નવરાત્રિ ગ્રુપ ઓફ ધ ડે:વડોદરામાં યુનાઇટેડ વેમાં ગરબા રમવા યુવતી USAથી વડોદરા આવી, સુરતના પ્રિન્સ ગ્રુપના 500 સ્ટેપના ગરબાથી લોકો આકર્ષિત થયા

By Abhishek Raghuvanshi
6 Min Read

બે વર્ષના કોરોનાકાળ બાદ નવરાત્રિના ગરબાની છૂટ મળતાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. નવરાત્રિનાં ચાર નોરતાં પૂરાં થયાં અને આજે પાંચમું નોરતું છે. અવનવાં સ્ટેપ અને રંગબેરંગી વેશભૂષા સાથે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરીઓમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યા છે. વરસાદની વચ્ચે પણ ગરબાનો થનગનાટ ઓછો નથી થયો. લોકો પોતાના ગ્રુપમાં હૈયાથી હૈયું દળાય એમ આનંદ-ઉલ્લાસથી ગરબા રમી રહ્યા છે. આજે ફરીવાર દિવ્ય ભાસ્કર પર રાજ્યનાં ચાર મહાનગરમાં ગ્રુપમાં થતાં ગરબાની એક ઝલક રજૂ કરી છે. હવે ગરબામાં બોલિવૂડ એક્ટર ગોવિંદા, અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની સ્ટાઈલમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે વડોદરામાં યુનાઈટેડ વેમાં ગરબા રમવા યુવતી USAથી વડોદરા આવી છે. જ્યારે સુરતના પ્રિન્સ ગ્રુપના 500 સ્ટેપના ગરબાથી લોકો આકર્ષિત થયા હતા.

વડોદરાનું સમગ્ર ગ્રુપ LED લાઇટથી સજ્જ પાઘડી પહેરી ગરબા રમતું હતું.

યુનાઈટેડ વેમાં ગરબા રમવા યુવતી અમેરિકાથી વડોદરા આવી
વડોદરામાં આયોજિત યુનાઇટેડ વેના ગરબામાં રમવા માટે અમેરિકાથી એક યુવતી ખાસ વડોદરા આવી છે તેમજ તેમનું સમગ્ર ગ્રુપ LED લાઇટથી સજ્જ પાઘડી પહેરી ગરબે ઘૂમતા સૌકોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મૂળ વડોદરાની અને અમેરિકાના ન્યૂયાર્કમાં ડાયમંડ કંપનીમાં જોબ કરતી ઝંખના ભાવિક કુમાર શાહે જણાવ્યું હતું કે વડોદરાની નવરાત્રિમાં અતુલદાદા જે ગાય છે તેવી અમેરિકામાં મજા ન આવે. અહીં જે ખેલૈયા અને ગ્રુપનો જે જોશ હોય, લાઇટિંગ હોય એની ખૂબ જ મજા આવે છે. અમારું સ્કૂલ અને કોલેજના સમયથી ગ્રુપ છે. કોરોનામાં અમે નવરાત્રિ અને અતુલ દાદાને ખૂબ યાદ કર્યા. બે વર્ષ બાદ આખરે અમે ગરબે રમી શક્યા છીએ. વડોદરાના ભાવિક પટેલે જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી યુનાઇટેડ વેના ગરબામાં આવીએ છીએ, તેથી આ વખતે વિચાર્યું કે કંઈક નવું કરીએ. અમારા ગ્રુપમાં એન્જિનિયર્સ છે તો અમે આ આઇડિયા વિચાર્યો અને એને અમલ કર્યો.

રાજકોટના ગ્રુપમાં 50 મેમ્બરમાંથી 10 કપલની જોડી એકસરખા ટ્રેડિશનલ ડ્રેસમાં આવી.

રાજકોટના સપ્તક ગ્રુપના 50 લોકો તુર્કીમાં ગરબા રમ્યા હતા
આજે ગરબામાં ગ્રુપ ઓફ ધ ડેમાં ખાસ વાત કરીશું ગોંડલના સપ્તક ગ્રુપ ઓફ ડાન્સની. આ ગ્રુપમાં કુલ 50 મેમ્બર છે, જે પૈકી 10 કપલની જોડી એવી છે કે જેઓ એકસરખા ટ્રેડિશનલ ડ્રેસમાં આવી લોકનૃત્ય કરી હાજર તમામ અન્ય હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓથી અલગ તરી આવે છે. તાજેતરમાં તુર્કી ખાતે યોજાયેલા એક લોકનૃત્ય ફેસ્ટિવલમાં 36 દેશ સામે ભારતનું પ્રતિનિધિત્વ કરી તુર્કીમાં ગુજરાતના ગરબા રમ્યા હતા. ખાસ ગોંડલથી 50 ખેલૈયાનું સપ્તક ગ્રુપ ઓફ ડાન્સ નવરાત્રિમાં ગરબા રમવા માટે આવી રહ્યું છે. આ ગ્રુપમાં 16 વર્ષથી 39 વર્ષની ઉંમરના લોકો જોડાયેલા છે, જેમાં 50માંથી 10 કપલની જોડી એવી છે, જેઓ એકસરખા જ ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે. ગ્રુપના સભ્ય ધવલ શેઠે જણાવ્યું હતું કે અમારું ગ્રુપ સપ્તક ગ્રુપ ઓફ ડાન્સ છે. નવરાત્રિને લઇ અમારી આખા ગ્રુપની ખૂબ સારી તૈયારી છે. અમે લોકો ગરબાની સાથે સાથે અહીં લોકનૃત્ય કરીએ છીએ.

