- અમદાવાદમાં કોરોનાના કેસો વધતા GCAનો દર્શકો વિના જ બાકીની 3 ટી-20 રમાડવાનો નિર્ણય
- અન્ય રાજ્યોમાંથી મેચ જોવા આવેલા દર્શકોને અમદાવાદ પહોંચીને નિર્ણયની જાણ થઈ
- દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ નહીં જોવા મળે તે વાતથી દર્શકો નિરાશ થયા
રાજયમાં અને ખાસ કરીને મહાનગરોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદના મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે T-20 મેચ રમાઈ રહી છે. જેમાં હજારો લોકો મેચ જોવા આવતાં હતાં. જેના કારણે સંક્રમણ ફેલાવવાનો ભય હતો. છેવટે GCAએ મેચમાં કોઈ પણ દર્શકને પ્રવેશ ન આપવાનો સોમવારે રાતે નિર્ણય લેતા, આજે મંગળવારે યોજાનારી મેચ જોવા આવેલા દર્શકો નિરાશ થયા છે. માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહીં રાજસ્થાન, દિલ્લી અને મધ્યપ્રદેશથી મેચ જોવા માટે લોકો અમદાવાદ આવ્યા હતા, અહીં આવ્યા બાદ તેમને સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે તે નિર્ણયની જાણ થઈ હતી. જેથી તેઓએ રોષ ઠાલવ્યો હતો કે ચૂંટણીઓમાં રેલીઓમાં હજારો લોકો ભેગા થાય છે ત્યારે કોરોના કેમ નથી દેખાતો અને હવે મેચમાં 60,000 લોકો ભેગા થાય ત્યારે કોરોના નડ્યો છે.
‘કોલકાતામાં રેલીઓ થાય છે ત્યાં કોરોના નથી નડતો’
દિલ્લીથી મેચ જોવા આવેલા અશ્વિની કુમારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત-ઈંગ્લેન્ડની પાંચેય મેચ જોવા માટે દિલ્લીથી અમદાવાદ આવ્યા હતા. તમામ મેચની ટિકિટ ખરીદી છે અને હોટલમાં રોકાયા છીએ. બે મેચ અમે જોઈ હતી. રાતે સમાચારમાં જોયું કે કોરોનાના કેસો વધતાં હવે મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં રેલીઓ થાય છે ત્યાં કોરોના નથી નડતો અને અહીંયા મેચમાં કોરોના દેખાય છે.
અમદાવાદ આવીને GCAના નિર્ણયની જાણ થઈ
જ્યારે મધ્યપ્રદેશના જાંમ્બુઆથી મેચ જોવા આવેલા વીરેન્દ્ર બસેરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે પાંચ મિત્રોનું ગ્રુપ મોડી સાંજે મેચ જોવા માટે ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવ્યા બાદ વહેલી સવારે જાણ થઈ હતી કે મેચમાં કોઈ દર્શકને પ્રવેશ આપવામાં આવશે નહીં જેના કારણે અમે ખૂબ જ નિરાશ થયા છીએ. રાતે ટ્રેનનો સફર કરી ખાસ આ મેચ જોવા અમદાવાદ આવ્યા હતા, પરંતુ મેચ જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે.
રાજસ્થાનથી આવેલા દર્શકો નિરાશ
રાજસ્થાનના ભીલવાડાથી અમદાવાદ મેચ જોવા આવેલા આરીફ ખાને જણાવ્યું હતું કે, અમે ચાર મિત્રો રાતે બસમાં બેસી રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા. 2500વાળી ટિકિટ અમે ખરીદી હતી. અમદાવાદ ઉતર્યા બાદ અમને ટીવીમાં સમાચારથી ખબર પડી કે અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે જેથી મેચમાં હવે કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. આ મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની છે કારણ કે ભારત અને ઈંગ્લેન્ડ બંને એક એક મેચ જીતી ચૂક્યા છે. જેથી આ મેચનો ખૂબ જ ઉત્સાહ હતો.
મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના મેચ રમાશે
સોમવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો હતો. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરાઈ હતી.
