- ઝૂંપડપટ્ટીમાંથી નીકળ્યા બાદ આ પરિવાર ખૂબ આગળ વધ્યો અને જૂના સંબંધ હજી પણ જાળવી રાખ્યા છે
- તેમનો પરિવાર હાલ અમદાવાદના શાસ્ત્રીનગર પાસે રહે છે
સ્વીટી મર્ડર કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા પીઆઈ અજય દેસાઈની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઇલ અને બે પત્ની સાથેના સંબંધ વિશે જ લોકો જાણે છે, પરંતુ તેનું બાળપણ સંઘર્ષમાં વીત્યું હતું. પીએસઆઇ તરીકે પોસ્ટિંગ મેળવીને અજય દેસાઈએ જિલ્લામાં જ નોકરી કરી, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. અજય દેસાઈ ખૂબ ગરીબ પરિવારમાંથી આવતો હતો. તેણે અમદાવાદના વાડજની ઝૂંપડપટ્ટીમાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તે અને તેનાં ભાઈ-બહેન સરકારી શાળામાં ભણ્યાં હતાં.
અનેક ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં
સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા સ્વીટી મર્ડર કેસમાં પોલીસે મહત્ત્વની કડી મેળવી અને પીઆઈ અજય દેસાઈની ધરપકડ કરી લીધી છે. તેની સાથે કોંગ્રેસના નેતાની પણ ધરપકડ થઈ છે. આ બાબત સમગ્ર જગ્યાએ જાણીતી છે, પણ અજય દેસાઈ કોણ છે અને પોલીસમાં કઈ રીતે નોકરી લાગ્યો, ક્યાં ક્યાં નોકરી કરી એ વિશે તપાસ કરતાં અનેક ચોંકાવનારાં તથ્યો સામે આવી રહ્યાં છે.
પરિવાર અમદાવાદના શાસ્ત્રીનગર પાસે રહે છે
અજય દેસાઈની દેખાતી હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલથી કોઈપણ વ્યક્તિ અંજાઈ જાય. તેની બોલવાની છટા અને વિવિધ વિષય પરનું જ્ઞાન કોઈપણ વ્યક્તિને આંજી દેવા માટે પૂરતું હતું. પોતાના કરિયરમાં તેણે ઘણાં સારાં પોસ્ટિંગ પર કામ કર્યું, જેમ કે તે અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લામાં મહત્ત્વની જગ્યા પર કામ કરી ચૂક્યો છે. અજય દેસાઈની નજીકની ગણાતી વ્યક્તિના જણાવ્યા અનુસાર અજયનો પરિવાર હાલ અમદાવાદના શાસ્ત્રીનગર પાસે રહે છે.
રામાપીરના ટેકરા પાસે રબારી વસાહતની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા
અજય દેસાઈની પહેલાં આવી સ્થિતિ નહોતી. તેઓ વાડજના રામાપીરના ટેકરા પર આવેલી રબારી વસાહતની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. ઝૂંપડપટ્ટીનાં સામાન્ય બાળકોની જેમ જ અજય અને તેનાં ભાઈ- બહેન ભણતાં હતાં. સામાન્ય સરકારી સ્કૂલમાં જ તેમનો અભ્યાસ થયો હતો. તેમના પરિવારે દૂધની એક ડેરી પણ ટેકરા પર શરૂ કરી હતી, જે આજે કોઈ અન્ય વ્યક્તિ ચલાવે છે. ઝૂંપડપટ્ટીમાંથી નીકળ્યા બાદ આ પરિવાર ખૂબ આગળ વધ્યો પણ તેની સાથે જૂના સંબંધ હજી પણ જાળવી રાખ્યા છે.
4 જૂનની રાતનો જોરદાર ઝઘડો સ્વીટીનો જીવ લઈ ગયો
4 જૂનની રાત્રે સ્વીટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન સંબંધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો. રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી. બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી. પત્નીની હત્યા બાદ પીઆઇએ કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા, જ્યાં અવાવરૂ હોટલની પાછળ સ્વીટીની લાશને સળગાવી દીધી.
PIની બંને પત્ની એક જ સમયમાં ગર્ભવતી બની હતી
અજયની બંને પત્ની એક જ ગાળામાં સગર્ભા હતી. જોકે સ્વિટીએ સગર્ભા છે એ વાત 5-6 મહિના છુપાવી હતી. અજયને ખબર પડી ત્યારે ગર્ભપાત માટે મોડું થઈ ચૂક્યું હતું. બીજી બાજુ, અજયે જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે પણ સગર્ભા હતી. સ્વિટીએ પુત્રને, અન્ય પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ બંને બાળકની ઉંમર 2 વર્ષની આસપાસ છે. આ બંને બાળકોનાં નામ પણ અજયની રાશિ પરથી જ રખાયાં છે.
