- ચાર કલાક સુધી શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે
- મુખ્યમંત્રી સુપરસ્પ્રેડર બનશે તો જવાબદાર કોણ એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો પણ યોજાવાનો છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે ભાજપને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરી જણાવ્યું છે કે રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે જવાબદારો જ બેજવાબદાર બને તો સામાન્ય લોકોને તો પારાવાર મુશ્કેલી જ ભોગવવાનો વારો આવશે. ભીડ એકઠી ન કરવાની શીખ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં તાયફા કરે તો રોકનાર કોણ છે, કારણ કે સરકાર જ ભાજપની છે તો નિયમો પણ બનાવે અને એ પણ તોડે તો કોઈ કાર્યવાહી થતી નથી. સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ તેની પાસેથી મસમોટો દંડ ઊઘરાવે છે.
એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના તમામ રસ્તા બંધ કરાશે
મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેમાં કાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે આ રસ્તા પર રોજ ઓફિસે કે કામ માટે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય એ માટે કોઈપણ પ્રકારનાં વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સરકારે ભીડ એકઠી ન કરોના નિયમ બનાવ્યા અને પોતે જ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ આપી ખુલ્લેઆમ નિયમ તોડશે.
રાજકોટમાં ત્રણ દિવસે ડબલ રેટ નોંધાયો છે
ગુજરાતમાં કોરોનાના કેસો ચાર દિવસમાં ચાર ગણા થઈ ગયા છે અને સૌરાષ્ટ્રના 11 જિલ્લા કરતાં એકલા રાજકોટ શહેરમાં વધારે કેસો નોંધાય છે. રાજકોટમાં દર ત્રણ દિવસે ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે હોટ સ્પોટ બની રહેલા પૂર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં ત્રણ માસ પછી નવા મુખ્યમંત્રીના પ્રથમ કાર્યક્રમ રોડ શોમાં ભીડ માટે કડકાઈથી રસ્તા બંધ કરાવાશે
કાલે ભાજપના નેતાઓ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના નિયમો તોડશે
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે એ મુજબ એરપોર્ટથી જૂના એનસીસી બિલ્ડિંગ, મેયર બંગલા, કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ, ડી.એચ.કોલેજ સુધીના રૂટ પર મુખ્યમંત્રીનો રોડ શો યોજાવાનો છે. આ રોડ શોમાં વોર્ડદીઠ ભાજપના 300 એટલે કે 2400 કાર્યકરો, એરપોર્ટ પર 1800 કાર્યકરો, ઉપરાંત સેંકડો પોલીસ, વહીવટી તંત્રના કર્મચારીઓ ઊમટી પડશે. આ ઉપરાંત અમુક કોલેજોને પણ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ અપાયાનું જાણવા મળ્યું છે. કાલે પોલીસ કમિશનરનું વાહન-વ્યવહાર બંધનું જાહેરનામું તો ચુસ્ત રીતે પળાશે, પરંતુ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના જાહેરનામાનું શું? એ કાલે જ ખબર પડશે.
વાહનોથી ધમધમતા રેસકોર્સ રોડ સહિતના માર્ગો મુખ્યમંત્રી માટે બંધ કરી દેવાશે!
મુખ્યમંત્રી માટે શહેરના જે રસ્તા ચાર કલાક માટે બંધ રાખવામાં આવશે એ શહેરના હાર્દ સમાન મુખ્ય માર્ગ છે અને લોકોએ ત્યાંથી જ પસાર થવાનું હોય છે. એને લઈને પોલીસે પોલીસ હેડક્વાર્ટર રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફ જવા જામનગર રોડ, ભોમેશ્વરથી સાંઢિયાપુલ અને શીતલ પાર્ક થઈને રૈયા રોડ આમ્રપાલી અન્ડરપાસ પણ બંધ કરી દેવાશે. એને બદલે રૈયા રોડ પર આઝાદ ચોકથી કાલાવડ રોડ થઈ ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક થઈ ત્રણ ચાર કિ.મી.નું વધારે અંતર કાપીને જવાનું ડાઇવર્ઝન અપાયું છે. મહિલા કોલેજ ચોકથી કિસાનપરા ચોકનો પ્રાઈમ રોડ પણ લોકો માટે બંધ કરાશે. આ વાહનચાલકો ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક તરફ જઈ શકશે. સદર બજારથી જિલ્લા પંચાયત ચોક તરફ જવાના રસ્તા પણ વાહનો માટે બંધ થશે. આ વાહનચાલકોએ છેક જિમખાના રોડથી ટાગોર રોડ થઈ ભીલવાસ તરફ જઈ શકશે
ભાજપે રોડ શો માટે તૈયારીઓ આરંભી દીધી
રોડ શોમાં મુખ્યમંત્રીનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. મુખ્યમંત્રીને આવકારવા માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના 3 રાજમાર્ગ પર બેનર-કટઆઉટ મૂકી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહનો પૂર્ણાહુતિ સમારોહ યોજાવાનો હોઈ, વહીવટી તંત્ર દ્વારા કોલેજના ગ્રાઉન્ડમાં વિશાળ સમિયાણો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોલેજિયન છાત્રો દ્વારા આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો છે. આજે મુખ્યમંત્રીના રોડ શોનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કરાશેઃ શહેર ભાજપ પ્રમુખ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત મુખ્યમંત્રી મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આવે છે. આથી એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી તેના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ જ નહીં વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ મુખ્યમંત્રીનું સ્વાગત ઉમળકાભેર કરશે. મુખ્યમંત્રીની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના હોદેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીના કાલના કાર્યક્રમો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સવારે 10-30 વાગ્યે ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ એરપોર્ટથી જિલ્લા પંચાયત થઇ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી મુખ્યમંત્રીનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં સીએમ નગરજનોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહના આયોજિત કાર્યક્રમમાં સમરસ પંચાયતોને ચેક વિતરણ, સરપંચોનું સન્માન અને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં નિર્માણ કરાયેલી બલૂન હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
