. અર્થાત્ ટુ-વ્હિલર પર લગભગ 5.5 કિલોમીટરનું અંતર ઘટી જાય છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ટુ-વ્હિલર પર સવારે 9 વાગ્યે શરૂઆત કરવામાં આવી હતી અને પહોંચવામાં 1.15 કલાક (75 મિનિટ) લાગી હતી.

- Advertisement -

અંડરગ્રાઉન્ડ હોવાથી એકપણ ટ્રાફિક સિગ્નલ નડતું નથી
પરંતુ મેટ્રોમાં આ સફર માત્ર 35 મિનિટમાં પૂરી થઈ જાય છે. કારણ કે મેટ્રો એલિવેટેડ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ હોવાથી એકપણ ટ્રાફિક સિગ્નલ નડતું નથી. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ટુ-વ્હિલર પર જઈએ તો 19 સિગ્નલ આવે છે. દરેક સિગ્નલ પર સરેરાશ 50 સેકન્ડ ઊભા રહેવું પડે છે. તેમાં પણ સૌથી વધારે ટ્રાફિક કાલુપુર અને ઈન્કમટેક્સ પાસે નડે છે. 19 સિગ્નલ પર સરેરાશ 10 મિનિટ ઊભા રહેવું પડ્યું હતું. આ 21 કિલોમીટરનું અંતર ટુ-વ્હિલર પર કાપતાં લગભગ રૂ.65નું પેટ્રોલ થયું હતું. જ્યારે મેટ્રો માત્ર રૂ.25ના ભાડાંમાં પહોંચાડે છે. અર્થાત્ રૂ.40ની બચત થાય છે.
મેટ્રોમાં મુસાફરીથી 7 કિલોમીટરનું અંતર ઘટી જાય
નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના 18.52 કિલોમીટરના રૂટ પર ટુ-વ્હિલર પર સાંજે 6 વાગ્યે પીકઅવર્સમાં મુસાફરી કરવામાં આવી હતી.મેટ્રોનો આ રૂટ માત્ર 18.52 કિલોમીટરનો છે. જ્યારે ટુ-વ્હિલર પર 26 કિલોમીટર થાય છે. અર્થાત્ મેટ્રોમાં મુસાફરીથી 7 કિલોમીટરનું અંતર ઘટી જાય છે. એપીએમસીથી મોટેરા પહોંચવામાં 1.17 કલાક (77 મિનિટ) લાગી હતી. પરંતુ મેટ્રો માત્ર 25થી 30 મિનિટમાં પહોંચાડી શકે છે. અર્થાત્ સમયમાં પણ 47 મિનિટ સુધીની બચત થાય છે. એપીએમસીથી મોટેરાના રૂટ પર 12 ટ્રાફિક સિગ્નલ આવે છે. એક સિગ્નલ પર સરેરાશ 60થી 70 સેકન્ડ ઉભા રહેવું પડે છે અને રૂ.70નું પેટ્રોલ બળે છે. પરંતુ મેટ્રોને કોઈ સિગ્નલ નડતું નથી અને મુસાફરી પણ માત્ર રૂ.25માં પૂરી થઈ જાય છે. એટલે ખિસ્સાને પણ રૂ.45ની બચત થાય છે. ટુ-વ્હિલર પર આ 26 કિલોમીટરનું અંતર કાપતી વખતે 12 સિગ્નલ પર 14થી 15 મિનિટ ઊભા રહેવું પડ્યું હતું. મેટ્રોને આ પ્રકારે ટ્રાફિક સિગ્નલ કે અન્ય કોઈ અવરોધ નડતો નથી.

મેટ્રો સ્ટેશનના 50 મીટરથી માંડી 2 કિમીમાં BRTS-AMTS મળશે

શુક્રવારથી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રોના બંને કોરિડોર લોકાર્પણ કરાશે. જોકે બંને રૂટ પરના એકપણ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા હાલમાં નથી. જેથી શરૂઆતના તબક્કે લોકોને તકલીફ પડી શકે છે. જોકે આગામી દિવસોમાં મ્યુનિ. અને મેટ્રો રેલ વચ્ચે આ અંગે મીટિંગ થવાની હોવાનું અધિકારીઓનું કહેવું છે અને જે જે સ્ટેશનની નજીકમાં પાર્કિંગ પ્લોટ માટે જગ્યા મળી શકે તેવી છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે. દરેક મેટ્રો સ્ટેશનથી ફિડર બસ તરીકે એએમટીએસ અને બીઆરટીએસ 50 મીટરથી 2 કિમીના અંતરમાં મળી શકે છે. જોકે અમુક સ્ટેશન એવા છે જ્યાં કોઈપણ પ્રકારની ફિડર બસ સેવા ઉપલબ્ધ નથી. આ અંગે પણ મ્યુનિ. અને મેટ્રો રેલ વચ્ચે બેઠક થવાની હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.ના જનમિત્ર કાર્ડ પણ મેટ્રોમાં ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન હોવાનું મ્યુનિ. અધિકારીઓનું કહેવું છે.

2014માં DPRને મંજૂરી
2005 : અમદાવાદમાં મેટ્રો ટ્રેન માટે સૌપ્રથમ ડીપીઆર તૈયાર કરાયો હતો. જેને કેન્દ્ર સરકારે નામંજૂર કર્યો હતો.
2014 : રાજ્ય સરકારે નવેસરથી ડીપીઆર રજૂ કરતાં કેન્દ્ર સરકારે તે જ વર્ષે 19 ઓક્ટોબરે મંજૂરી આપી.
2015 : 14 માર્ચે ફેઝ-1ના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
2019 : ફર્સ્ટ ફેઝના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો શરૂ કરાવી.

Exit mobile version