DB એક્સપ્લેનર:ગુજરાતના પોલિટિક્સમાં પાટીદાર….કેમ ચૂંટણી સમયે જ રાજકીય પક્ષો કે સામાજિક આગેવાનો પાટીદારોને યાદ કરે છે? જાણો પટેલોનું વર્ચસ્વ

By Abhishek Raghuvanshi
6 Min Read
  • ભાજપનો પાટીદાર પ્રેમ: 2017માં ભાજપને પાટીદાર વર્ચસ્વવાળી 8 બેઠક ઓછી મળી હતી
  • વિધાનસભા-લોકસભાની ચૂંટણીના સમયે જ પાટીદાર સમાજના આગેવાનો વર્ચસ્વનો વિવાદ ઊભો કરતા આવ્યા છે

ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા છે. તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને પ્રવાસ માટે ઉતાર્યા છે. આ બંને કેન્દ્રીય મંત્રી પાટીદારોનો પ્રેમ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પાર કરવો હશે, પાટીદારોનો પ્રેમ પાછો લેવો પડશે, એવું એક તારણ ભાજપના આંતરિક સર્વેમાં આવ્યું હતું. 2017ની ચૂંટણીમાં પાટીદારોને કારણે ભાજપની 8 બેઠક ઘટી ગઈ હતી.

પાટીદાર સમાજની ઈચ્છા, નરેશ પટેલ બને મુખ્યમંત્રી
સામાન્ય રીતે ગુજરાતમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓ સમાજના વર્ચસ્વની વાતો કરવા લાગે છે તો રાજકીય પક્ષો જ્ઞાતિવાદનું રાજકારણ ઊભું કરી પાટીદારોના મત મેળવવા પ્રયાસો કરતા આવ્યા છે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓ પોતાનું વર્ચસ્વ ઊભું કરવા કંઈ ને કંઈ એવા નિવેદન કરે છે, જેને કારણે તેમની તરફ બધા પક્ષોનું ધ્યાન ખેંચાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદાર મતદારો ચર્ચામાં હતા, જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખોડલધામના પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે ‘પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઈએ’નું નિવેદન કરી ફરી એકવાર સમાજનું વર્ચસ્વ વધારવાની શરૂઆત કરી હતી. બીજી તરફ, ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર સમાજના નામે રાજકીય ચર્ચા શરૂ થતાં જ ભાજપે પણ પાટીદારોના ગઢ ગણાતા મતવિસ્તારમાં પાટીદાર કેન્દ્રીય મંત્રીઓની યાત્રાની સાથે પાટીદારોનો પ્રેમ મેળવવા નિવેદનો શરૂ કર્યાં છે.

ગુજરાતમાં એકપણ પાટીદાર CM 5 વર્ષનું શાસન પૂરું કરી ના શક્યા
ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. ઈતિહાસ જોઈએ તો બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં.

આનંદીબેન પટેલને સીએમપદ છોડવું પડ્યું હતું
ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ પાટીદારોનું જોર વધ્યું હતું, 2015માં ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં, પાટીદારો ભાજપથી નારાજ થવા લાગ્યા હતા. આને કારણે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી અને કોંગ્રેસને લગભગ 83 બેઠક મળી હતી. એ વખતે પણ ભાજપનો વોટ શેર 1 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 2 ટકા વધ્યો હતો. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 115 બેઠક હતી, જે 2017માં ઘટીને 99 થઈ હતી. જ્યારે 2017માં કોંગ્રેસે 16 સીટ વધારે મેળવી હતી, પણ એ વખતે પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો હતો

- Advertisement -

ગુજરાતમાં ત્રીજા મોરચાનો ફાયદો ભાજપને જ મળે છે
ગુજરાતમાં અત્યારસુધી બે મુખ્ય પક્ષ હતા- ભાજપ અને કોંગ્રેસ. ગુજરાતમાં જ્યારે પણ ત્રીજો મોરચો આવે છે ત્યારે એનો લાભ સત્તાધારી પક્ષ ભાજપને જ મળે છે, કારણ કે ત્રીજા મોરચામાં વોટ શેર તો કોંગ્રેસનો જ કપાય છે. અત્યારસુધીમાં શંકરસિંહ વાઘેલાએ રાજપા પછી જન વિકલ્પ પાર્ટી ઊભી કરી હતી. કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી ઊભી કરી હતી. પછી મજપા આવી. આ ઉપરાંત એનસીપી, બીએસપી અને આમ આદમી પાર્ટીએ પણ કોશિશ કરી જોઈ હતી, પણ ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવ્યો જ નથી.

પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં AAPએ મળવી 27 બેઠક
ગુજરાતમાં સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારોએવો દેખાવ કર્યો હતો. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર વસતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં 27 બેઠક મેળવી હતી. જોકે 2016ની પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જે 26 બેઠક જીતી હતી એ ‘આપ’ના ફાળે ગઈ હતી.

આવો, જાણીએ પાટીદાર પાવર વિશે…
રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.

50 બેઠક પર તો પાટીદાર પાવર જ ચાલશે
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

આ 21 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

Exit mobile version