સુરતના પ્રિન્સ ગ્રુપના આઠ કપલ દ્વારા ગરબાનાં અવનવાં સ્ટેપથી ગરબા રમે છે.

સુરતમાં પ્રિન્સ ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
સુરતના મોટા વરાછા ખાતે આયોજિત ખોડલધામ ગરબા મહોત્સવમાં પ્રિન્સ ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રિન્સ ગ્રુપ દ્વારા 500 સ્ટેપના અનોખા ગરબા ઉત્સાહભેર અને જુસ્સા સાથે રમતા જોઈને સૌકોઈ દંગ રહી જાય છે. પ્રિન્સ ગ્રુપના વિષ્ણુભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે અમારું ગ્રુપ 16 સભ્યનું છે. આઠ કપલ દ્વારા ગરબાનાં અવનવાં સ્ટેપ કરવામાં આવે છે. અમે ચાર-પાંચ મહિના અગાઉથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દઈએ છીએ. આ પ્રેક્ટિસમાં અમે 500 સ્ટેપના ગરબા કરીએ છીએ.આઠ કપલ એવી રીતે રમે છે કે જાણે એ સ્ટેપ ફરીથી આવતું નથી. લગભગ અમારું આ સ્ટેપ પૂર્ણ થતાં ઘણો સમય નીકળી જતો હોવાથી ખેલૈયાઓને એમ જ લાગે છે કે આ ગ્રુપ દ્વારા સ્ટેપ રિપીટ કરવામાં આવતા નથી. ગરબા પૂર્ણ થાય ત્યારે ખેલૈયા જ્યારે આરામ કરતા હોય ત્યારે થોડીવાર માટે ત્યારે લોકો આવીને તેમને પૂછતા હોય છે કે આ કયું સ્ટેપ છે. સુરતમાં આ પ્રકારના સ્ટેપ અલગ અલગ કરવા એ આ ગ્રુપની ખાસિયત છે. અમારા ગ્રુપ દ્વારા બેસ્ટ ખેલૈયા, બેસ્ટ કપલ બેસ્ટ ગ્રુપના પણ અમને અવૉર્ડ મળ્યા છે. ગાડી પણ અમે અગાઉ જીત્યા છીએ.

- Advertisement -
અમદાવાદમાં બે બહેનપણી વચ્ચે ગરબાએ જ ગાઢ મિત્રતા કરાવી.

અમદાવાદમાં ગરબા ક્લાસીસની બે યુવતીની મિત્રતા
અમદાવાદના એક ગરબા ગ્રુપમાં 2 સહેલી વચ્ચે મિત્રતા થઈ અને 6 વર્ષથી આ મિત્રતા હવે ગાઢ બની છે. મણિનગરના આવકાર હોલનું ગરબા ગ્રુપ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાધે એન્ટરટેઇનમેન્ટના ગરબામાં રમવા આવે છે. આ ગ્રુપમાં અનેક યુવતીઓ છે, પરંતુ 23 વર્ષીય ઉર્વશી અને 19 વર્ષની હેલી સાથે ગરબા રમે છે. બંને યુવતીઓ 6 વર્ષ અગાઉ એકબીજાને મળી હતી ત્યારથી બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ છે. બંને માત્ર હવે માત્ર નવરાત્રિ માટેના જ નહીં, પરંતુ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે. બંને યુવતી અલગ અલગ ભણતી, અલગ રહેતી અને ક્યારેય અગાઉ એકબીજાના પરિચયમાં નહોતા આવ્યા, પરંતુ ગરબા કલાસીસમાં બંને ભેગા થયાં અને સાથે ગરબા શીખતાં ગરબા માટે એકબીજાનાં પાર્ટનર બન્યાં હતાં, જે બાદ બંને હવે બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે. બંને આતુરતાથી નવરાત્રિની રાહ જુએ છે અને સાથે ગરબા રમે છે. ઉર્વશીએ જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે ગરબા કલાસીસ મને એક સારી ફ્રેન્ડ આપશે. હવે અમે બંને કાયમના પાક્કા ફ્રેન્ડ બની ગયા છે. નવરાત્રિમાં પણ અમે સાથે જ ગરબા રમીએ છીએ. હેલીએ જણાવ્યું હતું કે અમારાં બંનેનાં લગ્ન બાકી છે, પરંતુ અમે લગ્ન બાદ પણ અમારી મિત્રતા આવી રહે એ માટે એકબીજાના પતિને પણ અમારા જેવા ફ્રેન્ડ બનાવી દઇશું.

Exit mobile version