- કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરાશેઃ નીતિન પટેલ
- અમદાવાદની મેચોમાં પણ દર્શકો વગર મેચ રમાશે
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાશે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
કર્ફ્યૂ રાત્રે 12ના બદલે 10થી કરવાની વિચારણા
રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યૂનાં સમયમાં વધારો કરવા અંગે વિચારણા ચાલી રહી છે. રાત્રિના 10થી કર્ફયૂ અમલમાં આવી શકે છે. સાથે જ વધુ 15 દિવસ માટે કર્ફયૂની મુદત લંબાઈ શકે છે. રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ રાખવા વિચારણા ચાલી રહી છે.અમદાવાદની મેચોમાં પણ દર્શકો વગર મેચ રમાશે. રાત્રિ કર્ફ્યૂ અંગેનો અંતિમ નિર્ણય સરકાર બપોરે લેશે.
રાત્રિ કર્ફ્યૂની મુદત પૂરી થઈ ગઈ
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત ગઈકાલે જ પૂરી થઈ ગઈ હતી. એવામાં નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા સૂચના આપી છે. DyCM નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે.
રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના મેચ રમાશે
સોમવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.
સિવિલમાં કોરોનાના દર્દીઓમાં વધારો
અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.
