- મહેશ નાયક અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
- અગાઉ અમદાવાદ, તાપી, સાબરમતી જેલ સહિત જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે
કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યો છે. અને કોરોનાને કારણે અનેક પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.
2020માં 58 IPS અધિકારીની બદલી
ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાથી સંક્રમિત થતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેમનું મોત નીપજ્યું હતું.
એમ. કે. નાયક 31મી માર્ચથી દાખલ હતા
સૂત્રના જણાવ્યા પ્રમાણે, એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.
મહેશ નાયક ડાયાબિટીસથી પણ પીડાતા હતા
નોંઘનીય છે કે એમ. કે નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પીડાતા હતા.
DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી
ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી ચૂક્યા છે. અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી એમ. કે. નાયકે સેવાઓ બજાવી હતી. તેઓ તાપી જિલ્લા પોલીસવડા તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. થોડા સમય પૂર્વે જ એમ. કે. નાયકના માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું.
કોરોનાકાળના વોરિયર્સે પણ જીવ ગુમાવ્યો
છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં કોરોનાએ ભારે તારાજી સર્જી છે. તબીબો કોરોનાના દર્દીઓની સારવારમાં દિવસ-રાત એક કરતા જોવા મળી રહ્યા છે. તો કોવિડ ગાઇડલાઇન્સના પાલનથી લઇને રાત્રિ કર્ફ્યૂની અમલવારી અને કન્ટેન્મેન્ટ ઝોનની દેખરેખ સુધીની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બખૂબી નિભાવવામાં આવી રહી છે, પરંતુ કામગીરી દરમિયાન પોલીસ અને તબીબી 4 સ્ટાફના કેટલાય કોરોના વોરિયર્સ કોરોનાથી સંક્રમિત થયા છે અને કેટલાય વોરિયર્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
