- વડાપ્રધાન મોદી રૂબરૂ ને બદલે વર્ચ્યુઅલી સંબોધન કરે તેવી શક્યતાઓ
- વાઈબ્રન્ટ સમિટમાં વિશ્વના 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવા તૈયાર
ગુજરાતમાં એક બાજુ કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે અને ઓમિક્રોન વેરિયન્ટનો હાહાકાર શરૂ થયો છે. આ દરમિયાન આગામી 10 જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ કરવા સરકાર મક્કમ બની છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટને માત્ર સરકારી મહોત્સવ બનાવીને પુરી કરવા માંગે છે. અહીં સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે આ સમિટમાં પહેલીવાર વડાપ્રધાન મોદી રૂબરૂ ને બદલે વર્ચ્યુઅલી સંબોધન કરે તેવી શક્યતાઓ છે.
કોરોનાના કહેર વચ્ચે વાયબ્રન્ટ યોજવા સરકાર મક્કમ
સમગ્ર દેશમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. WHOએ પણ ઓમિક્રોનના ફેલાવા સામે વિશ્વા દેશોને લાલબત્તી ધરી છે. આ સમયે ગુજરાતમાં આગામી 10મી જાન્યુઆરીએ યોજાનારા વાઈબ્રન્ટ મહોત્સવ અંગે પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સરકારે છેલ્લા મહિનાથી વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી છે. સરકાર હવે મક્કમતાથી વાઈબ્રન્ટ યોજાશે જ તે રીતે આગળ વધી રહી છે. પરંતુ હવે ચર્ચા એવી છે કે ખુદ વડાપ્રધાન મોદી પણ આ સમિટમાં વર્ચ્યુઅલી હાજરી આપશે કે રૂબરૂ આવશે તે અંગે અવઢવ ચાલી રહી છે.
વાયબ્રન્ટ સમિટ એક સરકારી સમારોહ બની રહેશે
જો કે જે રીતે વાયબ્રન્ટ સમિટમાં વિશ્વના 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવા તૈયાર છે. પરંતુ સમિટમાં અમેરિકા સહિતના કેટલાક દેશોના પ્રતિનિધિઓ મુખ્ય આકર્ષણ હોય છે. પરંતુ આ દેશોમાં હાલ ઓમિક્રોનના કારણે મજબૂત ગાઈડલાઈન અમલમાં છે. પરિણામે આવા દેશો વાઈબ્રન્ટ સમિટમાં કઈ રીતે હાજરી આપશે તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિ ના હોય તો વાયબ્રન્ટ સમિટ પણ એક સરકારી સમારોહ બની રહેશે.
PM મોદીનો UAE અને કુવૈતનો પ્રવાસ રદ
દેશમાં ઓમિક્રોનને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત અને કુવૈતની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો આ બે દેશોનો પ્રવાસ આગામી 6 જાન્યુઆરીએ યોજાવાનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શક્ય છે કે, ફેબ્રુઆરીમાં આ યાત્રાનું આયોજન થશે. કોરોનાવાયરસનું ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. યુએઈમાં કોવિડ-19ના ઝડપી પ્રસાર બાદ અબુ ધાબીએ પ્રવાસીઓ માટે નિયમો કડક બનાવ્યા છે.
મંત્રી-સચિવો સમિટના 24 કલાક પહેલાં જ કોરોના ટેસ્ટ કરાવશે
કોરોના સંક્રમણમાં ઉછાળો અને ઓમિક્રોનના ફેલાવા વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં સંક્રમણ ફેલાય નહીં તે માટેના તમામ તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે. સમિટના 24 કલાક પહેલા એટલે કે 9મી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે ફરજ પર મૂકાયા છે તે પોલીસ સહિતના તમામ 1200 જેટલા કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. રસીના બંને ડોઝ લીધા હોય છતાં પણ તમામ કર્મચારી- અધિકારીના RTPCR ટેસ્ટ કરાશે અને જેનો રીપોર્ટ નેગેટીવ આવશે તે કર્મચારીઓને જ ફરજ સોંપવામાં આવશે.ગુજરાત સરકારના તમામ મંત્રીઓ સચિવ કક્ષાના અધિકારીઓના પણ સમિટના 24 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરવામાં આવશે.
