પડ્યા પર પાટુ:ઉપલેટાના ડુમિયાણીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 9 ઇંચ વરસાદથી 500 વીઘાનાં ખેતરો ધોવાયાં, ખેડૂતોએ કહ્યું- મહેનત કરીને પાક ઉછેર્યો, પણ પાણી ફરી વળ્યું

By Abhishek Raghuvanshi
3 Min Read
ખેડૂતોએ ઉઊછેરેલા પાક પર પાણી ફરી વળ્યું.
  • ગામમાં 1400થી 1500 વીઘાની અંદર મગફળી, એરંડા અને કપાસનું મુખ્યત્વે વાવેતર

ગત રવિવારે રાજકોટ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો, ત્યારે ઉપલેટા પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. ઉપલેટાના ડુમિયાણી ગામમાં આભ ફાટ્યું હોય એમ માત્ર બે કલાકમાં જ 8થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, આથી આ ગામમાં સૌથી વધારે નુકસાન ખેડૂતોને આવ્યું છે. 1400થી 1500 વીઘા જમીનમાંથી 400થી 500 વીઘામાં પૂરનું પાણી ફરી વળતાં ધોવાણ થયું છે, આથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને જણાવ્યું હતું કે પૂરી મહેનત કરીને પાક ઉછેર્યો, પણ પાણી ફરી વળતાં આખા વર્ષની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.

ગામની નદી ઊંડી ન હોવાથી પૂરનું પાણી ખેતરમાં ફરી વળે છેઃ ખેડૂત
કે.સી. પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે ડુમિયાણી ગામમાં બે કલાકમાં 8થી 9 ઇંચ વરસાદ પડ્યો હતો, આથી અમારાં ખેતરો ધોવાય ગયાં છે. અમારા ગામમાં મગફળી, એરંડા અને કપાસનો મુખ્ય પાક લેવામાં આવે છે. ભારે વરસાદને કારણે એકબાજુ સારો વરસાદ હોય તો અમારે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પૂરી મહેનત કરીને પાક ઉછેર્યો, પણ પાણી ફરી વળ્યું છે. સરકાર દર વર્ષે સર્વે કરાવે છે પણ એકપણ વર્ષે ફદિયું આપ્યું નથી. સરકારને વિનંતી છે કે 20 ટકા ખર્ચ અમે આપીએ અને તમે 80 ટકા આપો, જેથી ગામની નદીને ઊંડી કરવામાં આવે તો પાણીથી ધોવાતા અમારા ખેતર બચે.

ખેડૂતોએ બળી ગયેલા પાકને ઉપાડી ઢગલો કરી અંતિમ દર્શન કર્યાં.

20 વીઘા જમીનમાં 6થી 7 લાખનું ધોવાણઃ ખેડૂત
જયંતીલાલ દલસાણિયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે મારી 20 વીઘા જમીનમાં અંદાજે 6થી 7 લાખ રૂપિયાનું ધોવાણ થયું છે. કપાસ, એરંડા અને મગફળીમાં પાણી ફરી વળતાં તમામ પાક નિષ્ફળ ગયો છે. ડુમિયાણી ગામના સરપંચ દિનેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં દર વર્ષે 1400થી 1500 વીઘામાં વાવેતર થાય છે, પરંતુ દર વર્ષે ભારે વરસાદને કારણે 400થી 500 વીઘાનો પાક નિષ્ફળ જાય છે. દર વર્ષે સર્વે કરવામાં આવે છે, પણ ખેડૂતોને એકપણ રૂપિયો મળતો નથી. સરકાર સર્વે કરી ન્યાય આપે, નહીંતર ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

ખેતરો ખેદાન-મેદાન.

ભાદર કાંઠાનાં ખેતરોમાં હજી પાણી ભરાયેલાં છે
ઉપલેટાના ડુમિયાણી ગામના ખેડૂતોનાં ખેતરોમાં ભારે વરસાદથી પાણીના વેણ નીકળતાં લાખોનું નુકસાન થયું છે, જેમાં ખેતરોમાં ધોવાણ થયું છે અને ઊભો પાક બળી ગયો છે, જેથી નુકસાન થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ડુમિયાણીમાં વધુ વરસાદ પડતાં ઘણા ખેડૂતોનાં ખેતરોનું ધોવાણ થતાં તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ભાદર કાંઠે આવેલાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં તેમને પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે.

- Advertisement -
ફળદ્રુપ જમીન ધોવાઈ.

બળેલો પાક ખેડૂતોએ ખેતરમાંથી ઉપાડી લીધો
ખેડૂતોના જણાવ્યાનુસાર અહીં અંદાજિત 1400થી 1500 વીઘાની અંદર મગફળી, એરંડા અને કપાસનું મુખ્યત્વે વાવેતર થયું છે. ત્યારે ગત રવિવારે પડેલા ભારે વરસાદને કારણે અત્યારે 400થી 500 વીઘાનાં ખેતરોમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનાં ખેતરોમાં થયેલા નુકસાન બાદ ધોવાયેલાં ખેતરોમાંથી બળેલા પાકને ઉપાડી લીધો છે.

કપાસના પાકનો સોથ વળી ગયો.
ખેતરો ધોવાતાં ખેડૂતો ચિંતામાં.
ખેતરોના પાળા ધોવાયા.
Exit mobile version