અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવકનું 10 જ સેકન્ડમાં મોત, બેફામ બોલેરોએ કચડી માર્યા

By Abhishek Raghuvanshi
4 Min Read

અમદાવાદ શહેરમાં દિવસે દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હીટ એન્ડ રનના કેસનો આંકડો પણ હદ વટાવી રહ્યો છે. શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલી વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગંભીર ઈજા પામેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારે સવારે 6 વાગ્યાના અરસામાં કેનારા બેંકથી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક પર જતાં હતાં. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ગંભીર ઈજા થવાને કારણે અવસાન થયું હતું. ડ્રાઈવર આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. આ વિસ્તારની જનતાએ બેફામ વાહન હંકારતા ડ્રાઈવરને પકડી પાડવા તથા તેની સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
બેફામ ગાડી હંકારતા વાહન ચાલકો સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. વારંવાર થતા અકસ્માતને લઈને લોકો પરેશાન છે અને સાથે જ આ માટે ખાસ પગલા લેવાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતા જોવા મળે છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓમાં નિર્દોષ લોકોના મોત થવાના કારણે હવે લોકોમાં પણ રોષ ફેલાયો છે. હાલમાં આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા કાર ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઠક્કરનગરમાં રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરીના ચાલકે અડફેટે લીધા
બાપુનગરમાં સોમનાથ મંદિર પાસે ગુ.હા.બોર્ડના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ફૂલચંદભાઇ કાંતીલાલ પંચાલ 22 જૂનના રોજ સવારથી ધંધાના કામે ગયા હતા રાતે 9 વાગે ચાલતા ચાલતા ઠક્કરનગર ચમક ચૂનાની ફેકટરી પાસેથી રોડ ક્રોસ કરતા હતા. આ સમયે નરોડા તરફથી પૂર ઝડપે આવી રહેલી લકઝરીના ડ્રાઇવરે પોતાના વાહનના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા વૃધ્ધને ટક્કર મારીને નાસી ગયો હતો.માથા સહિત શરીરના ભાગે ઇજાઓ થતાં ગંભીર હાલતમાં વૃધ્ધને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વૃધ્ધ ઘરે પહોંચ્યા નહી હોવાથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી અને સિવિલમાં તપાસ કરતા વૃધ્ધ અવસાન પામ્યા હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ભાગી ગયેલા લક્ઝરીના ડ્રાઇવરની શોધોખોલ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
એસજી હાઇવે પર મેરેજ એનિવર્સરી ઊજવી ઘરે જતાં દંપતીને કારચાલકે ફંગોળ્યા હતાં

એક મહિના પહેલાં જ એસજી હાઇવે પર દંપતીને કારચાલકે ફંગોળ્યા હતાં
અમદાવાદના એસજી હાઈવે-સોલા બ્રિજ પર એક મહિના પહેલાં જ કારચાલકે દંપતીને અડફેડે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બે મહિનાની મેરેજ એનિવર્સરી ઊજવીને દંપતી પરત ફરી રહ્યું હતું ત્યારે કારચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કરથી દંપતી ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પડ્યું હતું. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી એક્ટિવા લઈ અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠના બ્રિજ પરથી પસાર થતા હતા. એ સમયે પૂરઝડપે આવી રહેલી કારે તેમને અડફેટે લીધા હતા.

અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 310 બનાવોમાં 209 લોકોના મોત
અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સરકારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં થયેલા અકસ્માતોની માહિતી આપી હતી. શહેરમાં છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના 204 બનાવો બન્યાં અને તેમાં 110 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 106 હિટ એન્ડ રનમાં 99 લોકોના મોત થયા છે. શહેર અને જિલ્લામાં મળીને કુલ 310 ઘટનાઓ બની છે. વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડે અમદાવાદ શહેર અને જિલ્લામાં હિટ એન્ડ રનની કેટલી ઘટનાઓ બની અને તેમાં કેટલા લોકોના મોત થયા તેવો પ્રશ્ન પુછ્યો હતો.

Exit mobile version