રાજકીય ગણિત:સુરતનાં મહિલા સાંસદને મંત્રીપદ આપી પાટીલની સત્તાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ, જરદોશ સામે રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પડકાર

By Abhishek Raghuvanshi
4 Min Read
  • બિનવિવાદાસ્પદ 3 ટર્મથી સાંસદ રહેલાં દર્શના જરદોશને ટેક્સટાઈલ ઉદ્યોગના જૂના પાયાના પ્રશ્નો હલ થવાની આશા વધી

સુરત શહેરના રાજકારણમાં દર્શના જરદોશને કેબિનેટ-મંત્રીમંડળમાં સ્થાન મળતાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. શહેરના રાજકારણમાં એક વર્ગ સૌથી વધુ હાવિ થવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એમાં તેઓ સફળ થતા પણ દેખાઇ રહ્યા છે, જેની સામે શહેરનાં અન્ય જૂથો નબળાં પુરવાર થતાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હતું. એને કારણે આંતરિક જૂથવાદ વકરી રહ્યો હતો. દર્શનાની પસંદગી થતાં હવે શહેરના રાજકારણમાં પણ બેલેન્સ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંગઠનમાં સરકારમાં પાટીલની વધતી સત્તા નિયંત્રણમાં આવશે એવો પ્રયાસ કેન્દ્ર દ્વારા થયાનું રાજકીય ગણિત વિશ્લેષકો લગાવી રહ્યા છે. બીજી તરફ, દર્શના જરદોશ માટે શહેરના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પડકાર છે તો ટેક્સટાઈલ ઉદ્યોગને વર્ષો જૂના પાયાના પ્રશ્નો હલ થાય એવી આશા વધી ગઈ છે.

હાંસિયામાં ધકેલાયા બાદ પ્રભુત્વ વધશે
દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં સી.આર.પાટીલનો દબદબો સતત વધી રહ્યો છે. નવસારી લોકસભામાં વિજય બાદ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સંગઠનાત્મક મોટી જવાબદારીને કારણે પાટીલનું કદ વધી ગયું હતું. બીજી તરફ, તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતમાં પાટીલ ગ્રુપ ખૂબ જ સક્રિય થઇ ગયું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈને જીત્યા બાદ કઈ સમિતિમાં કોણ અધ્યક્ષ રહેશે એમાં પણ પાટીલનો પાવર જોવા મળ્યો હતો. સુરત કોર્પોરેશનમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે તમામ સમિતિના અધ્યક્ષ સ્પષ્ટપણે એવું બોલે છે કે પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી અમે આ કામ કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી, બાંધકામ સમિતિ હોય કે શાસક પક્ષના નેતાની પસંદગી કરવાની હોય, તમામ પર પાટીલ ગ્રુપ હાવિ રહ્યા છે. શહેરના કોર્પોરેશનના મુદ્દાઓની સાથે સુરત રેલવે સ્ટેશન અને ટેક્સટાઇલ ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નો ઉકેલવા માટે દર્શના જરદોશને હાંસિયામાં ધકેલીને સી. આર. પાટીલ પોતાનો હાથ ઉપર રાખતા હતા.

દર્શના જરદોશને મંત્રીપદ મળતાં અન્ય જૂથની સત્તામાં કાપ આવવાની શક્યતા સેવાઈ રહી છે.

ભાજપનાં અન્ય ગ્રુપોને હાશકારો
દર્શના જરદોશની પસંદગી થયા બાદ હવે સ્થિતિ એ પ્રકારની રહેશે કે માત્ર પાટીલ પાસે જનારા ઉદ્યોગકારોને હવે દર્શના જરદોશ પાસે પ્રશ્નો લઈને જવાનું થશે. દર્શના જરદોશ સામાન્ય રીતે તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ મોટા વિવાદમાં આવ્યાં નથી. પાટીલ પાવરને ઓછો કરવા માટે અથવા તો તેને નિયંત્રણમાં રાખવા માટે દર્શના જરદોશને પ્રમોટ કરીને આંતરિક રાજકારણમાં પણ સત્તાની વહેંચણી કરી દીધી હોય એવું લાગે છે. દર્શના જરદોશ ગ્રુપ એવું કહેવા કરતાં પાટીલ ગ્રુપ સામે શહેરમાં જેટલાં પણ ગ્રુપ છે તેમના માટે કેટલેક અંશે હાશકારો થયો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના રાજકારણમાં પૂર્ણેશ મોદી, નીતિન ભજિયાંવાલા, દર્શનાબેન જરદોશ અને વરાછાના પાટીદાર નેતાઓનું ગ્રુપ પાર્ટી સામે પડતા હોવાની ચર્ચા હોય છે.

શહેરના રાજકારણમાં ચાલતા જૂથવાદ પર નિયંત્રણ આવવાની શક્યતા સેવાઈ રહી છે.

રેલવે સ્ટેશનના મુદ્દા ઉકેલાવાની આશા
ટેક્સટાઇલ ઉદ્યોગ અને રેલવે સ્ટેશન સાથે સંકળાયેલા તમામ મુદ્દા પર દર્શના જરદોશ વાત કરતા દેખાયાં હતાં, પરંતુ ચર્ચામાં હંમેશાં સી.આર.પાટીલ રહેતા હતા તેમજ હાલ સુરત કોર્પોરેશનમાં પણ સી આર પાટીલનો દબદબો દેખાતાં સત્તા વ્યક્તિ કેન્દ્ર થતી દેખાતી હતી. મોદીએ દર્શના જરદોશની પસંદગી કરીને એક તીરે ઘણાં નિશાન સાધી લીધા છે. પક્ષમાં કોઈ એક વ્યક્તિનો પાવર મર્યાદા કરતાં વધુ ન થાય એનું પણ ધ્યાન રખાયું છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતના પ્રભુત્વને પણ સન્માન સાથે આગળ લઈ જવાયું છે.

- Advertisement -
ટેક્સટાઇલ અને રેલવેના પ્રશ્નો ઉકેલાવાની આશા સેવાઈ રહી છે.

ટેક્સટાઈલ ઉદ્યોગના પ્રશ્નોનો પડકાર
દર્શના જરદોશ માટે પણ અનેક પડકારો સામે ઊભા છે. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવા માટે ઘણા સમયથી જે મોટી મોટી વાતો થઈ રહી છે એને સાકાર કરવાનો સૌથી મોટો પડકાર છે. બીજી તરફ, કોરોના સંક્રમણને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગની ગતિ ખૂબ જ મંદ પડી છે, એને ફરીથી વેગવંતો કેવી રીતે કરવો બની રહે છે. ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોના સંક્રમણકાળ દરમિયાન ખૂબ મોટું આર્થિક નુકસાન સહન થયું છે, ત્યારે એમાંથી એને કેવી રીતે બહાર લાવવો એના માટે પરિશ્રમ કરવો પડશે.

Exit mobile version